Shree Parshuram Avatar – (શ્રી પરશુરામ અવતાર)

Gujarati
બ્રહ્મતેજની ભભક્તી જ્વલંત પ્રતિભા એટલે પરશુરામજી. તેમનો જન્મ જમદગ્નિ મહર્ષિના આશ્રમમાં માતા રેણુકાદેવીની કૂખે ભૃગુવંશમાં વૈશાખ સુદ-૩ (અખાત્રીજ) ની રાત્રીએ થયેલો.
નર્મદા કિનારે આશ્રમમાં રહેતા પિતા જમદગ્નિની અનુમતિ મેળવીને પરશુરામ હિમાલયના જંગલોમાં તપશ્ચર્યા કરવા ગયા. ત્યાં તેમણે ગુરુદેવ અગસ્ત્યમુનિ પાસે બ્રહ્માસ્ત્ર, વૈષ્ણવાસ્ત્ર, રૌદ્રાસ્ત્ર, મોહનાસ્ત્ર જેવાં અનેક શસ્ત્ર અસ્ત્રોમાં નિપૂણતા મેળવી.
આ બાજુ પિતાના આશ્રમમાં પદ પ્રતિષ્ઠા શક્તિના મદથી ઉદ્ધત એવા રાજા સહસ્ત્રાર્જુનનું આગમન થયું. નૃપને ઈશ્વરનો અંશ માનીને જમદગ્નિએ તેનું રાજોચિત સન્માન કર્યું. વિરાટ સૈન્ય સહિત સૌ કોઈને ઠાઠ – માઠથી સત્કાર્યા. ત્યારે રાજાને કૌતુક લાગ્યું. આટલી અમથી ઝૂંપડીમાં આટલું બધું ધન આવ્યું ક્યાંથી! જીજ્ઞાસાનો જવાબ હતો કામધેનુ ગાય..
રાજાએ ગાય માંગવાને બદલે ઓર્ડર કર્યો, આપી દો. ઋષિએ ના કહેતા સૈન્યના જોરે કામધેનુ લઈ લીધી અને આશ્રમને ઉજ્જડ કરી નાખ્યો. આ સમાચાર તપશ્ચર્યા કરીને આવેલા પુત્રપરશુરામને મળતા તેના હોઠ ફફડી ઉઠ્યા. તેમણે પિતાની વાત અવગણીને બદલો લેવા માહિષ્મતિ પર આક્રમણ કર્યું અને અંતે એક અક્ષૌહિણી સેના સહિત સહસ્ત્રાર્જુનનો નાશ કર્યો. પૃથ્વીને પાપીના ભારથી મુક્ત કરી અને કામધેનુ પાછી લાવી આશ્રમમાં બાંધી.
પિતાએ તેમને પ્રાયશ્ચિત રૂપે ૧ર વર્ષ તપ કરવા મોકલ્યા. તે દરમ્યાન કાર્તવીર્ય સહસ્ત્રાર્જુનના દીકરાઓએ પિતાની હત્યાનું વેર વાળવા જમદગ્નિની હત્યા કરી. પ્રાયશ્ચિત કરીને પાછા આવેલા પરશુરામે પતિવિયોગે દુઃખીમાતાને શાન્ત્વના આપવા એકવીસ (ર૧) વાર પૃથ્વીને ક્ષત્રીય વિહોણી કરી દીધી. આમ, પરશુરામાવતાર ધારણ કરીને ભગવાને મદોન્મત રાજાઓનાં પાપના ભારથીત્રસ્ત પૃથ્વીને મુક્તકરી.