આવ્યો શ્રાવણ માસ મનોહર

Pavitra Shravan Maas (પવિત્ર શ્રાવણ માસ)

c669ff1c 2740 45e8 8d59 a44c38aa4209

          
ચાતુર્માસ એટલે અષાઢ મહિનાના શુક્લ પક્ષની નિયમ એકાદશીથી આરંભીને કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પ્રબોધની એકાદશી પર્યંતના જે ચાર માસ તેને ચાતુર્માસ કહેવાય છે. આ ચાતુર્માસના જે ચાર મહિના છે એ સત્વગુણી છે. અને ઉનાળાના ચાર મહિના તમોગુણી છે, તથા શિયાળાના ચાર મહિના રજોગુણી છે. અને વળી ચાતુર્માસના ચાર મહિનામાં દેવતાઓ પણ તપ કરે છે. આપણા ઇષ્ટદેવ નીલકંઠ વર્ણીએ પણ પુલહાશ્રમમાં જઇને ચાતુર્માસના ચાર મહિના સુધી તપ કરેલું હતું. માટે આ ચાતુર્માસ સત્વગુણી અને તપોમય છે. તેથી ભક્તજનો હોય તેમણે નિયમ તો હમેશાં ધારણ કરવો, પણ ચાતુર્માસમાં હમેશના કરતાં કાંઇક વિશેષ નિયમ ધારણ કરવો. ચાર માસ પર્યંત વિશેષ નિયમ ધારણ કરવાને માટે જે અસમર્થ હોય, તેમણે એક શ્રાવણ માસમાં વિશેષ નિયમ ધારણ કરવો. અને જો ચાતુર્માસની અંદર કોઇપણ વિશેષ નિયમ અથવા તો વ્રત ધારણ કરતો નથી, અને ચાતુર્માસને વ્યર્થ જવા દે છે, તો એ પુષને આખા વર્ષમાં થયેલું પાપ લાગે છે. માટે ચાતુર્માસમાં ચારે માસ અથવા તો એક માસ અવશ્ય વિશેષ નિયમ ધારણ કરવો, આવો અભિપ્રાય છે. ।।૭૬।।

          
અને વિશેષ નિયમો ક્યા ? તો કહે છે કે- ભગવાનની કથાનું શ્રવણ કરવું, તથા ભગવાનની કથા વાંચવી, તથા ભગવાનના ગુણોનું કીર્તન કરવું, તથા ભગવાનની મહાપૂજા કરવી, તથા ભગવાનના મંત્રનો જપ કરવો, તથા સ્તોત્રનો પાઠ કરવો, તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી, અને ભગવાનને સાષ્ટાઙ્ગ નમસ્કાર કરવા. આ જે આઠ પ્રકારના નિયમો છે, એ અમોએ ઉત્તમ માનેલા છે. માટે આ નિયમમાંથી કોઇ એક નિયમ ચાતુર્માસમાં વિશેષપણે ભક્તિએ કરીને ધારણ કરવો.


(૧) ભગવાનના ભક્તોએ વાંચવા માંડેલી શ્રીમદ્ભાગવત આદિક પુરાણોની કથા પ્રતિદિન નિયમ વડે અને વિધિપૂર્વક સાંભળવી.

(૨) કોઇ સાંભળનારા હોય તો તેની આગળ પ્રતિદિન નિયમ વડે વાંચવી, અથવા ભગવાનની સમીપે બેસીને પારાયણ કરવી.

(૩) પ્રાકૃત ભાષામાં રચાયેલાં ભગવાનનાં ચરિત્રો કે ગુણોનું પ્રતિદિન નિયમ વડે કીર્તન કરવું.

(૪) પંચામૃત સ્નાને કરીને મહાભિષેક, મહાનૈવેદ્ય, મહાઆરતી, તેણે સહિત ભગવાનની મહાપૂજા પ્રતિદિન નિયમ વડે કરવી.

(૫) સર્વે મંત્રોનો રાજા જે ભગવાનનો અષ્ટાક્ષર મંત્ર તેનો જપ યથાવિધિ, યથાશક્તિ અને નિયમપૂર્વક પ્રતિદિન કરવો.

(૬) વિષ્ણુસહસ્રનામ, જનમંગલ સ્તોત્ર, સર્વમંગલ સ્તોત્ર આદિક સ્તોત્રનો પાઠ વિધિ પ્રમાણે અને સંખ્યાને અનુસારે પ્રતિદિન નિયમપૂર્વક કરવો.

(૭) તેવી જ રીતે ૧૦૮ આદિકના નિયમવડે ભગવાનને પ્રદક્ષિણાઓ પ્રતિદિન કરવી.

(૮) અને ભગવાનને સાષ્ટાઙ્ગ પ્રણામ પ્રતિદિન નિયમપૂર્વક કરવા.

          

શ્રીજીમહારાજ કહે છે કે- આ આઠ નિયમોમાં સાક્ષાત્ ભગવાનનો સંબન્ધ છે, તેથી પોતે ઇચ્છેલા ફળથી પણ અધિક ઉત્કૃષ્ટ ફળને આપનાર છે, માટે આ આઠ નિયમોને અમોએ સર્વશ્રેષ્ઠ માનેલા છે. એ કારણથી આ આઠ નિયમોને મધ્યે કોઇપણ એક નિયમ વિશેષે કરીને અને ભક્તિ વડે એટલે ભગવાનની પ્રસન્નતાને માટે જ ધારણ કરવો, પણ બીજા કોઇ લૌકિક ફળની પ્રાપ્તિને માટે, આ વિશેષ નિયમ ધારણ કરવો નહિ.