Ora Aavo Shyam Snehi – Guj

ઓરા આવો શ્યામ સ્નેહી

ઓરા આવો શ્યામ સ્નેહી, સુંદરવર જોઉં વ્હાલા;
જતન કરીને જીવન મારા, જીવમાંહી પ્રોઉં વ્હાલા…૧
ચિહ્ન અનુપમ અંગોઅંગનાં, સુરતે સંભારું વ્હાલા;
નખશિખ નીરખી નૌતમ મારાં, ઉરમાં ઉતારૂં વ્હાલા…૨
અરુણકમળસમ જુગલ ચરણની, શોભા અતિ સારી વ્હાલા;
ચિંતવન કરવા આતુર અતિ, મનવૃત્તિ મારી વ્હાલા…૩
પ્રથમ તે ચિંતવન કરું, સુંદર સોળે ચિન્હ વ્હાલા;
ઉર્ધ્વરેખા ઓપી રહી, અતિશે નવીન વ્હાલા…૪
અંગૂઠા આંગળી વચ્ચેથી, નીસરીને આવી વ્હાલા;
પાનીની બે કોરે જોતાં, ભક્તને મન ભાવી વ્હાલા…૫
જુગલચરણમાં કહું મનોહર, ચિન્હ તેનાં નામ વ્હાલા;
શુદ્ધ મને કરી સંભારતાં, નાશ પામે કામ વ્હાલા…૬
અષ્ટકોણ ને ઉર્ધ્વરેખા, સ્વસ્તિક જાંબુ જવ વ્હાલા;
વજ્ર અંકુશ કેતુ ને પદ્મ, જમણે પગે નવ વ્હાલા…૭
ત્રિકોણ કળશ ને ગોપદ સુંદર, ધનુષ ને મીન વ્હાલા;
અર્ધચંદ્ર ને વ્યોમ સાત છે, ડાબે પગે ચિહ્ન વ્હાલા…૮
જમણા પગના અંગૂઠાના, નખમાંહી ચિહ્ન વ્હાલા;
તે તો નીરખે જે કોઈ ભક્ત; પ્રીતિએ પ્રવીણ વ્હાલા…૯
એ જ અંગૂઠાની પાસે, તિલ એક નૌતમ ધારું વ્હાલા;
પ્રેમાનંદ કહે નીરખું પ્રીતે, પ્રાણ લઈ વારૂં વ્હાલા…૧૦