H.H. 1008 Shree Acharya Shree Raghuvirji Maharaj

H.H. 1008 Shree Acharya Shree Raghuvirji Maharaj

Birth date : May 25th, 1809 (Fagan Vad 4 – Samvat 1868)

Gadi Abhishek :Nov 10th, 1826 (Kartak Sud 11 – Samvat 1882)

Aksharnivas : Feb 18th, 1868 (Maha Sud 2 – Samvat 1919)

Acharyaship : 37 years

જેમને સનાતન ધર્મનું રક્ષણ કરવા પૂવર્ક અનેક મુમુક્ષુજનોના સંસૃતિ સાગર થકી ઉદ્ધારને માટે, સ્વસ્થાપિત સંપ્રદાયના વિકાસ-પ્રવૃત્તિને અર્થે પરબ્રહ્મ પુરુષોત્તનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાની આચાર્ય પદવી ઉપર સૌપ્રથમ બેસાડ્યા છે એવા શ્રી રઘુવીરજી મહારાજ તે શ્રીજીમહારાજના જ ભત્રીજા હતા.

આ આચાર્યવર્યનો જન્મ શ્રીજીમહારાજે બાળપણામાં જ પાવન કરેલા ઉત્તર કોશળ દેશ મધ્યે આંબલિયા ગામમાં માતા – વરિયાળી દેવી અને પિતા ઈચ્છારામજી થકી સં. ના ફાગણ વદી ચોથને દિવસે થયો હતો. (શ્રી રઘુવીરજી મહારાજને ભગવાન શ્રીહરિના સાંપ્રદાયિક – લીલાચરિત્રોના અનેક ગ્રંથોમાં ભગવાન શ્રી રામચંદ્રજીના અવતાર સ્વરૂપે વર્ણવેલા છે.)

સદગુણોથી સેવાતા અને દુર્ગુણોથી પરાભવ નહિ પામતા અને હંમેશા સત્ય બોલનારા એવા આ આચાર્યવર્ય બાલ્યાવસ્થાથી જ પરોપકાર કરવાની વૃત્તિવાળા હોવાથી સર્વજનોને માતાપિતાની માફક પ્રિય બન્યા હતા.

પિતા થકી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞોપવીત સંસ્કાર પામીને થોડા સમયમાં વેદ-વેદાંગમાં પ્રવીણ થયા, વિદ્યાની પેઠે વિનયથી પણ સંપન્ન થયા, યૌવનની શોભાની પેઠે વિવેકની શોભાથી પણ શોભવા લાગ્યા. વિદ્યા, ધન અને પરિવારના ઉત્કષર્પણાની પેઠે સરલ સ્વભાવથી પણ શોભતા એવા આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ મધુર અને કોમળ વાણી તથા શ્રેષ્ઠ ધર્મોના આચરણથી સેવકવર્ગને પણ આકષર્ણ કરતા હતા.

જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે ઘણા સમય સુધી (સં. ૧૮૫૮ થી ૮૨ = ૨૪ વર્ષ) ધારણ કરેલી અને ધર્મનું જ રક્ષણ કરનારી, પરોપકાર-પરાયણ આચાર્ય પદવીને યોગ્ય પુરુષમાં અર્પણ કરી પોતાના આનંદમય અક્ષરધામમાં જવાની ઈચ્છા કરી ત્યારે જે ભગવાન શ્રીહરિની દ્રષ્ટિએ ગુણયુક્ત પોતાના મોટાભાઈ અને નાનાભાઈના પુત્રોમાં જ પ્રવેશ કર્યો, જેમાંનાં એક આચાર્યવર્ય શ્રી રઘુવીરજી મહારાજ હતા. અને બીજા શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ હતા. ભગવાન શ્રીહરિએ આ બંનેને પોતાના પુત્રપણે સ્વીકારીને આચાર્ય પદવી પર અભિષેક કર્યો તેમાં આ શ્રી રઘુવીરજી મહારાજને શ્રી લક્ષ્મીનારાયણ દેવથી અલંકૃત દક્ષિણ દેશની ગાદી ઉપર અભિષેક કરીને પોતાના સંપ્રદાયની પ્રવૃત્તિ કરાવવા રૂપ આચાર્ય પદવી (સં.૧૮૮૨ કારતક સુદ – ૧૧ને દિવસ) અર્પણ કરી.

