Shikshapatri – શિક્ષાપત્રી જયંતી
ગુજરાતી
શિક્ષાપત્રી એટલે… શિક્ષા એટલે હિતનો ઉપદેશ અને પત્રી એટલે પોતાનો અભિપ્રાય જેનાથી અન્ય સ્થળે પહોંચાડી શકાય તે સાધન. અર્થાત્ શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્ર-લેખ. મનુષ્યોએ પોતાનું જીવન કેવી રીતે જીવવું તેનો માર્ગ દેખાડી આપતું અણમોલ શાસ્ત્ર. આ શિક્ષાપત્રીના ર૧ર શ્લોકમાં હિંદુસ્તાનના ફોજદારી કાયદાની પ૧૧ કલમોનો સમાવેશ થઇ જાય છે. જે માણસ આ શિક્ષાપત્રી મુજબ બને તે ઇન્ડિયન પિનલ કોડની કોઇ કલમનો ભંગ કરતો નથી. ર૧ર શ્લોકમાં તો સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને ગાગરમાં સાગર ભરી દીધો છે. તેથી જ આવી અણમોલ શિક્ષાપત્રી આજે ગુજરાતમાં ગરીબોનાં નાનાં ઝૂંપડાંમાંથી માંડીને વિદેશમાં પણ ઘેર-ઘેર વંચાય છે.
વડતાલમાં સ્વામીનારાયણ ભગવાને 193 વર્ષ પહેલા શિક્ષાપત્રી લખી હતી જેમાં 360 શાસ્ત્રોનો સાર રહ્યો છે. આ શિક્ષાપત્રી બંધારણ સાથે પણ સામ્યતા ધરાવે છે કારણ કે કાયદાની કલમો પૈકી 107થી ગુનાની કલમો શરૂ થાય છે. શિક્ષાપત્રીમાં માનવીએ કઇ રીતે જીવન જીવવું જોઇએ, કેવા દુર્ગુણોથી બચવુ જોઇએ, શું કાર્ય કરવું શું ન કરવું તે વિષયે વિસ્તૃત માહિતી આપી છે. જો કોઇ વ્યકિત શિક્ષાપત્રીનું અક્ષરશ: પાલન કરે તો તે કયારેય કોઇ ગુનાહીત પ્રવૃતિ ન કરે પરિણામે તેને ગુનાની એક પણ કલમનો સામનો કરવો ન પડે. આમ, શિક્ષાપત્રીનાં નિયમો બંધારણ સાથે સામ્યતા ધરાવે છે.
આર્કીમીડીઝ નામના એક વૈજ્ઞાનિકે વાત કરી, ‘Give me a standing place and I will move the world.’ કે મને માત્ર એક ઊભા રહેવાની જગ્યા આપો કે જ્યાં ઊભો રહીને હું આખી દુનિયાને બદલી નાખું.’ ત્યારે ચિંતક ગોથેએ કહ્યું : ‘કે તું બીજા પાસે ઊભા રહેવાની જગ્યા ક્યાં માગે છે, તું તારા જીવનનો પાયો એવો મજબૂત કર તો દુનિયા આપોઆપ પરિવર્તન પામી જશે.’ શ્રીજીમહારાજે આ કર્યું છે; જીવનનો પાયો મજબૂત બનાવવાનો માર્ગ શિક્ષાપત્રી આપીને ખુલ્લો કર્યો છે.
તેથી ગુજરાતના સાક્ષર ત્રિભુવન વ્યાસના શબ્દોમાં કહીએ તો, ‘શિક્ષાપત્રી સર્વ સત્શાસ્ત્રોના દોહનરૂપ કલ્યાણની સીડી છે. તેનો ઉપલો છેડો આધ્યાત્મિક શ્રેયની સર્વોચ્ચ ભૂમિકાને લાગેલો છે, ત્યારે નીચલો છેડો છેક સામાન્ય લોકજીવનની ભૂમિકા ઉપર ઠેરવેલો છે. તે બંને છેડા વચ્ચે ઉચ્ચ આદર્શને લક્ષમાં રાખીને વ્યવહારુ રીતે ચડી શકાય તેવાં સરલ પણ દૃઢ પગથિયાં ગોઠવેલાં છે.’
