H.H. 1008 Shree Acharya Shree Bhagvatprasadji Maharaj

H.H. 1008 Shree Acharya Shree Bhagvatprasadji Maharaj

Birth date : Oct 11th, 1838 (Aso Vad 9 – Samvat 1894 )

Gadi Abhishek : Feb 9th, 1863 (Kartik Sud 15 – Samvat 1913)

Aksharnivas : Aug 12th, 1879 (Shravan Vad 10 – Samvat 1935)

Acharyaship : 17 years

"વંદુ શ્રીભગવત્પ્રસાદ ભગવદભક્તપ્રિયુક્ત: સદા, શાસ્ત્રજ્ઞાન સમર્થ અર્થ સઘળા જાણે જણાવે મુદા;

જેણે ગ્રંથ રચ્યો રુડો અતિ હરીલીલાપ્રદીપાખ્ય છે, શ્રીમદભાગવતોપરી વળી કરી ટીકાન્વયાર્થાખ્ય છે.

ગાંભીર્યાદિ ગુણો ન થાય ગણના સૌજન્યતા શી કહું, કામ ક્રોધ તથા ન લોભ મનમાં સંસાર જાણે સહું;

દેવાચાર્યસમાન શુદ્ધ વચનો મીઠાં મુખે ઉચ્ચરે, વંદૂ શ્રીભગવત્પ્રસાદ પિતરં જેનાથી સ્વેચ્છા સરે.''

(શ્રીહરિલીલામૃત : ૧/૧/૧૭)

સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના નાના ભાઈ શ્રી ઈચ્છારામજી મહારાજના પાંચમા દીકરા અને આદિઆચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના નાનાભાઈ શ્રી બદરીનાથજીના પુત્ર શ્રી ભગવતપ્રસાદજી મહારાજનો જન્મ, માતા શ્રી કમલાદેવીના કુખે સં. ૧૮૯૪ના આસો વદ – અષ્ટમીના પવિત્ર દિવસે થયો હતો. થોડા મોટા થતાં તેમના પિતાશ્રીએ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને શુભ સંસ્કાર યુક્ત શિક્ષા આપવા માટે સુપ્રત કર્યા. પછી શાંત હૃદયવાળા શ્રી બદરીનાથજી અક્ષરધામ નિવાસી થયા.

 

પછી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે શિક્ષાપ્રદાન કરીને સં. ૧૯૦૨માં ઉપનયન સંસ્કાર કર્યો. વિજ્ઞાન અને વિનયથી યુક્ત શ્રી ભગવતપ્રસાદજી મહારાજને જોઈને સં. ૧૯૧૩ના કારતક સુદી પૂર્ણિમાના દિવસથી આરંભીને મહામહોત્સવપૂર્વક ભગવાન શ્રીહરિ સ્થાપિત આચાર્યપદ ઉપર આરુઢ કરીને અભિષેક કર્યો. (શ્રીહરિલીલાકલ્પતરુ તથા શ્રીહરિલીલાપ્રદીપ ગ્રંથમાં; આ દિવસે શ્રી ભગવતપ્રસાદજી મહારાજનો દત્તવિધિ કરવામાં આવેલ છે અને ત્યારબાદ આ મહોત્સવમાં જ કારતક વદ – ૨ ના દિવસે ગાદી-અભિષેક કર્યાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.)

 

આચાર્યવર્ય શ્રી ભગવતપ્રસાદજી મહારાજ પણ આદિઆચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે સુપ્રત કરેલા આચાર્યપદના ગૌરવ-ગરિમાને ધ્યાનમાં રાખીને તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણકમળમાં પ્રીતિ રાખીને તથા પરમહંસ સંતમંડળને આગળ રાખીને સત્સંગમાં ફરીને સંપ્રદાયની સારી રીતે અભિવૃદ્ધિ કરી.

