Sharad Purnima – (શરદ પૂર્ણિમા)

ગુજરાતી
શરદ પૂર્ણિમાએ ચંદ્ર પોતાની સોળે કલા પૃથ્વી પર વરસાવે છે. પૂર્ણિમામાં શરદની પૂર્ણિમા શ્રેષ્ઠ છે. આ આસો માસની પૂર્ણિમા શરદ ઋતુની પરાકાષ્ઠા સમાન છે. શાસ્ત્રોની દૃષ્ટિએ આ દિવસે ચંદ્ર પૃથ્વીની વધારેમાં વધારે નજીક હોય છે. શરદપૂર્ણિમાનો ચંદ્ર શીતલતાનો પ્રકાશ આપે છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે ‘નક્ષત્રાણામહં શશી’ કહી ચંદ્રની શોભા વધારી છે.
શરદપૂર્ણિમાની રાત્રિએ લક્ષ્મીજી સ્વયં આકાશમાં વિહાર કરે છે. અને મૃત્યુલોકના મનુષ્યોને જોતાં બોલે છે : ‘કો જાગતિ’ – “કોણ જાગે છે ? જે જાગે તેને ધનવાન બનાવીશ.” સનત્કુમાર સંહિતામાં કોજાગરી પૂર્ણિમા જેને ઘણાં ‘શરદપૂર્ણિમા’ તરીકે ઓળખે છે તેની કથા છે. કથા અનુસાર મગધ દેશમાં વલિત નામનો બ્રાહ્મણ હતો. તે કુશનો પુત્ર હતો. આ બ્રાહ્મણની પત્ની કજિયાળી હતી. તે પોતાના પતિની આજ્ઞાથી વિપરીત વર્તન કરતી. એકવાર તેણે પતિના પિતાનું શ્રાદ્ધપિંડ ગંગા નદીમાં નાખવાને બદલે વિષ્ટાના કૂવામાં નાખ્યું.
બ્રાહ્મણ દુઃખી થઈને વનમાં ચાલ્યો ગયો. તેને કાલિય નાગના વંશમાં ઉછરેલી કન્યાઓની મુલાકાત થઈ. આ કન્યાઓએ કોજાગરવ્રત કર્યું હતું. શરદપૂર્ણિમાએ આ કન્યાઓએ બ્રાહ્મણને જુગાર રમવા બેસાડ્યો. બ્રાહ્મણ પોતાના શરીર સિવાય બધું જ હારી ગયો. આ જ સમયે લક્ષ્મીજી તથા વિષ્ણુ ભગવાન ત્યાંથી પસાર થયા. બ્રાહ્મણે તો કોજાગર વ્રત અજાણતાં જ કર્યું હતું, તેથી લક્ષ્મીએ કૃપા કરીને બ્રાહ્મણનું સ્વરૂપ કામદેવ જેવું કરી આપ્યું. નાગકન્યાઓએ બ્રાહ્મણ પાસે હારીને ગાંધર્વલગ્ન કર્યા. પછી એ બ્રાહ્મણ ફરી પોતાના ઘેર પાછો આવ્યો. તેની પત્નીએ પણ ધનવાન પતિનો સત્કાર કર્યો ને સુખી થયો.
આ પ્રસંગ પછી સનત્કુમાર સંહિતામાં લખે છે : ‘નિશીથે વરદા લક્ષ્મીઃ કો જાગર્તિતિ ભાષિણી | તસ્મૈ વિત્ત પ્રયચ્છામિ, યો જાગર્તિ મહીતલે ||’ – જે લોકો આ શરદપૂર્ણિમાની રાત્રિએ જાગે છે તેના પર લક્ષ્મીની કૃપા વરસે અને તેઓ ધનવાન બને છે. આ ઋતુમાં આકાશ નિર્મળ હોય છે, શ્વેત ચાંદની રેલાતી હોય છે. ચંદ્રના શાંત અને શીતળ પ્રકાશથી અનેક પ્રકારની વનસ્પતિ-ઔષધિઓને અત્યંત પુષ્ટિ મળે છે. શ્રીકૃષ્ણચંદ્રજી ભગવદ્ ગીતામાં કહે છે : ‘પુષ્ણામિ ઔષધીઃ સર્વા: સોમો ભૂત્યા રસાત્મક: |’ – હું રસાત્મક ચંદ્ર બની પૃથ્વીની તમામ ઔષધીઓનું પોષણ કરું છું ! આવા ધવલરંગી ઉત્સવે લોકો દૂધ-પૌંઆનો પ્રસાદ જમીને ખુશાલી વ્યક્ત કરે છે. આ દૂધ-પૌંઆ શરીરમાં ઔષધીનું પણ કામ કરે છે.