ત્યારબાદ ટૂંકસમયમાં ભગવાન શ્રીહરિ આ લોકમાંથી અંતર્ધાન થયા તે સમયને આરંભીને શ્રીજીમહારાજની આજ્ઞાને વારંવાર સંભારીને સત્પુરુષો (ત્યાગી સંતો) દ્વારા શ્રીજી સ્થાપિત ઉદ્ધવ સંપ્રદાયને ચોતરફ પ્રવર્તાવીને પ્રતિદિન વૃદ્ધિ પમાડવા લાગ્યા અને પ્રતિદિન વૃદ્ધિ પામેલી આચાર્યશ્રીની ગુણ સંપત્તિએ કરીને સર્વજનોને સ્પૃહા કરવા યોગ્ય થયા.

ભગવાન શ્રીહરિના ચરણકમળના આશ્રયવાળા પરમહંસો પણ ઈષ્ટદેવ શ્રીજીમહારાજની આજ્ઞાને સંભારીને તેમના સ્થાને બિરાજતા આચાર્યવર્ય શ્રી રઘુવીરજી મહારાજની આજ્ઞામાં રહીને પ્રથમની પેઠે જ સર્વ મુમુક્ષુઓને અનંત પ્રકારના સદુપદેશથી સારી રીતે બોધ આપતા થકા દેશાંતરમાં વિચરવા લાગ્યા. અને આચાર્યવર્ય પણ, “આ પરમહંસો ભગવાન શ્રીહરિના ચરણકમળના સાક્ષાત સંબંધવાળા – તેમના આશ્રિત છે એમ જાણી તે સર્વને વિષે બહુ પ્રેમ દર્શાવતા થકા સન્માનપૂવર્ક પ્રતિદિન પૂજ્યભાવ રાખતા હતા.”

અને પોતે પણ ગૃહસ્થાશ્રમમાં રહેતા હોવા છતાં સંતોની માફક નિષ્કામભાવથી પોતાનું સમગ્ર જીવન એકમાત્ર શ્રીહરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણાદિ દેવોની સેવામાં જ વ્યતિત કરવાના સદાગ્રહી હતા અને ત્યાગપ્રધાન પરમહંસના ધર્મ પ્રવર્તાવવા તથા સારી વિદ્યાની ઉન્નતિ કરવી તથા શાંતિમાં રહેવું એ આદિક તેઓશ્રીના દિવ્ય ગુણોથી જેઓશ્રી સંતો-પરમહંસોને પણ આદરને પાત્ર બન્યા હતા.

આ આચાર્યશ્રીનો સંતો પ્રત્યેનો આદરભાવ અપુર્વ હતો, જેથી વડતાલમાં એક બિમાર સંતને માટે પોતે રાત્રે ઊઠીને પોતાને જ હાથે, તાવના દર્દીને અનુકુળ આવે તેવો હવેજ યુક્ત બાજરાનો રોટલો બનાવીને જમાડેલો. જેથી શ્રીજીમહારાજ પણ અત્યંત પ્રસન્ન થયા હતા તે ઈતિહાસ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે.

આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને શ્રીજીમહારાજના સ્વરૂપની સર્વોપરિપણાની અનન્ય નિષ્ઠા હતી. તેથી શ્રીજીમહારાજે કેટલીકવાર તેમનું આપત્તિઓથી રક્ષણ પણ કરેલું છે. સંપ્રદાયમાં અમદાવાદ કે વડતાલ વિભાગમાં કોઈપણ ઠેકાણે ક્યારેક વાદી પંડિતોથી ઉપાધિ આવતી ત્યારે સ.ગુ. શ્રી નિત્યાનંદ સ્વામી જેવા સંતોને પછી તે ગમે ત્યાં હોય ત્યાંથી બોલાવીને પણ મોકલતા. આ માટે શ્રીહરિ ચરિત્ર ચિંતામણી ભાગ-૩માં કહેલ છે તે મુજબ અમદાવાદમાં ગોસાઈજીએ કરેલી ઉપાધિને નિવારવા સ.ગુ. શ્રી નિત્યાનંદ સ્વામીને વડોદરાથી તત્કાળ બોલાવીને આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજની પાસે મોકલ્યા હતા, આ જ સાંપ્રદાયિક એકતાનું પ્રતિક આચાર્યશ્રી પોતાના જીવનમાં જણાવે છે.

