Vijayadashami (Dashera) – વિજયાદશમી (દશેરા)

ગુજરાતી
ધર્મો જયતિ નાધર્મઃ સત્યં જયતિ નાનૃતામ્ ||
ધર્મનો જય થાય છે, અધર્મનો નહીં. સત્યનો જય થાય છે અસત્યનો નહીં. દશાનન એટલે દશ માથાવાળા રાવણનો આ દિવસે ભગવાન શ્રીરામચંદ્રે નાશ કર્યો માટે દશેરા. અષાઢની મેઘગર્જનાની જેમ અટ્ટહાસ્ય કરતો રાવણ યુદ્ધભૂમિ પર નિર્ભય બની ઊભો હતો. ભગવાન શ્રીરામના પ્રત્યેક બાણ અફળ જતા હતા ત્યારે વિભીષણે નજીક આવીને શાંતચિત્તે કહ્યું :
નાભિકુંડ પિયૂષ બસ યાકેં । નાથ જિયત રાવનુ બલ તાકેં ।।
સુનત બિભીષન બચન કૃપાલા । હરષિ ગહે કર બાન કરાલા ।।
“હે પ્રભુ ! રાવણના નાભિકુંડમાં અમૃતકૂંપી છે. જેના પ્રતાપે તેના શિર કપાય છે છતાં સજીવન થાય છે. જ્યાં સુધી અમૃતકૂંપી ફૂટી નહીં જાય ત્યાં સુધી રાવણ અમર રહેશે.”
વિભીષણની વિસ્મયભરી વાત સાંભળી ભગવાન શ્રીરામચંદ્રજીએ રાવણના નાભિકુંડ પર દૃષ્ટિ કરી. અટ્ટહાસ્ય કરતો રાવણ શ્રીરામચંદ્રજીને લલકારી રહ્યો હતો ત્યારે ભગવાને બ્રહ્માસ્ત્રને ધનુષ્ય પર ચઢાવ્યું. સ્વસ્થચિત્તે શ્રીરામચંદ્રજીએ રાવણના નાભિકુંડનું લક્ષ્ય સાધી બ્રહ્માસ્ત્રને છોડ્યું. ધનુષ્યમાંથી છૂટેલા બ્રહ્માસ્ત્રે રાવણના નાભિકુંડને છેદી નાખ્યું. નાભિકુંડ છેદાતા અમૃતકૂંપી ફૂટી ગઈ અને તરત જ મહાકાંતિવાળો મહાન શિવભક્ત રાવણ પૃથ્વી પર ઢળી પડયો. અંતે સાત દિવસ અને સાત રાત્રિ સુધી અખંડિત ચાલતું રામ-રાવણનું યુદ્ધ પૂર્ણ થયું. ભગવાન શ્રીરામચંદ્રજીએ આ દિવસે રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો માટે ‘વિજયાદશમી’ પણ કહેવાય છે. દશેરા એટલે વીરતાની અને શૌર્યની ઉપાસનાનું પર્વ. ભગવાન શ્રીરામચંદ્રજીનો આ ભવ્ય વિજય ભારતવર્ષમાં વિજયા દશમી તરીકે દર વર્ષે ઊજવાય છે. આ દિવસે દેવતાઓ અને મનુષ્ય પર લાંબા સમયથી રાવણ દ્વારા થતો અત્યાચાર ભગવાન શ્રીરામચંદ્રજી દ્વારા સદાચારમાં પરિણમ્યો. અસત્ય પર સત્યનો અને એક દૈવીશક્તિનો આસુરી શક્તિ પર ભવ્ય વિજય થયો.