આ દિવસે વ્રજમાં ભગવાન શ્રીકૃષ્ણે રાસલીલા કરી હતી તે અવિસ્મરણીય છે. ભગવાન શ્રીકૃષ્ણનો આ મહારાસ દિવ્ય છે. વૃંદાવનના આ મહારાસે ગોપીઓને ઘેલી બનાવેલી હતી અને ગોપીઓને આ રાસલીલા દ્વારા પ્રભુએ અપાર પ્રેમ-ભક્તિ આપ્યા હતા. શ્રીમદ્ ભાગવતમાં શુકદેવજી કહે છે : “હે પરીક્ષિત ! પ્રભુની બધી લીલાઓ દિવ્ય છે. તેમાં રાસલીલા તો અતિ દિવ્ય જ છે. બધી રાત્રિઓમાં શ્રેષ્ઠ રાત્રિ શરદપૂર્ણિમાની છે એટલે જ પ્રભુએ યમુનાના કિનારા ઉપર આ દિવ્યલીલા કરી છે.”
સ.ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામીએ પણ આ દિવ્ય રાસલીલાનો મહિમા ગાતાં ગાયું :
‘એ કહાન કુંવરની ક્રીડા રે, ગરવ તજી પ્રેમે ગાશે;
બ્રહ્માનંદ કહે મટે ભવ પીડા રે, અંતર નિષ્કામી થાશે…
ધન્ય શરદ પૂનમની રજની રે, રસિક સલૂણો રાસ રમે;
ધન્ય ધન્ય એ નારી વ્રજની રે, ગિરિધરને મનમાંહી ગમે.’
ચીરહરણલીલા વખતે ભગવાન શ્રીકૃષ્ણના વચને ગોપીઓએ પોતાના વસ્ત્રો લેવા માટે લોકલાજ મૂકી હતી, ત્યારે શ્રીકૃષ્ણ પ્રભુએ પ્રસન્ન થઈને શરદપૂર્ણિમાએ મહારાસમાં તેમને આમંત્રણ આપ્યું. આ આમંત્રણથી ગોપીઓ ધન્ય થઈ. ભગવાન શ્રીકૃષ્ણે એ રાત્રિએ જે બંસરીના સૂર વહેતા મૂક્યા તેમાં ગોપીઓ દેહ-ભાન ભૂલી પ્રભુના પ્રેમમાં ઘેલી બની. વ્રજ છોડી વૃંદાવનમાં આવેલી ગોપીઓનું સ્વાગત કરતા ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા : ‘સ્વાગતં વો મહાભાગઃ’ ને પછી તેમના પ્રેમની પરીક્ષા કરવા કહ્યું : “તમારા જેવી કુલીન સ્ત્રીઓએ આમ મધ્યરાત્રીએ પરપુરુષ પાસે ઘરબાર છોડીને ન આવવું. સૌ પાછા જાવ.”
ગોપીઓને આ વચનોથી બાણ વાગે તેવું વસમું લાગ્યું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને ગોપીઓ પૂછે છે તેની નોંધ લેતા શ્રીમદ્ ભાગવત લખે છે : ‘પાદૌ પદં ન ચલતસ્તવ પાદમૂલાદ્ | યામઃ કથં વ્રજમથો કરવામ કીં વા’ – ‘અમારા પગ તમારા ચરણકમળથી દૂર ખસવા જરા પણ તૈયાર નથી, તો અમે વ્રજમાં કેવી રીતે જઈએ ?’ ભગવાન શ્રીકૃષ્ણે ગોપીઓના આવો ઉત્કટ પ્રેમ જોઈ યમુનાના કાંઠે મહારાસનો પ્રારંભ કર્યો. એ વખતે ગોપીઓને અભિમાન આવ્યું કે, ‘આપણા જેવી બીજી કોઈ ભક્તિમતી નહિ કે ભગવાન આપણને વશ વર્ત્યા !’ મહારાસને ભગવાનની કૃપા સમજવાને બદલે તેમની ભક્તિમાં માન આવ્યું, અને ભગવાન શ્રીકૃષ્ણ મહારાસમાંથી અંતર્ધાન થઈ ગયા !
