Importance of Holi Festival

ગુજરાતી
ખરેખર યંત્રવત્ યુગમાં જીવનનો થાક ઊતારવાનો કંઈક હિસ્સો આપણા ઉત્સવ- સમૈયાઓને ફાળે પણ જાય છે. કારણ કે ઉત્સવોને મનાવીને ઊજવીને હળવાશ અનુભવાય છે. સાથોસાથ માણસ માણસ પ્રત્યે પરસ્પર આત્મીયતાનું દૈવત પણ ઉત્સવો દ્વારા જ પ્રગટે છે. ત્યારે જ તો આજે દરેક માનવીઓ ઉત્સવપ્રિય દિન-પ્રતિદિન બનતા જાય છે. આમ તો ઉત્સવો પણ ધર્મરક્ષણનું કાર્ય કરે છે. આજે આ ભારતીય સંસ્કૃતિની એકતાના પાયામાં આવા ઉત્સવોનું અનેરૂ અને અમૂલ્ય પ્રદાન રહેલું છે.
વ્રત, પર્વ, તહેવાર એ ઉત્સવોના જ ત્રણ વિભિન્ન સ્વરૂપ છે. વ્રત માનવીને સંયમી જીવન જીવતા શીખવે છે, પર્વ સામુહિક રીતે ઊજવાતા હોવાથી તીર્થયાત્રા, કથાઓ, મેળાઓ, સમૈયાઓ દ્વારા ભાવાત્મક એકતાને બક્ષે છે.
જ્યારે તહેવાર જે તે ઐતિહાસિક-પૌરાણિક સંદર્ભોની સાથે જોડી માનવીને અસ્મિતા તથા ગૌરવની લાગણી અપાવે છે.
આમ, જીવનમાં પ્રેમ અને શ્રેયનો સમન્વય કરે તે ઉત્સવ. આવો… આપણે પણ આપણા સમાજજીવનના પ્રાણસમા આ ઉત્સવોમાંથી આપણા દેશનો પ્રાચીન તહેવાર “હોળી-કુલદોલ” નામનાં ઉત્સવને સમજવાનો પ્રયાસ કરીએ.
આ ઉત્સવ ફાગણ સુદ પૂનમને દિવસે મનાવવામાં આવતો હોવાથી “ફાલ્ગુનિક” પણ કહેવાય છે.
આમ જોઈએ તો પ્રહલાદજીની કથા શ્રીમદ્ ભાગવતના સાતમા સ્કંધમાં ભગવાનની ઉતીલીલાના અનુસંધાને કહેવામાં આવી છે. ઉતીલીલા એટલે સત્ (પ્રહ્માદજી) અને અસત્ (હિરણ્યકશિપુ)ની સંઘર્ષ કથા. આ ભાગવતની કથામાં વક્તા નારદજી છે અને તેના શ્રોતા મહારાજા યુધિષ્ઠિર છે.
૧. ભાગવત પુરાણ
પુરાણ કથા મુજબ જોઈએ તો દૈત્યરાજ હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ ભગવાનનો પરમ ભક્ત હતો. આપણે સૌ જે વાતને જાણીએ છીએ તેમ ભક્ત પ્રહલાદને મારી નાખવા અસુર પિતાએ ઘણાક પ્રયત્નો કર્યા. પરંતુ જ્યારે કોઈમાં સફળતા ન મળવાથી પોતાની બહેન હોલિકાને બોલાવવામાં આવી; કારણ કે હોલિકાને એવું વરદાન હતું કે તેની પાસે રહેલી એક દૈવી ચુંદડી ઓઢી લે પછી તેને અગ્નિથી કશું જ ન થાય. તેથી અસુર ભાઈના આગ્રહને વશ થઈ હોલિકા પોતાની ગોદમાં ભક્ત પ્રહલાદને રાખી પોતાની દૈવી ચુંદડી ઓઢીને ચિત્તામાં ગોઠવાઈ ગઈ. ત્યારબાદ ચિત્તાને જલાવવામાં આવી. ત્યારે જ ભક્ત પ્રહલાદનું મનોમય ભગવસ્મરણ બહાર આવ્યું ને જોરજોરથી ભગવાનના નામનું રટણ શરુ કર્યું. કારણ કે શાસ્ત્રોનો એ મત છે –
विपदो नैव विपदः संपदो नैव संपदः। विपदः विस्मरणं विष्णोः संपदो नारायण स्मृतिः ॥
આ જગતમાં મનુષ્યોને માનવામાં આવતું દુઃખ તે દુઃખ જ નથી કે સુખ તે સુખ જ નથી. ખરેખર ભગવાનનું સ્મરણ ભૂલાય તે જ દુઃખ છે. અને જ્યાં ભગવાનનું સ્મરણ હોય ત્યાં દુઃખ ક્યારેય ન જ હોય ત્યાં સદૈવ સુખ જ હોય. એ સ્પષ્ટ વાત છે.