 

આદિઆચાર્ય શ્રી રઘુવીરજી મહારાજનો સંકલ્પ હતો કે, વડોદરા તથા ગોંડલમાં શિખરબધ્ધ મંદિર કરાવી, તેમાં ભગવાન શ્રીહરિની મુર્તિઓ પધરાવીને પ્રતિષ્ઠા કરવી. આ સંકલ્પને આચાર્યવર્ય શ્રી ભગવતપ્રસાદજી મહારાજે વડોદરાના ભક્તજનો અને ગોંડલના રાણી શ્રી મોંઘીબાની પ્રાર્થનાથી પૂર્ણ કર્યો. તેમજ સુરતમાં જૂના મંદિરના સ્થાને સુંદર ત્રણશિખરવાળું અને સુવર્ણ કળશોથી અત્યંત સમલંકૃત નૂતન મંદિર તૈયાર કરાવી તેમાં ભગવાન શ્રીહરિના પ્રસાદીભૂત શ્રી રાધાવિહારી સહિત શ્રી નારાયણમુનિ દેવની સ્થાપના કરી. ભરૂચમાં પણ સુરતની જેમ નયનરમ્ય શિખરબધ્ધ મંદિર કરાવીને તેમાં ભગવન્મુ ર્તિઓની પ્રતિષ્ઠા કરીને ત્યાંના ભક્તસમૂહને આનંદિત કર્યો. વડતાલમાં પણ અક્ષરાધિપતિ અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના લાંબા સમયના નિવાસથી અતિ પવિત્ર હરિમંડપ નામના ભવનનો જીર્ણોદ્ધાર કર્યો તથા અત્યંત સમુન્નત અનેક સ્તંભોથી શોભાયમાન સુંદર ઉપદેશાત્મક કથાવાર્તા-સત્સંગ વ્યાખ્યાન વગેરેમાં વિશાળ ભક્તસમુદાય બેસીને ભગવત્કથાવાર્તા સાંભળી શકે તેવો વિશાળ સભામંડપ કરાવ્યો.

 

આચાર્ય શ્રી ભગવતપ્રસાદજી મહારાજે (૧) શ્રીહરિલીલાકલ્પતરુ રસબોધિની ટીકા (૨) શ્રીહરિલીલાપ્રદીપ (૩) શ્રીમદ ભાગવતની ટીકા ભક્તમનોરંજની (૪) શિક્ષાપત્રી ભાષ્યની ટીકા વગેરે વગેરે સંસ્કૃત-પ્રાકૃત સદગ્રંથોનું સંશોધન કરાવ્યું, લખાવ્યા અને તે ગ્રંથોને છપાવી પ્રસિદ્ધ કર્યા હતાં.

 

આચાર્ય શ્રી ભગવતપ્રસાદજી મહારાજ પોતે નિ:સંતાન હોવાથી ભગવાન શ્રીહરિના નાનાભાઈ શ્રી ઈચ્છારામજી મહારાજના મોટા પુત્ર શ્રી ગોપાળજી અને તેમના પુત્ર શ્રી કૃષ્ણપ્રસાદજીના પુત્ર શ્રી વિહારીલાલજી મહારાજને દત્તકપુત્ર તરીકે સ્વીકારીને શ્રીજીમહારાજ સ્થાપિત આચાર્યપદના ઉત્તરાધિકારી બનાવીને પોતાના સ્થાને સં. ૧૯૩૫ શ્રાવણ વદ – જન્માષ્ટમીના પવિત્ર દિવસે આરુઢ કર્યા હતા.

 

પ.પૂ. આચાર્ય મહારાજશ્રી ૧૭ વર્ષ સુધી વડતાલ દેશ ગાદીના આચાર્યપદ ઉપર બિરાજમાન રહીને સં. ૧૯૩૫ના શ્રાવણ વદી ૧૦ને દિવસે ગુણત્રયાત્મક દેહનો ત્યાગ કરીને અક્ષરધામના સદૈવ નિવાસી થયા હતા.