સનાતન વૈદિક ધર્મના રક્ષણ અને ઉત્થાન માટે તેમજ અધર્મ અને આસુરીવૃત્તિઓનો નાશ કરવા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યા મુજબ
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥४-८॥
(અધ્ય. ૪ શ્લોક - ૭-૮)ને ચરિતાર્થ કરવા સર્વાવતારી સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ ઓગણસમી સદીની શરૂઆતમાં ઉત્તરપ્રદેશમાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા પાસેના છપૈયા ગામમાં સં. ૧૮૩૭ ચૈત્ર સુદ - ૯ના(તા. ૩ એપ્રિલ ૧૭૮૧ સોમવાર) દિવસે પ્રાગટ્ય થયા. તેઓએ વૈષ્ણવી પ્રણાલી મુજબ શુદ્ધ ઉપાસના-ભક્તિના સિદ્ધાંત આધારિત શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. ભગવાન શ્રી સ્વામિનારાયણે હિન્દુ ફિલોસોફી જુની પરંપરા ગુરુ-શિષ્ય પરંપરાનો સ્વીકાર કરતા સ.ગુ. શ્રી રામાનંદ સ્વામી (ઉદ્ધવાવતાર) પાસેથી સં. ૧૮૫૭માં ધર્મધુરાનો સ્વીકાર કર્યો. તેઓએ પોતાના દિવ્ય ઉપદેશ દ્વારા ભારતની મોટા ભાગના જાતિ અને પંથ-સમુદાયને પોતાના તરફ આકર્ષિત કર્યા હતા.
ભગવાન શ્રી સ્વામિનારાયણે શુદ્ધ ઉપાસના જળવાઈ રહે અને મોક્ષનો માર્ગ અવિરત ચાલુ રહે તે હેતુથી મંદિરોના નિર્માણ કરાવ્યા અને સમગ્ર સંપ્રદાયની વહીવટી સરળતા રહે તે હેતુથી ભારતના કલકતાથી દ્વારકા સુધીના ઉત્તર અને દક્ષિણ વિભાગ કરી અમદાવાદ ઉત્તર વિભાગ શ્રી નરનારાયણ દેવ ગાદી અને વડતાલ દક્ષિણ વિભાગ શ્રીલક્ષ્મીનારાયણ દેવ ગાદીની સ્થાપના કરી, પોતાના બે ભત્રીજાને દત્તક લઈ શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને અમદાવાદ ગાદીના આચાર્ય તરીકે અને શ્રી રઘુવીરજી મહારાજને વડતાલ ગાદીના આચાર્ય તરીકે નિમણુંક કરી. વડતાલને સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું. ‘સર્વજીવહિતાવહ’ શિક્ષાપત્રી અને દેશવિભાગના લેખની રચના કરી આશ્રિતો માટે વર્તવાના નિયમો આપ્યા. વડતાલ ગાદીની આચાર્ય પરંપરાના નેતૃત્વ હેઠળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ધીરે ધીરે ભારત સહિત દેશ-વિદેશમાં સતત પ્રગતિ કરતો રહ્યો છે.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનુ સર્વોચ્ચ તીથધામ વડતાલ, જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વજીવહિતાવહ ‘શિક્ષાપત્રી’ સ્વહસ્તે લખી અને વડતાલને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય ગાદી સ્થાન બનાવ્યુ. અહી મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે નિજસ્વરૂપ ‘શ્રી હરિકૃષ્ણ મહારાજ’ની સ્થાપના કરી સાથે શ્રી લક્ષ્મીનારાયણદેવ, શ્રી રણછોડરાયજી, શ્રી રાધાકૃષ્ણદેવ, અને શ્રી વાસુદેવનારાયણ સહિત ધર્મપિતા-ભક્તિ માતા ને પધરાવ્યા.દરરોજ હજારો શ્રધ્ધાળુઓ અહી દર્શનાર્થે આવે છે.
વડતાલ દેશ આચાર્ય પરંપરામાં ભગવાન શ્રી સ્વામિનારાયણની સીધીલીટીના સાતમાં વારસદાર વર્તમાન પ.પૂ.ધ.ધુ. શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ બિરાજમાન છે અને તેમના અનુગામી તરીકે પ.પૂ. શ્રી ૧૦૮ ભાવિઆચાર્ય લાલજી શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ છે. જેમના નેતૃત્વ હેઠળ દેશ-વિદેશમાં મંદિર નિર્માણ, કથા-પારાયણો, ઉત્સવ સમૈયા, જેવા ધાર્મિક કાર્યો થાય છે. તેમજ તેમના આજ્ઞા - આશિર્વાદથી અને પૂ. નાના લાલજી શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન અને દોરવણી મુજબ ગામડે ગામડે, દેશ-વિદેશમાં યુવક મંડળો સ્થપાયા છે. જેના દ્વારા યુવાનોના સર્વાંગી વિકાસ સાથે સમાજ કલ્યાણની પ્રવૃતિઓ જેમકે પૂર રાહત કાર્ય, ભુકંપ રાહત કાર્ય, રક્તદાન, ચક્ષુદાન, દેહદાન કેમ્પ, સફાઈ અભિયાન, વૃક્ષારોપણ, વિનામૂલ્યે હોસ્ટેલ સુવિધા, શૈક્ષણીક સહાય, નોટબુક વિતરણ, ધાબળા વિતરણ વગેરે કાર્યો થાય છે.