આ શાસ્ત્રોના વચનનો અહિં સાક્ષાત્કાર થયો. કારણ કે પ્રહલાદ ભગવાનના પરમ ભક્ત હતા અને મુખે ભગવાનનું અખંડિત નિર્ભિત નામસ્મરણ હતુ. જોરથી પવનના ઝપાટા શરૂ થયા. તે પવનના પ્રતાપથી હોલિકાની જ ચુંદડી ઊડી અને ભક્ત પ્રહલાદને વિંટાઈ વળી ને આખરે હોલિકા જ સળગી ગઈ અને ભક્ત પ્રહલાદજી બચી ગયા. આમ, આસુરી વૃત્તિનો ઘોર પરાજય થયો ને દૈવીશક્તિનો જ્વલંત વિજય થયો.
આ ઉપરના પ્રસંગથી જ સત્યુગથી આજ સુધી ભક્તની રક્ષા ને આસુરી વૃત્તિના વિનાશને સાંગોપાંગ સમજાવવા લોકો ઘેર-ઘેર, નગરોનગર, ગામને ગોંદરે અગ્નિને પ્રગટાવી અગ્નિદેવને પ્રાર્થના કરે છે કે વિષય વાસનારૂપ અમારી આસુરી વૃત્તિઓને સળગાવી દઈ અમ જેવા ભક્તને બચાવી લેજ્યો. જ્યારે પ્રહલાદ બચી ગયા છે ને હોલિકા સળગી ગઈ છે ત્યારે આ વાતની લોકોને જાણ થતા સર્વત્ર આનંદ-ઉત્સવ થયો. સાથોસાથ રંગ-ઉત્સવ ઊજવીને ભક્ત પ્રહલાદજી પ્રત્યેના પ્રેમને પ્રગટાવ્યો, ત્યારે ફાગણ વદ – ૧(એકમ)નો દિવસ હતો. જેને આજે “ધૂળેટી” ના નામથી ઓળખવામાં આવે છે. સાથોસાથ આ જ દિવસે ભરતખંડના રાજા શ્રીનરનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિવસ હોવાથી સર્વત્ર ભારત દેશમાં પ્રાગટ્યદિન પણ ઊજવવામાં આવે છે. આ જ દિવસે દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણને ગોપ-ગોપીઓએ નવીન ફૂલોથી શણગારી ફૂલના હિંડોળે હિંચકાવ્યા હતા. અને ગુલાલ રંગ ઊડાડી રંગોત્સવ મનાવ્યો હતો તેથી આ દિવસને “ફુલદોલ ઉત્સવ દિન” તરીકે વૈષ્ણવ-ભક્તિ સંપ્રદાયમાં તેનું સ્થાન વિશિષ્ટ છે.
