Labh Pancham – (લાભ પાંચમ)

ગુજરાતી
કારતક સુદ પાંચમને લાભપાંચમ, લાખેણીપાંચમ, સૌભાગ્ય પાંચમ કે જ્ઞાનપાંચમ પણ કહેવામાં આવે છે. જેણે દિવાળીના દિવસે ચોપડા પૂજન ન કર્યું હોય તે આ દિવસે કરે છે. આજથી વેપારીઓ નવા વર્ષનો વેપાર-ધંધો શરૂ કરે છે. લાભ એટલે કે લક્ષ્મીના પતિ ભગવાનને જેણે હૃદયમાં ધાર્યા છે તે જ ખરેખર લાભાર્થી છે. એટલે જ કહેવાયું છે કે – ‘લાભસ્તેષા જયસ્તેષા પરાજયઃ | યેષમ્ ઇન્દીવરશ્યામો હૃદયસ્થો જનાર્દનઃ ||’ – ભગવાન હૃદયમાં પધાર્યા એટલે શુભ, લાભ, જય વગેરે બધું જ આવી ગયું. લાભ સવાયા થઈ ગયા.
અઢળક ધન-સંપત્તિ મળે, સારો કુટુંબ પરિવાર મળે, સારી નોકરી મળે વગેરે મનુષ્યે ઘણા-ઘણા લૌકિક લાભો માન્યા છે. પણ સૌથી મોટો લાભ તો આ મનુષ્યદેહ મળ્યો એ જ છે. છાણી ગામના હરિજન જેવી શુદ્ર જાતિમાં જન્મ લેનાર પરંતુ ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત થયા તો કેવો લાભ ખાટી ગયા તે વિષે વિદ્વાનો પણ જે ન વિચારી શકે તેવું તેઓ પોતાના એક કીર્તનમાં કહે છે : ‘સજની આ રે ટાણું છે અમૃત લાભનું, ફેર ફેર ન મળે એવું, વીજના ઝબકારા જેવું મોતી પરોવી લેવું, સત્સંગ કીજીએ…’ સ.ગુ. શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિની પ્રાપ્તિના કેફમાં ગાયું છે કે – ‘ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, થયાં કોટિ કલ્યાણ…’ આ પદના શબ્દે શબ્દે સૌભાગ્યના કેફના ઘૂંટડા અનુભવાય છે. આ પદમાં છેલ્લે કહે છે – ‘ધન્ય ધન્ય અવસર આજનો, જેમાં મળિયા મહારાજ; નિષ્કુળાનંદ ડંકો જીતનો, વાગી ગયો છે આજ…’ ઘરે ખાટી છાશ ને સૂકો રોટલો હોય કે ખાવા પૂરતું ધાન ન મળે, પહેરવા પૂરતું વસ્ત્ર ન મળે, રહેવા યોગ્ય સ્થાન ન મળે તેવા સંજોગોમાં પણ આ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી બુલંદ અવાજે ગર્જના કરતા જ રહે છે : ‘અણચિંતવી આનંદ એ’લિ રે, થઈ અમૃતરસ ચાલ્યો રેલિ રે; તેમાં પડ્યા સાકરના કરા રે, વરસ્યા મોતિડાંના મેઘ ખરા રે.’ ભગવાનની પ્રાપ્તિના બળે સૌની કલ્યાણની કંગાલિયત તો ટળી ગઈ હતી, પરંતુ વ્યવહારિક કંગાલિયત પણ દૂર હડસેલાય ગઈ હતી. સૌ બસ… શ્રીજી અમલમાં રાતામાતા થઈને ગાતા રહે છે : ‘રાંકપણું તો રહ્યું નહિ, કોઈ મ કે’શો કંગાલ; નિરધનિયાં તો અમે નથી, મહા મળ્યો છે માલ.’
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની જે વિશેષતાઓ સૌ શ્રીજીસમકાલીન જોઈ શકતા. તે સઘળી વિશેષતાઓ આજે પણ આ સંપ્રદાયના વડતાલ પીઠાધિપતિ પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી અને તેમને વ્હાલા સંતો-ભક્તોના દિવ્ય સાંનિધ્યમાં, સત્સંગમાં સૌ કોઈ અનુભવી રહ્યા છે.
આપણે પણ ભાગ્યવાન છીએ કે આપણને એ જ સત્સંગ મળ્યો છે કે, જે સત્સંગ પાંચસો પરમહંસોને મળ્યો હતો. આપણે ભાગ્યવાન છીએ કે આપણને આજે સ્વયં અક્ષરાધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના ગૌરવ સભર ગુરુસ્થાને સ્થાપેલા આદિઆચાર્ય પ.પૂ. ધ.ધુ. શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજશ્રી તથા આદિઆચાર્ય પ.પૂ. ધ.ધુ. શ્રી રઘુવીરજી મહારાજશ્રીની દિવ્ય પરંપરામાં પ.પૂ. ધ.ધુ. આચાર્યજી મહારાજશ્રીની પ્રાપ્તિ થઈ અને એ જ દ્વારા શ્રીજીમહારાજ મળ્યા છે કે, જે મહારાજ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને દાદાખાચર, પર્વતભાઈ જેવા ભક્તોને મળ્યા હતા. નંદસંતો તુલ્ય પંચવર્તમાનસહ સ્ત્રી-ધનના ત્યાગી સાચા સંતો મળ્યા છે. જેથી સવિશેષ ભાગ્યવાન છીએ આપણે; કારણ કે સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે રચેલા શાસ્ત્રો-મંદિરો અને પધરાવેલા દેવો મળ્યા છે. સાચે જ આપણા આજે ભાગ્ય જાગ્યા છે.