Ishtdev Murtipooja – (ઇષ્ટદેવની મૂર્તિપૂજાની વિશેષતા શુ છે?)

Gujarati
ભારતીય ભક્તિદર્શનમાં અનંત વિશ્વના સર્જનહાર સ્વામી, એકમાત્ર પરમેશ્વરને કહ્યા છે, જે સર્વોપરી છે, સર્વ કર્તાહર્તા છે, સદા દિવ્ય છે અને સદા (પરુષાકાર) છે. જોવો અનંત છે અને તે અનાદિ અજ્ઞાનથી માયાથી બુદ્ધ છે. આ અનાદી આજ્ઞાનનું-વાસનાનું વળગણ છોડાવવા માટે અર્થાત મુક્તિ માટે એકમાત્ર સર્વજન-સુલભ, સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે.
પરમાત્માનું શરણું સ્વીકારી એમની સેવકભાવે, દાસભાવે ઉપાસના ભક્તિ કરવી, પૂજા કરવી. ભક્ત કદી પણ ભગવાન તો બનતો જ નથી. આથી, મુક્તિ પહેલા પણ ભક્તિ છે અને મુક્તિ પછી પણ ભક્તિ તો રહે જ છે. કહો ને કે સાધન પણ ભક્તિ છે અને સિદ્ધિ પણ ભક્તિ છે.
આ ભક્તિ-એવા પરમાત્મા પ્રત્યેક્ષ હોય તો જ સુલભ બને. પરમ કૃપાળુ પરમાત્મા ભક્તોના સુખને અર્થે પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. તે તે સમયે ભક્તોને ભક્તિનો અવકાશ રહે પણ દીવ્યલીલા સંકેલી પરમાત્મા અંતર્ધાન થાય પછી શું? તો પ્રભુએ કૃપા કરી પોતાનું અર્ચન સ્વરૂપ-મૂર્તિ ભક્તોને આપી.
આ મૂર્તિ એ કાંઈ પ્રતિક નથી કે ચિતને સ્થિર કરવા પુરતું આલંબનપાત્ર નથી, પરંતુ સાક્ષાત પરમાત્મા જ છે, અર્ચાવતર છે. વેદાંત-કથિત પરમાત્માનું સ્વરૂપ મનવાણીથી પર છે. એ પરમાત્મા ભક્ત માટે મૂર્તિરૂપે સુલભ બની રહે છે. એની ભક્તિમાં ઇન્દ્રિયો-મન પરોવાતા જગતની વાસના સહેજે છૂટી જાય છે. પ્રભુના સ્વરૂપમાં ચિતનો નિરોધ થતા પ્રાણનો નિરોધ થાય છે અને પરમાત્મામાં એકમાત્ર નીષ્ઠારૂપી નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ થાય છે.
ભક્ત સહજતાથી ભગવાનની સેવા- પૂજાનો આનંદ હમેશા લઈ શકે, મન પરમાત્મામાં સ્થિર થાય, વાસનાથી છૂટી મુક્તિ પ્રાપ્ત કરી શકે, એ જ ઇષ્ટદેવની મૂર્તિપૂજાની વિશેષતા છે.