૨. ભવિષ્યોત્તર પુરાણ
ભવિષ્યોત્તર પુરાણમાં આ ઉત્સવ અંગે એક સુંદર કથા જોવા મળે છે. યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણને હોળીના ઉત્સવનું રહસ્ય પૂછે છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: પૂર્વે રઘુ રાજાના રાજ્યમાં ઢંઢા નામે રાક્ષસી દરરોજ સાંજ પડ્યે બાળકોને ઊપાડી જતી. આમ ખૂબ ત્રાસ આપતી હતી. પ્રજાએ રાજાને રક્ષા કરવા ખૂબ વિનંતી કરી. રાજા રઘુએ પણ તપાસ કરાવી તો જણાયું કે રાક્ષસીને મહાદેવ શિવજીનું વરદાન હતું કે ‘દેવ કે માનવ, અસ્ત્ર કે શસ્ત્ર આદિ ઘણા ઉપાયોથી તું મરીશ નહિ.’ પણ હા જો બાળકો આનંદ-મસ્તી કરતા હોય તો તેનાથી મરણનો પૂરો ભય. રઘુરાજાને આ વાતની જાણ થતા તેણે રાજ્યના સર્વે પુરોહિતોને બોલાવ્યા. અને આ અંગે શું કરવું? આ વિચારણાને અંતે પુરોહિતોએ કહ્યું: ફાગણ સુદ – ૧૫(પૂનમ)ને દિવસે બાળકો માટે આનંદ-કિલ્લોલનો દિવસ આજથી નિશ્ચિત કરીએ. આ દિવસે હોળીકા રચી બાળકો ખૂબ જ આનંદ મોજમસ્તી કરી રહ્યા હતા. તેમની પાસે રાજાએ પ્રદક્ષિણા કરાવી બાળકો દ્વારા હોમયજ્ઞ કરાવ્યો. તેથી રાજ્યમાંથી સુંઢા રાક્ષસનો ત્રાસ દૂર થયો. ત્યારથી આ ઉત્સવ બાળકોનો વિશેષ ઉત્સવ ગણાયો છે. તેથી તો બાળકોને ખજુર તથા ડાળિયા આદિક વહેંચી આનંદિત કરવામાં આવે છે.
આ ઉત્સવ વસંતઋતુના આગમનની ઓળખ આપે છે. દક્ષિણ ભારતમાં હોળીના બીજા દિવસે રંગઉત્સવને બદલે પાંચમા દિવસે (રંગપંચમી)ને મનાવવામાં આવે છે. પરંતુ હાલમાં જ્યારે જ્યારે આ ઉત્સવ આવે ત્યારે ત્યારે રંગોત્સવમાં આજે સર્વત્ર સ્ત્રી-પુરુષો મર્યાદાને તોડી, સંયમને ચૂકી આ દિવસે અશ્લીલતા ઉભરાઈ જાય છે. સાથો સાથ એવા એવા ફટાણા-ગીતો ગવાય છે કે જેનાથી સમાજમાં ઘણી વિકૃતિઓ ઉત્પન્ન કરી આત્મઘાતક પરિણામો આ સમાજે જોયા છે. જો વસંતમાં કામનું જોર વધ્યું તો શિવજી દ્વારા તેને નષ્ટ કરવામાં આવ્યો હતો.
આમ, આ ઉત્સવ તો સંયમના વિજયની યાદી અપાવતો અને ઊંડો ઉત્તમ મર્મથી ભરપૂર છે એવો છે. જેથી તો સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે શિક્ષાપત્રીમાં કલમ ઊઠાવીને તેની પૂરી મર્યાદા બતાવી છે:-
“न होललेखनं कार्यं न भूषादेश्च धारणम” (શિક્ષાપત્રી : શ્લોક – ૧૭૨)
આ શ્લોકનું વિવરણ કરતા શિક્ષાપત્રી ભાષ્યમાં સદ્. શતાનંદ સ્વામી આ પ્રમાણે બતાવે છે કે – “અમારા આશ્રિત વિધવા સ્ત્રીઓએ હોળીની રમતની (પરસ્પર રંગ ગુલાલાદિ નાખવા રૂપ) ક્રિયાઓ ન કરવી.”