બીજા એક અર્થ મુજબ જોઈએ તો વિજયાદશમી સદ્પ્રેરણાનું મહાપ્રેરક પર્વ છે. માનવીની અંદર રહેલા દશ પ્રકારના આસુરી તત્ત્વો જેવાં કે – કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષ્યા. આ દશ આસુરી તત્ત્વો પર વિજય મેળવવાની એક પ્રેરણા આ પ્રેરક પર્વ આપણ સર્વેને આપે છે. આપણા મનમાં રહેલા આ દશ આસુરી તત્ત્વોને જો આપણે જ ભગવત્કૃપાથી નાશ કરીએ તો જીવનમાં ખરા અર્થમાં વિજયા દશમી ઊજવાય. વિજયા દશમીનું આ પ્રેરણાપર્વ માનવમનમાં છવાયેલી નિરાશાઓની વચ્ચે એક નવી જ આશાઓનો સંચાર કરે છે. અન્યાય અને અત્યાચારનું સામ્રાજ્ય ભલે ગમે તેટલું પ્રસ્થાપિત થયું હોય, છતાં પણ એક દિવસ આ દુષ્ટ સામ્રાજ્ય ન્યાય અને સદાચારના સાત્ત્વિક શસ્ત્રો દ્વારા પરાજિત થવાનું જ છે. વિજય હંમેશા સત્યનો જ થાય છે. જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે તોપણ ધીરજ ન ગુમાવવી જોઈએ અને અડીખમ ઊભા રહેવું જોઈએ. અડગ મનના માનવીઓ જ વિજયપતાકા ફરકાવી શકે છે. વિજયા દશમી પર્વ અન્યાયના અંતનું પણ પ્રતીક છે.
સદીઓથી આપણે ત્યાં ગામો-ગામ અને શહેરે-શહેર રાવણનું દહન કરવામાં આવે છતાં જાણે રાવણનો નાશ જ થતો ના હોય તેવું લાગી રહ્યું છે. રાવણના નાશ થવાને બદલે અનેક નવા રાવણો ઊભા થતા હોય તેવું જોવા મળી રહ્યું છે. સમાજમાં દિન-પ્રતિદિન હિંસા, વ્યભિચાર, ચોરી, કોઈનું અણહકનું પડાવી લેવાની બદદાનત આદિ દુષિતભાવો વધી રહ્યા છે. તે આપણે સહુ કોઈ પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ. આ એ ભારત છે, જ્યાં સીતાના પાલવનો વિકૃત સ્પર્શ કર્યો એ રાવણના દશે-દશ માથાને કાપીને માટીમાં રગદોળી દેવામાં આવ્યા હતા, અને દ્રૌપદીની લાજ લૂંટવાનો પ્રયત્ન કરનાર દુઃશાસનનો હાથ ઉખાડીને ફગાવી દેવામાં આવ્યો હતો.
જ્યારે આજે કેટલાક યુવાનોની આંખમાં વિષયવાસનાને લીધે સાપોલિયાં રમતા થઈ ગયા છે. બહેન-દીકરી આજે સલામત રહી નથી. આ શું છે ? રાવણવૃત્તિ કે બીજું કાંઈ ? દશેરાના દિવસે રાવણ આપણામાં તો થોડા ઘણા અંશે વસી રહ્યો નથી ને ? તેની તપાસ કરવાની જરૂર છે. પહેલા તો વિશ્રવાનો પુત્ર દશ માથાવાળો એક જ રાવણ હતો… આજે ઠેર-ઠેર ગામો-ગામ અને શહેરે-શહેર બહેન, મા-દીકરી ઉપર કુદૃષ્ટિ કરનાર અનેક રાવણો જોવા મળે છે. આનો મતલબ એ થયો કે, માણસમાં ઊંડે ઊંડે રાવણ જીવી રહ્યો છે. માટે અનીતિ, અત્યાચાર, કૂટનીતિ, બળાત્કાર જેવા દોષોને હટાવી નીતિ, નિયમ, વ્રત, સદાચાર, સદ્ભાવના અને પ્રેમના બીજનું વાવેતર કરીને કુટુંબ, સમાજ અને રાષ્ટ્રને અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જવાનો ભગીરથ સંકલ્પ કરવાનો આપણે સૌ કોઈને આજનો દિવસ પ્રેરણા આપે છે.