ગોપીઓ નિરાશ થઈ, પસ્તાવા લાગી અને કૃષ્ણલીલા ચરિત્રોનું સ્મરણ કરતી કૃષ્ણમય બનીને વિરહ ગીતો ગાવા લાગી :
‘જયતિ તેડ્ધિકં જન્મના વ્રજઃ શ્રયત ઇન્દિરા શશ્ર્વદત્ર હિ દયતિ દૃશ્યતાં દિક્ષુ તાવકાસ્ત્વયિ ધૃતાસવસ્ત્વાં વિચિન્યતે |’
હે પ્રભુ ! અમે તમારા વિયોગમાં દુઃખી છીએ, અમને સુખી કરવા માટે બીજું કાંઈ આપવાનું નથી, માત્ર દર્શન આપવાના છે. તો દર્શન તો આપો. થોડાક ઉદાર બનો કેશવ ! રડતા હૃદયે પ્રાર્થના કરવાથી અભિમાન આંસુ દ્વારા બહાર નીકળી ગયું. ગોપીગીતનો એક-એક શ્લોક ભક્તિથી તરબોળ છે. ભગવાન શ્રીકૃષ્ણને જ્યારે લાગ્યું કે, પ્રેમના પ્રવાહમાં ગોપીઓનો અહંકાર ધોવાઈ ગયો છે, ત્યારે તેમની સ્નેહ નીતરતી આરજૂથી પીગળી તેઓ ગોપીઓ વચ્ચે પ્રગટ થઈ ગયા !!
પછી તો રાસમંડળમાં રાધાને પોતાની પડખે રાખી એક ગોપી અને એક કૃષ્ણ – એ રીતે ભગવાને અનેક રૂપો ધારણ કર્યાં. ગોપીઓને મહારાસનું દિવ્ય સુખ શ્રીકૃષ્ણ પ્રભુએ આપ્યું. ભગવાન શ્રીકૃષ્ણે આ મહારાસમાં ગોપીઓને એટલું બધું સુખ આપ્યું કે શરદપૂર્ણિમાની રાત્રિ જાણે છ મહિનાની થઈ ગઈ !
આ સુખનું વર્ણન કરતાં સ.ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામી ગાય છે :
‘આજ શરદ પુનમનો ચંદો રે, અતિશે શોભે આકાશે;
રમે ગોપી સંગે ગોવિંદો રે, રંગડો જામ્યો છે રાસે.
નાટારંભ માંડ્યો નાથે રે, વ્રજજીવન વૃંદાવનમાં;
સુંદરવર ગોપી સાથે રે, મગન થયા રમતા મનમાં.
બાંહડલી બળવંત કેરી રે, ઝાલીને વનિતા ઝુલે;
બ્રહ્માનંદનો વહાલો લહેરી રે, જોઈને મનમાં ફૂલે.’
ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ પંચાળામાં સંતો-ભક્તોના પ્રેમને આધીન થઈ તેમને રાસોત્સવનો લાભ આપી આ દિવસે કૃતાર્થ કર્યા હતા.
એકવાર શ્રીજીમહારાજ પંચાળા ઠાકોર શ્રી ઝીણાભાઈને ત્યાં પધાર્યા હતા. ત્યારે શ્રીજીમહારાજની સન્મુખ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી વગેરે સંતો બેઠા હતા અને મહારાજના દર્શન કરતા હતા. એવામાં બ્રહ્માનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિને કહ્યું : “મહારાજ ! શ્રીકૃષ્ણ ભગવાને જેમ ગોપીઓને શરદપૂર્ણિમાની રાત્રીએ મહારાસ રમાડી દિવ્ય આનંદનો અનુભવ કરાવ્યો હતો, તેવો દિવ્ય આનંદ આજે આપ કરાવો. અમારી સાથે રાસ રમો એવો અમારો સંકલ્પ છે.” એટલે શ્રીજીમહારાજે કહ્યું : “તો ગામની પશ્ચિમ દિશામાં જે ટેકરો છે ત્યાં વિશાળ પટાંગણ છે. ત્યાં મહારાસ ગોઠવો. બાજુમાં સાબળી નદી વહે છે. પૂર્ણિમાની રાત્રી છે, એટલે ચંદ્ર પણ પૂર્ણ પ્રકાશે પ્રકાશી રહ્યો હશે. ”
સાંજ ઢળી અને હરિભક્તો અને નગરજનો સૌ સાબળી નદીના કિનારા ઉપર જ્યાં મહારાસ યોજાવાનો હતો ત્યાં જવા લાગ્યા. લગભગ રાત્રીના નવનો સુમાર થયો હશે ત્યાં તો સમગ્ર પટાંગણમાં, નદીના બંને કિનારે તેમજ આજુબાજુના ઝાડ ઉપર હજારો મનુષ્યોની ભીડ જામી ગઈ. ઝીણાભાઈએ ત્રંબાળું, ઢોલ, શરણાઈ, કાંસા જોડી, કરતાલો વગેરે સાજ તૈયાર કરાવી ત્યાં મોકલી આપ્યો હતો. સંતો પણ અહીં આવી ગયા હતા. શ્રીજીમહારાજ મંચ ઉપર બિરાજમાન થયા હતા. પછી બ્રહ્માનંદ સ્વામીએ મહારાજની આજ્ઞા પ્રમાણે સંતોના એક એક ફરતા નવ કુંડાળા કર્યા. પછી મહારાસનો પ્રારંભ થયો.
મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી વગેરે સંતોના હાથમાં કરતાલો હતી. પગે ઘૂઘરા બાંધ્યા હતા. જે સંતો કુંડાળાની વચ્ચે બેઠા હતા તેમણે દુક્કડ, સરોદ, પખવાજ, સિતાર, શરણાઈ, ઝાંઝ, સારંગી, મંજિરા આદિક અનેક પ્રકારના વાજિંત્રો લીધા હતા. એક સંતે ત્રંબાળું ઢોલ કેડે બાંધ્યો હતો. તેણે તેના ઉપર દાંડી મારી અને પખવાજ તથા દુક્કડના નાદ સાથે બ્રહ્માનંદ સ્વામીએ શરુ કર્યું :
‘સખી ગોકુલ ગામના ચોકમાં રે,
ખાંતે માંડ્યો રસીલે ખેલ,
રમે રાસ રંગીલો રંગમાં રે…’
બ્રહ્માનંદ સ્વામીના પહાડી સૂર સાથે વાજિંત્રોના નાદથી મિલાવટ થઈ ગઈ ! સંતોએ પગમાં પહેરેલા ઘૂઘરાના અવાજ પગના ઠેકા સાથે આ સૂરમાં સુરમ્ય બની ગયા. કરતાલના નાદે પણ સૂરો સાથે ઠાવકી મહોબત જમાવી દીધી. બ્રહ્માનંદ સ્વામીની આ એક જ પંક્તિના ઉચ્ચારણ સાથે જ રાસ જામ્યો અને સંતો પોતપોતાના કુંડાળામાં ઘૂમવા લાગ્યા. સંતોનો આ દિવ્ય આનંદ શ્રીજીમહારાજે જોયો, તેમની મસ્તી જોઈ, પોતાનું દેહભાન ભૂલીને કેવળ પોતાના ઉપાસ્ય સ્વરૂપની ભક્તિમાં જ તેમને સૌને તલ્લીન બની ગયેલા જોઈ, ભગવાન શ્રીહરિ એકદમ મંચ ઉપરથી ઊભા થયા અને બધાં જ કુંડાળા વીંધી પહેલા કુંડાળામાં પહોંચી ગયા ! શ્રીજીમહારાજને અંદર આવતા જોઈ સંતોના આનંદનો અવધિ ન રહ્યો. તે વખતે વેગથી રાસમંડળમાં ફરતા બ્રહ્માનંદ સ્વામીએ બીજી પંક્તિ શરૂ કરી :
‘ચહુ કોરે સખાની મંડળી રે,
ઊભા વચમાં છેલો અલબેલ,
રમે રાસ રંગીલો રંગમાં રે…’
શ્રીજીમહારાજ સંતો સાથે તાળી દઈને રાસમાં ફરવા લાગ્યા. જાણે બ્રહ્માંડ ફરતું હતું ! સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો તેમજ સકળ લોકના અધિષ્ઠાતાઓ આજે પુરુષોત્તમ નારાયણે પૃથ્વી ઉપર સાક્ષાત્ અક્ષરધામ ખડું કર્યું હતું તે દિવ્ય પ્રસંગના દર્શન કરવા નભમંડળમાં આવી ગયા. સંતમંડળ, હરિજનો અને નગરજનો આ દિવ્ય આનંદમાં મસ્ત બની ગયા હતા. બ્રહ્માનંદ સ્વામીના મુખમાંથી તો પંક્તિઓ સરતી જ હતી :
‘તાળી પાડે રૂપાળી તાનમાં રે,
મુખે ગાવે મનોહર ગીત,
રમે રાસ રંગીલો રંગમાં રે…’