માણસની વૃત્તિની હીનતા કેટલે અંશે વધી ગઈ છે! આ બધાં અનિષ્ટોનું મૂળ માણસનું મન છે. આ મનનું નિયમન કરવા ભગવાન સ્વામિનારાયણે નિયમાવલી-શિક્ષાપત્રી આપી. જેમાં દરેક વ્યક્તિને તો આવરી જ લીધી છે પણ સાથે સાથે અમુક સામૂહિક નિયમો પણ આપ્યા છે. એમાં અનેક પ્રશ્નોનું સુંદર સમાધાન છે. અત્યારે સમાજમાં વ્યાવહારિક, આર્થિક અને આંતરિક પ્રશ્નો છે. શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં ઉપાય આપ્યા છે એ પ્રમાણે જો અનુસરે તો આ માનસિક અસંતોષ માનવીના જીવનમાં રહેતો નથી, એ પોતે પોતાના જીવનમાં સુખી પણ બને છે.
ઘણા માણસો પુરુષાર્થ ખૂબ કરે છે પણ એને કાંઈ પ્રાપ્ત થતું નથી, કારણ કે જીવનની અંદર દૂષણોનાં ઘણાં કાણાં પડી ગયાં છે. સુખ બધું જ સ્રવી જાય છે, કશું રહેતું નથી. શ્રીજીમહારાજે આ છિદ્ર પૂર્યાં. વ્યસન છોડવા એમણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી. શિક્ષાપત્રી શ્લોક ૧૮માં કહ્યું : ‘અને અમારા આશ્રિત જે પુરુષ અને સ્ત્રીઓ તેણે વ્યભિચાર ન કરવો, જૂગટું(જુ ગાર) આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ગાંજો, ભાંગ, મફર, તમાકુ આદિ કેફ કરનાર વસ્તુ તે ખાવાં નહિ ને પીવાં પણ નહિ.‘ આ એક સામાન્ય નિયમ પણ માનવના જીવનમાં કેટલું સુરક્ષણ આપે છે !
આજના કહેવાતા મોર્ડર્ન યુગમાં પણ માણસ વહેમ, અંધશ્રદ્ધાની પણ નાગચૂડમાં ફસાયેલો છે. ભારતમાં જ નહિ, પશ્ચિમના એવા સુધરેલા દેશોમાં પણ અંધશ્રદ્ધા પુષ્કળ છે. શ્રીજીમહારાજે શિક્ષાપત્રી શ્લોક ૮૫માં નિર્ભયતા બક્ષતાં કહ્યું કે ‘ગમે તેવો ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય તો ગમે તે દેવીદેવતાનો આશરો ન કરવો પણ ભગવાનના નામનો મંત્ર-જાપ કરવો.’ આની પાછળનો શ્રીજીમહારાજનો હેતુ એ જ છે કે ભગવાનનો આશરો હશે તો એનામાં આત્મબળ હશે. એ આત્મબળે કરીને માણસ પાછો નહીં પડે. તો એવી રીતે નિર્ભય જીવન, ભગવાનના આશરાથી પ્રાપ્ત થાય છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત થનારને શિક્ષાપત્રી દ્વારા આ બધાં છિદ્રો પુરાઈ જાય છે ને તે હંમેશાં સુખી બને છે. એટલે સમાજની અંદર ઘણાને લાગે છે કે સ્વામિનારાયણના અનુયાયીઓ ખૂબ સુખી હોય છે. પરંતુ દુર્ગુણો દૂર થતાં નાહક ખર્ચનાં બધાં દ્વાર બંધ થાય છે ને પરિણામે સૌ કોઈ સુખી થાય છે.
ગરીબીનો પ્રશ્ન વર્તમાન સમાજને નડે છે એનો ઉપાય કાર્લમાક્ર્સ વગેરે બધાએ બતાવ્યો પણ તેના કરતાં શ્રીજીએ બતાવેલ આ શિક્ષાપત્રીના નિયમ પ્રમાણે વ્યક્તિ રહે તો કોઈ પ્રશ્ન ન રહે. આર્થિક પ્રશ્નને હલ કરવા પણ શ્રીજીમહારાજે બહુ સુંદર વાત કરી છે. લોકમાં જેમ કહેવત છે કે ‘જેટલી પછેડી હોય તેટલી સોડ તાણવી‘ તેથી વધુ લાંબા પગ ન કરવા જોઈએ, એ મુજબ મહારાજે પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે પોતાની આવક અનુસાર જ નિરંતર ખર્ચ કરવો પણ તે ઉપરાંત ન કરવો અને ઊપજ કરતાં જે વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે. વળી, આજ્ઞા આપી કે ‘હંમેશાં સારા અક્ષરે પોતે નામું લખવું.’ આવક અને જાવકનો ચોખ્ખો હિસાબ નજર સમક્ષ રહે તો માણસના જીવનમાં કોઈ પ્રશ્ન ઊભા ન થાય.