માટે જ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃત આદિ સત્શાસ્ત્રોમાં કહ્યું છે કે, “મન અને દૃષ્ટિ ઉપર સંયમ કેળવો. પારકી સ્ત્રીને મા-બહેન અને દીકરી તુલ્ય જાણો.” જો આજનો માનવ આ મહાવાક્યોને પોતાના જીવનમાં ઉતારે તો ઠેર-ઠેર જે રાવણ અને રાવણવૃત્તિ જીવી રહી છે તે નાશ પામશે અને તે નાશ પામશે ત્યારે જ આપણે દશેરાના દિવસે રાવણનું દહન કર્યું તે સાર્થક ગણાશે. આજે આ સંસારમાં દુષ્કાળ છે સજ્જનતાનો – માણસાઈનો અને દુર્ગુણો સામે લડનારી મર્દાનગીનો. શરીરરૂપી વાહનમાં શ્વાસના સિલિન્ડર લઈને ભટકનારા ક્યાં ઓછા છે ! આજે આપણે આપણી ભારતીય સંસ્કૃતિને યાદ કરવાની જરૂર છે. તેની જે યશોગાથા છે તે કલંકિત ન બને તે રીતનું જીવન જીવવાનું છે. આપણે દશેરાના પર્વને માત્ર રાવણના પૂતળાંનું દહન કરીને કે ફાફડા-જલેબી ખાઈને જ ઊજવવા પૂરતું સીમિત ન રાખવું જોઈએ. પરંતુ આ દશેરાના દિવસે દરેક ભારતના નાગરિકે પોતાનામાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષ્યા – આ દશ મહાશત્રુને જીતવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેથી હૃદયમાં રહેલી જે રાવણવૃત્તિ છે તેનો નાશ થાય અને રાવણવૃત્તિ નાશ કરીને જો દશેરા ઊજવવામાં આવે તો જ દશેરા – વિજયાદશમીની ઉજવણી સાર્થક કહેવાશે.
સ્કંદ પુરાણની કથા મુજબ આજના દિવસે જીવપ્રાણી માત્રને રંજાડનાર, દેવોને દુઃખ આપનાર મહિષાસુર નામના દૈત્યને નવ-નવ દિવસ સુધી યુદ્ધમાં લડીને હરાવી પાર્વતીજીએ તેનો સંહાર કર્યો હતો. ઈન્દ્રિયોની વૃત્તિ મહિષ અર્થાત્ પાડા જેવી સંયમહીન છે, તે ભગવાનની શક્તિથી જ જીતી શકાય છે, તે આ ઉત્સવનો મર્મ છે. અસુરના પરાજય અને શક્તિના વિજયના આનંદમાં બહેનો નવરાત્રિમાં ગરબા ગાઈને આનંદ વ્યક્ત કરે છે. શક્તિને વધાવે છે.
મહિષાસુરના નાશને બદલે માનવ પોતાના જ સંસ્કારનો નાશ નોતરે છે. એક બીજી કથા એવી પણ છે કે, વિરાટ રાજા પાસે ગુપ્તવેશે રહેલા પાંચ પાંડવો પૈકી અર્જુને આ દિવસે શમી વૃક્ષ (ખીજડા) ઉપરથી પોતાના શસ્ત્રો ઉતારી વિરાટ રાજાની ગાયો હરી જતાં દુર્યોધનના સૈન્યને હરાવી હરણ કરેલી ગાયોને પાછી વાળી હતી. ગાંડિવધારી અર્જુને વિજયટંકાર પણ આ જ દિવસે કર્યો હતો.
શિવાજીએ ઔરંગઝેબને હરાવવા આ જ દિવસે પ્રયાણ કર્યું હતું. બુદ્ધનો જન્મ પણ આ જ દિવસે થયો હતો. અનેક પૌરાણિક કથાઓની સ્મૃતિ કરાવતો આ ઉત્સવ બાહ્ય તથા આંતરિક વિજયનો આનંદ મનાવવાનો દિવસ છે. રામાયણ કાળપર્યંતથી અનેક કથાઓ આ ઉત્સવના મૂળમાં છે. આમ, દશેરા અધર્મ પર ધર્મનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજયનો દિવસ છે. આ દિવસે શસ્ત્રો અને વાહનોની પૂજા કરવામાં આવે છે. જેથી આ ઉત્સવ ભારતને દિગ્વિજયી થવાનો સંદેશ આપે છે. શસ્ત્રોની પૂજા દ્વારા આ ઉત્સવ સ્વવિજયી થવાનો પણ સંદેશ આપે છે. આ દિવસે લોકો અનેક નવા કાર્યનો પ્રારંભ પણ કરે છે. જેમાં ચોઘડિયું જોવાની પણ જરૂર રહેતી નથી.
