Raksha Bandhan – (રક્ષાબંધન)

ગુજરાતી
રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન પોતાના ભાઈના હાથે નિર્મળ અને નિસ્વાર્થ પ્રેમભાવથી તૈયાર કરેલ સૂત્ર બાંધે છે. આ પવિત્ર દિવસે બહેન પોતાના હૃદયસ્થ પ્રેમને વ્યક્ત કરે છે. બહેનના હૃદયમાંથી નિષ્પન્ન થયેલ નિર્મળ પ્રેમનું સૂત્ર ભાઇને જીવનમાં આવનારી વિટંબનાઓને પાર કરવાની ચેતના પૂરી પાડે છે. વાસ્તવમાં બહેને ભાઇના હાથમાં બાધેલું સૂત્ર એ તો જીવનની હરપળમાં રક્ષણ આપનાર રક્ષા કવચ છે. આ બહેને બાંધેલ રક્ષાસૂત્ર ભાઇ માટે જીવનધ્યેયને સિધ્ધ કરવા પથદર્શક બની રહે છે.
રક્ષાબંધનના સંદર્ભમાં પુરાણોમાં કેટલીક કથાઓ કહેવાયેલી છે અને લોકમુખે કથાઓ આજે કહેવાય છે. રાખડી પુનમના વિષયમાં ભાઈ બહેન માટે પોતાનું એટલું જ સમર્પણ કરે છે, એ કથા બહુ જ પ્રેરણા આપનાર છે. જ્યારે બલિરાજા પાસે ભગવાનને ત્રિલોકી દાનમાં લઈ લીધી ત્યારે પરમાત્મા પ્રસન્ન થઈને બલીરાજાને કહ્યું કે તું મારી પાસે જે જોઈએ તે માગ. ત્યારે બલીરાજાએ ભગવાને પાસે એવું માગ્યું કે હે ભગવાન! તમે જો મારા પર પ્રસન્ન થયા હો તો અખંડ સન્મુખ અને મારી સમીપે રહીને દર્શન આપો.
આ હકીકત જગત જનની મા લક્ષ્મીને જાણ થઈ, એટલે લક્ષ્મીજી વિચારમાં પડ્યાં કે હવે ભગવાનને અક્ષરધામમાં કેમ લાવવા. એવા મુની નારદ ભગવાનનાં દર્શન કરવા અક્ષરધામમાં આવ્યા તો ત્યાં લક્ષ્મીજી દેખાયાં પરંતુ ભગવાન શ્રીમન્નારાયણનાં દર્શન ન થયાં. લક્ષ્મીજીએ હકીકત કહી કે બલીરાજાને વરદાન આપતાં પોતે ત્યાં અખંડ દર્શન દેવા રહી ગયા છે. પછી નારદજીના સૂચન મુજબ લક્ષ્મીજીએ શ્રાવણશુદ પુનમના દિવસે બલીરાજાને ભાતૃભાવે રાખડી બાધી. બહેનનો પ્રેમ જાઇ ગદગદિત થયેલા બલિએ તેને ઇચ્છા મુજબ માગવાનું કહ્યું, ત્યારે લક્ષ્મીજીએ બલિરાજા પાસે પોતાના પ્રિયતમ એવા પ્રભુની માગણી કરી અને બલિરાજાએ બહેનના પ્રેમને વશ થઈ તથાસ્તુ કહ્યું અને ભગવાન બન્નેની ઈચ્છા પૂર્ણ કરી. આ કથાથી આજ પર્યંત રક્ષાબંધન પર્વ મનાય છે.