આ ઉત્સવ ખરેખર આપણને એક સરસ ઉપદેશ આપી જાય છે; પ્રહ્નાદજી એ સતત ભગવન્નામનો જપ અખંડિત ને નિર્ભયપણે શરૂ રાખ્યો તેથી ભગવાને તેમની રક્ષા કરી છે. ભગવાનના નામ-મંત્રજાપનો ખૂબજ મહિમા છે. તે માટે તો અગ્નિપુરાણમાં ભગવાન શ્રી વ્યાસજીની કલમે લખાયું છે:- ‘जकर जन्म विच्छेद पकारः पापनाशकः | तस्माद् जप इति प्रोक्तो जन्मपापविनाशकः ||’– જપ નામનો અર્થ જ એ છે કે ‘જકાર એટલે ફરી જન્મવું જ ન પડે.’ ‘પકાર એટલે પાપનો વિનાશ કરે છે.’
આમ, જપ એટલે દરેક જન્મના હરેક પાપોનો નાશ કરનાર છે ભગવત્નામનો અખંડિત જપ. ત્યારેજ તો આપણે પણ આ ઉત્સવના પવિત્ર દિવસે નિયમ લઈએ કે દરેક ક્રિયામાં અખંડ ભગવાત્નામનો જપ કરીશું અને પ્રહાદજી જેવા નિર્ભય દેઢભક્ત બનીશું. ભક્ત પ્રહ્નાદે તેમના પિતાનો ત્યાગ કર્યો ને અસુરનો પક્ષ ન લીધો અને દઢભક્ત કહેવાયા. સાચા ભક્ત થાવું તે કંઈ નાની બાબત નથી. એક સંતે કહ્યું છે –
‘સતી શૂર કો સહજ હૈ, દો ઘડી કા કામ; ભક્ત બનના બહોત કઠિન હૈ, જીવનભર સંગ્રામ.’
આમ, એવા સાચા શૂરવીર ભક્ત થઈએ કે સત્યને માટે સમગ્ર જીવનભર અંતિમ શ્વાસ સુધી ઝઝુમતા રહીએ ત્યારે જ આપણા ઉપર પણ મહારાજ રાજી થાશે. જેમ પ્રહ્માદની રક્ષાર્થે સ્થંભમાંથી પ્રગટ્યા તેમ આપણને પણ મહારાજ કંઈને કંઈ દ્વારા આપણા સાથે ભળીને સત્યને વિજયી બનાવશે જ.
આપણા સંપ્રદાયને માટે..
- સં.૧૮૫૮માં સૌપ્રથમ આ ઉત્સવ માંગરોળમાં ઉજવવામાં આવ્યો હતો. અને ફાગણ વદ – ૧ (એકમ)ને દિવસે દેવીવાળા મગ્નનીરામને દિક્ષા માંગરોળમાં આપીને “અદ્વૈતાનંદ સ્વામી” નામ પાડ્યું હતું.
- સં.૧૮૬૩માં ધોરાજી ગામે શ્રીજી મહારાજે ફૂલદોલનો ઉત્સવ ઉજવેલો ત્યારે સદ. મુક્તાનંદ સ્વામીએ વડની ડાળે હિંડોળો બાંધીને મહારાજને હિંચકાવ્યા હતા. આજે પણ આ વડ મોજુદ છે જે વટવૃક્ષ લાલવડ’ તરીકે સંપ્રદાયમાં પ્રસિદ્ધ થયેલ છે.
- સં.૧૮૬૮માં સારંગપુરમાં ભગવાન શ્રીહરિએ આ ઉત્સવ ઉજવી જીવાખાચરને વર આપ્યો હતો કે “આ ગામની સીમ સુધીમાં જે કોઈનું મૃત્યુ થશે તેને જમનું તેડું નહિ આવે.”
- સં.૧૮૭૨/૭૩માં ફૂલદોલનો ઉત્સવ વડતાલમાં ખૂબજ વિશાળતાથી ઉજવેલ. જેમાં સદ. નિષ્કુળાનંદ સ્વામીએ બાર બારણાના હિંડોળે મહારાજને ઝુલાવ્યા હતા. તે હિંડોળો આજે પણ અક્ષરભુવનમાં દર્શન આપે છે.