આ દશેરાના દિવસે શમીપૂજન કરવામાં આવે છે. આ શમીપૂજન કરવાનો શાસ્ત્રોક્ત એવો હેતુ જાણવા મળે છે કે, વિશ્વામિત્ર ઋષિનો શિષ્ય કૌત્સ ગુરુદક્ષિણા માટે ધન લેવા રઘુરાજા પાસે ગયો. રઘુરાજાએ વિશ્વજિત યજ્ઞ માટે પોતાની બધી જ સંપત્તિનું દાન કરી દીધેલું અને પોતે માટીના પાત્રમાં જમતા હતા. કૌત્સને ખાલી હાથે જવું ન પડે તેથી રઘુરાજાએ આ દશેરાના દિવસે કુબેર ઉપર ચડાઈ કરી. કુબેરે હારીને શમી વૃક્ષ ઉપર ચૌદ કરોડ સોનામહોરો વરસાવી. કૌત્સે તે ધન ગુરુને દક્ષિણામાં સમર્પિત કર્યું. ગુરુએ તે ધન ગરીબોને વહેંચી દીધું. આ પછી શમી વૃક્ષના પાન સુવર્ણતુલ્ય ગણાયાં. આમ, શમીએ ધન આપ્યું તેથી લોકો શમીપૂજન કરે છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે આ દશેરા પર્વને ઉજવી અનેક લીલાચરિત્રો કરી ભક્તજનોને સુખ આપ્યું હતું. આ દિવસે અશ્વદોડની સ્પર્ધાઓ પણ ભગવાન શ્રીહરિ કાઠી ભક્તો સાથે કરી અશ્વારોહણ-લીલાની સ્મૃતિ પોતાના ભક્તોને આપતા હતા. માનવીની સાહજિક ભાવના છે કે ‘દરેક ક્ષેત્રમાં મારો વિજય થાવ.’ આવી વિજયની ભાવના સૃષ્ટિ જેટલી પુરાણી છે. માણસ ગુફામાં રહેતો ત્યારથી જ તેણે કોઈ ને કોઈ પ્રકારના શસ્ત્રને જ વિજયનું સાધન માન્યું છે. માનવની વિજય માટેની ભાવના એ જ છે કે બીજાનો જેટલો વધુ વિનાશ કરી શકાય એટલો જ આપણો વિજય થયો કહેવાય. પરંતુ આવા ભૌતિક વિજય પાછળ હંમેશા ભય રહેલો છે. અને જેને ભય છે, તે સાચો વિજયી નથી. સિકંદર જેવા લાખો વિજેતાઓને મૃત્યુએ પરાજય આપ્યો છે. મહાસત્તાઓ પાસે માણસોને મારવાના બોંબ છે પણ મૃત્યુને મારનારો મૃત્યુંજયી બોંબ નથી.
વિજયના નશામાં હંમેશા વિલાસ વધે છે. યાદવાસ્થળી તેનું ઉદાહરણ છે. મરતા પહેલા માણસને વિષય-વાસના મારી નાખે છે. આજે કોમ્પ્યુટરયુગ માનવસમાજનો મહાન શત્રુ છે : નવરાશ ! ‘નવરું મન નખોદ વાળે’ તે ઉક્તિ અનુસાર નવરું મન વધુ વિલાસ માગે છે. અને મન સાથે લડવાનો કોઈ બોંબ આજનો આધુનિક માનવી શોધી શક્યો નથી. સાચો વિજેતા એ છે કે, જેણે મન જીત્યું છે ! મનને ન જીત્યું તો કાંઈ જીત્યું નથી. પરંતુ એ મનને જીતવાનો આધ્યાત્મિક ઉપાય બતાવતાં ભગવાન શ્રી સ્વામિનારાયણ સારંગપુર પ્રકરણના – ૧ મા વચનામૃતમાં કહે છે : “શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેમાંથી જ્યારે ઈન્દ્રિયો પાછી હઠે અને કોઈ વિષય પામવાની ઈચ્છા રહે નહિ, ત્યારે સર્વે ઈન્દ્રિયો વશ થાય છે અને જ્યારે ઈન્દ્રિયો વિષયનો સ્પર્શ જ ન કરે ત્યારે મન પણ ઈન્દ્રિયો લગણ આવે નહિ અને હૈયામાં ને હૈયામાં રહે. એવી રીતે જેને પંચવિષયનો ત્યાગ અતિ દૃઢપણે કરીને થયો ત્યારે તેનું મન જીત્યું જાણવું.”
જિતં જગત્ કેન મનો હિ યેન ||
ગઢડા મધ્ય પ્રકરણના – ૨૨ મા વચનામૃતમાં ભગવાન શ્રીહરિએ મનની સાથે લડાઈ વિગતે સમજાવી છે. આપણા મહાપુરુષોએ, ઋષિમુનિઓએ અને નંદસંતોએ અનેક ગ્રંથોમાં પણ મન ઉપર વિજય મેળવવાના અનંત ઉપાયો બતાવ્યાં છે. મન જીતવાની વાત જેમ આધ્યાત્મિકતા તરફ નિર્દેશ કરે છે, તેમ મન જીતવાના ઉપાયો પણ ધર્મ પાસે જ છે.