ભગવાન શ્રીહરિ સંતો સાથે તાળીના તાન દેતા, નેણકટાક્ષોથી તેમના હૈયા વીંધતા, આજે જાણે સમગ્ર દિવ્યતાથી સંતોના-હરિભક્તોના હૃદય સભર કરી દેવા છે તેવા સંકલ્પથી ઘૂમી રહ્યા હતા. પરંતુ શ્રીજીમહારાજ ફક્ત મોટેરા સંતો સાથે જ રાસ રમે છે, તાળીઓના તાન આપે છે તે જોઈ બીજા કુંડાળામાં ફરતા સંતોને પણ સંકલ્પ થયો : “મહારાજ અમને એ સુખ ન આપે ?” અને આશ્ચર્યવત્ તેમની પડખે શ્રીજીમહારાજ તેમને દેખાયા. એક એક સંત અને સાથે મહારાજ ! જેટલા સંત એટલા ભગવાન શ્રીહરિના સ્વરૂપો ! આ દિવ્ય આનંદના ઉન્માદથી સંતોનો વેગ વધ્યો, વાજિંત્રોના ઘોષ પણ મેઘની ગર્જનાને થંભાવી દે તેવા થવા લાગ્યા. મહારાસ જામ્યો ! ચંદ્ર પણ આ દિવ્ય દર્શનનો લાભ લેવા થંભ્યો. સૂર્યને થયું કે તેને કોઈનો શાપ થયો હશે તેથી આ મહારાસ દર્શનથી તે વંચિત રહ્યો. સાબળી નદી પણ આજે ધન્ય બની ગઈ ! પંચાળાની ભૂમિ સમગ્ર પૃથ્વીમાં દિવ્યતમ તીર્થ સ્વરૂપ શોભવા લાગી !
દરેક પરમહંસોને એમ જણાયું કે શ્રીજીમહારાજ મારી સાથે જ હાથમાં હાથ મિલાવી મંદ મંદ હસતા હસતા રાસ રમણ કરી રહ્યા છે. એ વખતે મહાપ્રભુ શ્રીહરિના અનેક સ્વરૂપોમાંથી શીતળ, શાંત કિરણો પ્રગટ્યા અને દર્શન કરનારને પણ અતિ શાંતિ પમાડતા હતા. પશુ-પક્ષી, વેલી, વન, નદી, જળ સહુ થંભી ગયા. દરેક રાસ રમનારાઓ પણ શરીરનું ભાન ભૂલી એક ભગવાન શ્રીહરિની મૂર્તિમાં એકતાર બની રમવા લાગ્યા. આમ રાસમાં અદ્ભુત દિવ્ય સાહિત્ય સંગીત અને નૃત્યનો સંગમ રચાયો.
જગતના ભાવો ભૂલી દિવ્યાનંદમાં મસ્ત બની જુદી-જુદી રીત અને શ્રેષ્ઠ ઢબથી જ્યારે રાસની બરાબર જમાવટ થઈ એ સમયે આકાશમાંથી દેવતાઓ ભગવાન શ્રીહરિના દર્શન કરી જય જયકાર કરવા લાગ્યા અને પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા.આ અદ્ભુત દૃશ્યને જોઈ હજારો નરનારીઓ આશ્ચર્યમુગ્ધ થઈને હર્ષઘેલા બની ગયા. બ્રહ્માનંદ સ્વામી શીઘ્રતાથી નવીન અને ચારણી સાહિત્યમાં બેનમૂન રાસાષ્ટકના રેણકી છંદો ગંભીર રાગથી ગાવા લાગ્યા : ‘એક સમે શશિ ઉદિત અતિ, હોય મન અધિક હુલ્લાસ, યમુના તટ વ્રજનાર જુત, રચ્યો મનોહર રાસ…’ આ રીતે એક પછી એક છંદોની વર્ષા બ્રહ્માનંદ સ્વામીએ કરી. રાસની રમઝટ ચાલી. પરંતુ બ્રહ્માનંદ સ્વામી થાક્યા ત્યારે પુસ્તકમાંથી જોઈને કીર્તનો બોલવાની આજ્ઞા કરી. સમય કેટલો થયો હતો તેનો કોઈને ખ્યાલ રહ્યો નહીં. ભગવાન શ્રીહરિને તો મહારાસ થંભાવવો જ નહોતો. પણ સંતોને લાગ્યું કે આવતી કાલે હજુ રંગે રમવાનું છે. શ્રીજીમહારાજ જરૂર થાકી જશે.