- સં.૧૮૭૬માં મહારાજે ગઢપુરમાં બહુજ વિશાળ ફલક પર આ ઉત્સવ ઉજવેલ. સાથોસાથ સંતો-હરિભક્તોને વાસના ટાળવાનો ઉપદેશ આપેલ, તેનો સંગ્રહ ગ.પ્ર.પ્રકરણના ૬૦માં વચનામૃતમાં થયેલ છે.
- સં.૧૮૭૭માં શ્રીજી મહારાજે પંચાળામાં આ ઉત્સવ અતિ ઉત્સાહથી ઝીણાભાઈના દરબારમાં ઉજવેલ, ત્યારે જ તિલક-ચાંદલાની શરૂઆત કરેલ. અને સૌપ્રથમ સદ. ગુણાતીતાનંદ સ્વામીના કપાળે તિલક-ચાંદલો કરી તમામ સંતો-ભક્તોને મહારાજે શીખવ્યો હતો.
- સં.૧૮૭૮માં ગઢપુરમાં મહારાજે દાદાખાચરના દરબારમાં આ ઉત્સવને ઉજવેલ. ત્યારે ભગવાન શ્રીહરિએ સંતો-ભક્તોને ઉપદેશ આપેલ. સર્વશાસ્ત્રનું રહસ્ય સમજાવેલ તથા પરમેશ્વરને સર્વકર્તા જાણવારૂપ જે મોક્ષમૂલક ઉપદેશ તેનો સંગ્રહ આપણા નંદસંતોએ ગ.મધ્ય પ્રકરણના ૨૧માં વચનામૃતમાં કરેલ છે.
- સં.૧૮૭૯માં શ્રીજી મહારાજે આ ઉત્સવ પંચાળામાં અતિ ધામધુમથી ઉજવેલ. અને સાથે સાથે રાત્રે દરેક સંતોની સાથે અનેક રૂપો ધારણ કરી રાસ લીધો હતો.
- સં.૧૮૮૧/૮૨માં આ ઉત્સવ અમદાવાદમાં ઉજવી શ્રીનરનારાયણ દેવને તેમના પ્રાગટ્યદિને ફૂલના હિંડોળે હિંચકાવ્યા હતા.
આમ, આ ઉત્સવ ભગવાન શ્રી સ્વામિનારાયણને પણ ઘણોજ પ્રિય હતો. મહારાજે આ ઉત્સવ ગઢડા તથા વડતાલમાં તો અનેકવાર ઉજવી બંને ધામોની એક એક રજને રંગથી ભીંજવેલ છે. સ્ત્રીભક્તોનો વિભાગ અલગ રાખી સ્ત્રીઓ મર્યાદામાં રમતા. તથા શ્રીજી મહારાજ હરિભક્તો સાથે ભળી અને સંતોનો બીજો પક્ષ બનાવી બંને પક્ષ કરી સામસામા ખૂબજ હોળી-ફૂલદોલ-રંગોત્સવને અતિ ઉત્સાહથી ઉજવતા હતા. આ પ્રકારના ઉત્સવોથી પૃથ્વીમાં એક વિશિષ્ટ પ્રકારની ધર્મ-મર્યાદાનું પણ સ્થાપન કરતા હતા.
તે માટે આપણે પણ જ્યારે આ ઉત્સવ આવે છે ત્યારે શ્રીજીમહારાજ તથા નંદસંતો-હરિભક્તોને યાદ કરી તેમને રાજી કરવા માટે અતિદ્રઢ મર્યાદાથી આ ઉત્સવને અતિ ઉત્સાહથી એવી જ રીતે ઉજવવો જોઈએ કે જેથી આધુનિક યંત્રવત્ યુગના થાકને ઉતારી હળવા બનવા પ્રયત્ન કરીએ.