ડૉ. ચાર્લ્સ સ્ટાઈનમેટ્ઝે રોજર બેબ્સનને કહ્યું હતું કે, “કોઈ દિવસ લોકો જોશે કે ભૌતિક વસ્તુઓ સુખ આપી શકતી નથી. ત્યાર પછીના દુનિયાના વૈજ્ઞાનિકો પોતાની પ્રયોગશાળાઓ પરમાત્માની પ્રાર્થનાઓ અને આધ્યાત્મિક શક્તિઓ તરફ વાળશે, ત્યારે ચાર જમાનાનો વિકાસ એક જ જમાનામાં થઈ ગયો હશે !”
અર્જુનને ગાંડીવનું બળ નહિ, પણ ધર્મના ધારક ભગવાન શ્રીકૃષ્ણનું બળ હતું. શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ કહે છે :
‘યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ | તત્ર શ્રીવિજ્યો ભૂતિ ધ્રુવા નીતિર્મતિર્મમ |’
જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી, વિજય છે. અને તેથી જ અર્જુને નારાયણી સેના ન માગતા ભગવાન શ્રીકૃષ્ણને માગ્યા હતા તો તેનો વિજય થયો.
પ.પૂ. ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ઘણીવખત પોતાની અમૃતવાણીમાં ભગવાન શ્રીહરિની વાત કરતા કહે છે :
એકવખત શ્રીજીમહારાજે ગઢડામાં સંતો-પરમહંસોને બેસાડ્યા ને પ્રશ્ન કર્યો કે, “રામાવતારની અંદર તો રાવણને માર્યો, સાગર ઉપર સેતુ બાંધ્યો અને અનેક અસુરોનો સંહાર કર્યો એટલે ભગવાન મર્યાદા પુરુષોત્તમ ‘રામ’ કહેવાયા.
શ્રીકૃષ્ણ ભગવાને પણ કંસનો નાશ કર્યો, ગોવર્ધન તોળ્યો અને મહાભારતના યુદ્ધમાં વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા એટલે એમને ભગવાન કહેવાયા. મચ્છ, કચ્છ, વરાહ, વામન આદિક અવતારોએ કાંઈક પરાક્રમ બતાવ્યા એટલે એમને ભગવાન તરીકે સંસાર માને છે.
પરંતુ અમે તો આવું કાંઈ પરાક્રમ જ નથી કર્યું, તો પછી અમને તમે બધા ભગવાન શા માટે માનો છો ?” ત્યારે સંતોએ બે હાથ જોડીને બહુ સરસ ઉત્તર આપ્યો :- “હે મહારાજ ! રામ અવતારમાં માત્ર રાવણ માર્યો, કૃષ્ણાવતારમાં એક કંસને માર્યો, પરંતુ જે રાવણમાં રાવણત્વ હતું – જે અંતઃશત્રુના કારણે એ વ્યક્તિ રાવણ બન્યો હતો, કંસ બન્યો હતો એ અંતઃશત્રુને કારણે જે આસુરી બીજ હતું તે નાશ થયું ન હતું. માત્ર રાવણ કે કંસ નામની વ્યક્તિનો નાશ કર્યો હતો, પણ તેમાં રહેલ રાવણ કે કંસ વૃત્તિનો નાશ કર્યો ન હતો. પરંતુ આપે અત્યારે પ્રત્યક્ષ પધારી એવા આસુરી બીજનો નાશ કર્યો છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મત્સર, ઈર્ષ્યા, તૃષ્ણા વગેરે દોષોનો નાશ કરી જીવાત્માને તમે મોક્ષના અધિકારી બનાવ્યા છે. માટે અમે તમને સર્વોપરી માનીએ છીએ.” માટે જ વાસના ઉપર વિજય મેળવવા માટે પંચવર્તમાનયુક્ત સાચા બ્રહ્મનિષ્ઠ સંતોનો સમાગમ જ કલ્યાણકારી નીવડે છે. અને એવો સંતસમાગમ જ કળિયુગમાં અતિ આવશ્યક છે.