આપણે ત્યાં સમાજમાં એક લોક કહેવત પ્રચલિત છે : ‘જર, જમીન ને જોરુ ત્રણ કજિયાના છોરુ‘ જગતમાં તમે ગમે ત્યાં જુઓ પૈસો, જમીન ને સ્ત્રી આ ત્રણ બાબતો માટે જ હંમેશાં ઝઘડા થતા હોય છે. જો આ ત્રણ બાબતનો વ્યવહાર શુદ્ધ કરી લેવામાં આવે, તો પછી કોઈ દિવસ પ્રશ્ન ઉદ્ભવવાનું સ્થાન રહેતું નથી. શ્રીજીમહારાજે આ ત્રણેય બાબતોનો સ્પષ્ટપણે નિર્વિઘ્ન વ્યવહાર બતાવ્યો છે. એમણે કહ્યું કે ‘પોતાનો ભાઈ હોય, મિત્ર હોય કે પિતા હોય તેની સાથે પણ જમીન કે કોઈપણ ધનની લેવડદેવડનો વ્યવહાર કરવો હોય તો સાક્ષીએ સહિત લખત કર્યા વગર એ કાર્ય કરવું નહિ.’ ઘણા કહે છે ને કે ‘સ્વામિનારાયણિયા પાકા બહુ’ કારણ કે કોઈ દિવસ છેતરાવાનો પ્રસંગ જ ન થાય!
સ્ત્રીઓ સાથેની મર્યાદા અંગે શ્રીજીમહારાજે સ્પષ્ટ વિચારો ધરાવે છે. સ્ત્રીપુરુષ બંનેની મર્યાદા – સ્ત્રીઓએ પુરુષ સાથે કેવી રીતે વર્તવું અને પુરુષો-સંતો, નૈષ્ઠિક બ્રહ્મચારીઓ, ગૃહસ્થ માટેના સ્ત્રી સાથેના વ્યવહાર શિક્ષાપત્રીમાં પણ સ્પષ્ટપણે આપ્યા છે. આ વ્યવહારમાં માણસ બેધ્યાન થઈ જાય, તેના જીવનમાં કલંક લાગે છે ને અધોગતિને પંથે જાય છે. મન વિકૃત થાય છે તેની સાથે ઘણાં દૂષણો પેસે છે. એટલા માટે મંદિરોમાં પણ સ્ત્રી અને પુરુષ એ બંનેના માર્ગ નિરાળા કર્યા. ન્હાનાલાલ કવિએ પણ કહ્યું છે કે ‘શ્રીજીમહારાજનાં જે મંદિરો છે તે આંતર અને બાહ્ય બંને શુદ્ધિનાં મંદિરો છે.’
વસ્ત્ર પરિધાન જેવી સાવ નાની જણાતી બાબતમાં પણ શ્રીજીમહારાજે ખાસ સૂચના કરી કે, ‘જે વસ્ત્ર પહેર્યે થકે પોતાનાં અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી સ્ત્રીઓએ ન પહેરવું.’ આજકાલ જાતજાતની ફૅશન નીકળે છે. આપણને જોનારને વિકાર જન્મે તેવી ફૅશનોથી દૂર રહેવાનો અહીં નિર્દેશ છે.
શિક્ષાપત્રીમાં શ્રીજીમહારાજે માંસાહાર સામે પણ લાલબત્તી ધરી છે, એમણે કહ્યું : ‘न भक्ष्यं सर्वथा मासं यज्ञशिष्टमपि क्वचित् !’ દેવતાને ધરાવેલું પ્રસાદીભૂત માંસ હોય તે પણ ખાવું નહિ, અને ઔષધની અંદર પણ દારૂ અને માંસ બંનેનો નિષેધ કરેલો છે. જેમ ગુજરાતીમાં કહેવત છે કે ‘અન્ન તેવો ઓડકાર.’