બ્રહ્માનંદ સ્વામીએ તરત જ યુક્તિ કરી. ઘાસનો એક ઢગલો દૂર પડ્યો હતો તે સળગાવવા સુરાખાચરને ઈશારો કરી દીધો. તે સમસ્યા મુજબ સુરાખાચરે તે ઢગલામાં તણખો મૂક્યો અને તે સળગ્યો. એટલે બ્રહ્માનંદ સ્વામીએ બૂમ પાડી : “દોડો…, દોડો…પડખે આગ લાગી હોય એવું લાગે છે.” આ સાંભળી સંતો થંભ્યા અને કેટલાક તો પોતાના ઝૂંપડા ન સળગે તે સંભાળવા દોડ્યા. શ્રીજીમહારાજ આ જોઈ રહ્યા હતા. પછી બોલ્યા : “આ યુક્તિ નક્કી બ્રહ્માનંદ સ્વામીની લાગે છે.” ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું : “મહારાજ ! આપની મરજી વિના તો તણખલું પણ ફરતું નથી તો પછી મારી યુક્તિથી આગ કેમ લાગે ?” શ્રીજીમહારાજ હસી પડ્યા.
મહારાસ પૂરો થયો ત્યારે રાત્રી પણ લગભગ પૂરી થવા આવી હતી. સૌ સંતો શ્રીજીમહારાજની આજુબાજુ વીંટળાઈ ગયા. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું : “મહારાજ ! આ તો છ માસથી પણ રાત્રી વધુ મોટી થઈ હતી એવું લાગે છે.” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું : “કાળ અકળાયો હતો તેથી તેને છૂટો મૂકવો પડ્યો. નહીં તો અક્ષરધામનો આ મહારાસ કદી પૂરો થાત જ નહી.” આજે પણ આ દિવ્ય ભૂમિમાં જે કોઈ ભાવિક જાય છે તેને આ મહારાસના દર્શન તાદૃશ્ય થાય છે, કેટલાકને વાજિંત્રનો ઘોષ સંભળાય છે અને કેટલાકને શ્રીજીમહારાજ રાસ મંડળમાં ફરતા દેખાય છે. એટલે આ દિવ્ય રાસનું સ્વરૂપ અવિચ્છિન્ન રહ્યું છે.
આજે પણ ‘પંચાળા’ શબ્દનું નામ સાંભળતા જ શ્રીજીમહારાજની રાસલીલાના મધુર સ્પંદનો આંદોલીત થઈ હૃદય મનની વીણાને ઝંકૃત કરીને હૈયામાં થનગનાટ થવાની સાથે એક અનોખી અનુભૂતિ સહજ અનુભવાય છે. અને એટલે જ દેશ-વિદેશમાં જ્યાં જ્યાં ઉત્સવ-સમૈયા થાય છે, ત્યાં ત્યાં પંચાળાનો રાસ – શબ્દદેહે છતો થાય છે. ભગવાન શ્રીહરિની આ રાસલીલાથી પંચાળા અને તેનો રાસોત્સવ એક પર્યાય બની રહ્યા છે. પ.પૂ. ધ.ધુ. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજશ્રીએ
‘જુઓ જુઓને હાંહાં રે, સાહેલીઓ આજ, રસિયો રાસ રમે;
પંચાળામાં હાંરે, પંચાળામાં શ્રીજીમહારાજ…રસિયો’
આ રાસલીલાનું પદ રચીને રાસોત્સવને લોક હૈયે અમર બનાવી દીધો છે.
શ્રીજીમહારાજના પ્રિય સખા સ.ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામી દ્વારા રચિત પંચાળા મહારાસના છંદો, જેવા કે – ‘સર સર પર સધર અમર તર અનુસર, કર કર વર ધર મેલ કરે…’, ‘ઝટપટ પટ ઉલટ પલટ નટવટ ઝટ, લટપટ કટઘટ નિપટ લલે…’ આવા અનેક છંદો-કીર્તનો લોક સાહિત્યકારોના જીભે ગવાઈને સાહિત્યમાં, લોકજીવનમાં, સંસ્કૃતિમાં ધબકી રહ્યા છે. કોઈપણ લોક સાહિત્ય કલાકાર આ છંદોને જ્યાં સુધી પોતાના કાર્યક્રમમાં ન લલકારે ત્યાં સુધી તેને અધુરું લાગે છે.