આપણી વૈદીક પરંપરામાં રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન પોતાના ભાઇને સુંદર આસન પર બેસાડી ભાલમાં માંગલ્ય એવા કંકુથી ચાંદલો કરે છે. ત્યારબાદ ભાઇ હંમેશા જીવનની મીઠાશ માણતો રહે એ શુભેચ્છાને મુખમાં સાકર(મિઠાઇ) મૂકી વ્યક્ત કરે છે, અને પ્રેમનાં પ્રતિક સમી રાખડી બાધી જીવનપથ પર આગળ વધતા રહેવાની આશિષ વરસાવે છે. પોતાના ઈષ્ટદેવની પ્રાર્થના કરે છે કે મારા ભાઈનું સદાય રક્ષણ કરજો અને તેને રૂડા આશિર્વાદ સાથે પ્રેરણા આપજો. ભાઇ પણ બહેનના રક્ષણની જવાબદારી ઉઠાવવાના આપેલ વચનને બહેનને મનગમતી ચીજવસ્તુ અર્પણ કરી વ્યક્ત કરે છે.
આવા રક્ષાબંધન જેવા પવિત્ર પર્વ વાસ્તવમાં માનવજીવનમાં પ્રાણ સમો પ્રેમનો સંદેશ આપે છે. આ પ્રેમને આદાનપ્રદાન કરવાના પર્વમાં જો બહેનની દૃષ્ટિ કેવળ ભાઇ કેટલા રૂપિયા આપે છે તેના પર હોય અને ભાઇ જો બહેને બાધેલી રાખડીનું આર્થિક રીતે મુલ્યાંકન કરતો હોય તો પ્રેમભાવની મધુર સુગંધ લુપ્ત થઇ જાય છે અને સ્વાર્થ દેખાઈ આવે છે. આ રક્ષાબંધનના દિવસે સંતો અને ભગવદ્ ભક્તો દોષોની સામે રક્ષણ મેળવવાના ઉદ્દેશથી
‘ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ । ત્વમેવ બન્ધુશ્ચ સખા ત્વમેવ ।’
ના દિવ્યભાવના અનુસંધાન સહ સર્વનિયંતા પરમાત્માને રાખડી બાંધી નિભર્ય બને છે. મહારાજના ભક્તો તો અંતર શત્રુથી અને રક્ષણ મેળવવા અને દોષો પર વિજય મેળવવા સંતોને અને મહાપુરુષોને પણ રક્ષણ અને પ્રેરણા મેળવવા રાખડી બાંધે છે. રાખડી પુનમના દિવસે ગર્ગાચાર્યે ભગવાન શ્રીકૃષ્ણના હાથમાં રાખડી બાધી હતી, તે પ્રસંગને આપણા કવિ સમ્રાટ બ્રહ્માનંદસ્વામીએ અદ્ભૂત શબ્દરૂપ આપ્યું છે કે
સંવત ૧૮૭૮ના રાખડી પુનમના સ્વામિનારાયણ ભગવાનના હાથે અનેક રાખડિયો બાંધી હતી, એવો ઉલ્લેખ વચનામૃતમાં ઉપલબ્ધ છે. એટલે અનેક ભક્તો પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા અને નવી ચેતના મેળવવા ભગવાનને અને સદ્ગુરુને પોતાના ભાઈ માનીને રાખડી બાંધે છે.
રાખડી પુનમ રક્ષણ મેળવવા કે આપવાના પ્રેમભાવનું વ્યક્ત સ્વરૂપ એટલે રાખડી પુનમ.એક દૃષ્ટીએ તેમાં સમય, સ્થાન કે સબંધો અંગેની નિશ્ચિતતા નથી, કેમ જે મહાભારતના યુધ્ધમાં લડવા જતા પહેલા માતાએ પુત્ર અભિમન્યુના હાથમાં રાખડી બાંધી હતી એ પ્રસંગથી સૌકોઇ વિદિત છે. આવા અનેક પ્રસંગો ઇતિહાસમાં મોજૂદ છે, વધારામાં કોઇપણ માંગલિક પ્રસંગોમાં પણ પુરોહિત દ્વારા યજમાનના હસ્તમાં રક્ષાસૂત્ર(નાડાછડી) બાંધી કાર્યની નિર્વિઘ્ન પૂર્તિની પ્રાર્થના કરવામાં આવે છે. પરંતુ શ્રાવણી પૂર્ણિમાના દિવસે તો બહેન દ્વારા ભાઇને રાખડી બાધવાનું વિશેષ મહત્વ છે.