વિકૃત આહારથી મનની અંદર હંમેશાં વિકૃતિ આવે જ તેનાથી મનોવિકારો ઉત્પન્ન થવાના જ. એટલે શ્રીજીમહારાજે હિંસકવૃત્તિ સામે લાલબત્તી ધરી કહ્યું છે કે યજ્ઞની અંદર પણ હિંસા ન કરવી. જો કે આ જમાનામાં યજ્ઞો ઘણા ઓછા થઈ ગયા. તેમ છતાં હજુ પણ નરબલિ, પશુબલિ જેવા યજ્ઞો પણ થતા રહે છે.
આમ, શ્રીજીમહારાજે એ જમાનામાં પણ આ નિયમ આપીને એ હિંસા થતી અટકાવી અને હિંસકવૃત્તિથી નાનાં નાનાં જૂ, ચાંચડ, માંકડ જેવાં સામાન્ય જંતુઓની હિંસા કરવાની પણ ના પાડી છે.
વળી, સૂક્ષ્મ હિંસા પણ ન કરવા સુધી તેમણે આજ્ઞા આપી. ‘स्वपरद्रोहजननं सत्यं भाष्यं न कर्हिचित्’ કોઈને દુઃખ લાગે એવું સત્ય પણ ક્યારેય ન બોલવું, કોઈના અંતરમાં પીડા થાય એવી વાણી આપણા મુખમાંથી કદી ન નીકળે.
दृष्ट्वा शिवालयादीनि देवागाराणि वर्त्मनि।
प्रणम्य तानि तद्देवदर्शनं कार्यमादरात्॥
‘અને માર્ગને વિષે ચાલતે શિવાલયાદિક જે દેવમંદિર આવે; તેને જોઈને તેને નમસ્કાર કરવો અને આદર થકી તે દેવનું દર્શન કરવું.’ (શિ. ૨૩)
શ્રીજીમહારાજે તો પોતે પંચદેવતાઓને પણ માન્ય કર્યા છે ને શિખરબદ્ધ મંદિરોમાં એમને પધરાવ્યા પણ છે. આમ, દરેક ધર્મ-સંપ્રદાયની સહિષ્ણુતા-ભાવના પોતે વધારી છે. સામાન્ય મનુષ્યના દૈનિક જીવનની શુદ્ધિ પણ શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં વણી લીધી છે.
આરોગ્ય અંગે એમણે જણાવ્યું છે કે, જાહેર સ્થાનો-બાગ, મંદિર, નદીકાંઠા વગેરેમાં જ્યાં ત્યાં મળમૂત્ર ન કરવાં, થૂકવું પણ નહિ… જળ, દૂધ વગેરે પ્રવાહી ગાળીને ઉપયોગમાં લેવાં… વહેલાં ઊઠવું, એક જ સ્થળે દાતણ કરવું... નિત્ય સ્નાન કરીને ધોયેલાં પવિત્ર વસ્ત્રો પહેરવાં ને ભગવાનની પૂજા-અર્ચના કરીને જ બીજાં વ્યાવહારિક કાર્ય કરવાં…
અરે! ઔષધિ પણ પરિચિત વૈદ્ય પાસેથી લેવા સુધીની સૂઝ તેમણે આપી છે
વસંત ૠતુમાં લખાયેલી શિક્ષાપત્રીનાં આવાં પગથિયાં ચડવાથી – તે પ્રમાણે વર્તવાથી જીવનમાં સદૈવ વસંતકાળ રહે છે, જીવન પાંગરેલું ને મહેકતું રહે છે જેની સૌરભ વ્યક્તિગત રીતે તેમજ સમાજમાં પ્રસરે છે! આપણે પણ તેની સૌરભ પ્રસરાવીએ !
કાદવ-કર્દમવન્તા જીવનને, સંસારને, અંતરને નિર્મળ કરતી નિર્મળીના શોધનારે શિક્ષાપત્રી સેવવા-વિચારવાની છે. શિક્ષાપત્રી એટલે વ્યવહાર ને સંસારને પરિશુદ્ધતી નિત્ય નિયમાવલિ. – કવિવર ન્હાનાલાલ
જો દેશના લોકો શિક્ષાપત્રીની આજ્ઞાઓનું પાલન કરે તો દેશમાં ફોજદારી કાયદો, પોલીસ અને અદાલતોની ઓછામાં ઓછી જરૂર પડે. – સરદાર વલ્લભભાઈ પટેલ