જે આચાર્યશ્રીએ ભગવાન શ્રીહરિની આજ્ઞાનું અક્ષરશ: પાલન કરતા થકા વડતાલ આદિક મંદિરોમાં સ્વહસ્તે મુર્તિપ્રતિષ્ઠાઓ કરેલી છે. તેમાં સૌપ્રથમ વડતાલમાં શ્રી રણછોડરાય, ગઢપુરમાં સ્મૃતિમંદિરમાં ચરણારવિંદ તથા મુખ્ય મંદિરમાં શ્રીહરિકૃષ્ણ મહારાજ તથા બાજુમાં રેવતી-બળદેવજી તથા શ્રીકૃષ્ણના સ્વરૂપો તેમજ ધોલેરા અને જૂનાગઢમાં પણ શ્રીહરિકૃષ્ણ મહારાજની શ્રીજીમહારાજની પ્રાસાદિક વાસણાદિ વસ્તુઓથી બનાવેલી પંચધાતુની મુર્તિ પધરાવી છે. તેમજ ખંભાતમાં નવું મંદિર કરાવી તેમાં શ્રીજીમહારાજે આપેલા જબરેશ્વર શ્રીહરિકૃષ્ણ મહારાજ આદિ દેવોની પ્રતિષ્ઠા કરી તથા ભરૂચમાં મંદિર કરાવીને રેવતી-બળદેવજી સહિત શ્રીહરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ સ્થાપિત કર્યું તેમજ સુરતમાં મંદિર કરાવીને શ્રીજીમહારાજે આપેલું તેમનું શ્રીનારાયણમુનિ સ્વરૂપ આદિ દેવોની પ્રતિષ્ઠા કરી તેમજ નિમાડ દેશના ધર ગામમાં નારાયણ ભગવાનું સ્વરૂપ તથા બુરાનપુરમાં શ્રીહરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા સાવદામાં શ્રી રાધાકૃષ્ણ દેવ તેમજ સોરઠ દેશના માણાવદર ગામમાં શ્રીહરિકૃષ્ણ મહારાજ વગેરે તથા ઉનામાં શ્રી બાલમુકુંદ ભગવાનની પ્રતિષ્ઠા કરી તેમજ સારંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ સહિત ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર પણ આ આચાર્યશ્રીના સમયમાં જ થયેલું છે. જે જગપ્રસિદ્ધ બનેલું સર્વવિદિત છે.

આ ઉપરોક્ત મંદિરોના પ્રતિષ્ઠા પ્રસંગોમાં શાસ્ત્રોક્ત વૈદિકવિધિ તથા હજારો હજાર બ્રાહ્મણોને જમાડવા, દક્ષિણા આપવી વગેરે શ્રીજી સમકાલીન પ્રમાણે જ કર્યું હતું. આ આચાર્યશ્રીના શાંત અને પવિત્ર સ્વભાવથી સત્સંગની કીર્તિ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામીને દરેક દિશાઓમાં ફેલાયેલી હતી.

આ આચાર્યશ્રીએ શ્રીજીમહારાજે સ્થાપેલ સંપ્રદાયની પુષ્ટિ માટે તેમણે જ ઉચ્ચારેલા વચન (વચ.ગઢડા મધ્ય પ્રકરણ : ૫૮) મુજબ સંપ્રદાયના કેટલાક અતિ મહત્તવના ગ્રંથો પણ રચેલા છે :- જેમાં (૧) શ્રીહરિલાલા કલ્પતરુ ગ્રંથ (આશરે ૩૩ થી ૩૬ હજાર શ્લોકોનો દ્વાદશ સ્કંધાત્મક ભક્તિશાસ્ત્રનો મહાન ગ્રંથ) આ ગ્રંથમાં ભગવાન શ્રીહરિનું ચરિત્ર સર્વોપરિ માહાત્મ્ય સહિત વિસ્તારથી વર્ણવેલું છે. (૨) ભાવપ્રબોધિની નામની સર્વમંગળ સ્તોત્રની વ્યાખ્યા. (૩) ભાવાર્થ પ્રકાશિકા નામની જનમંગલ સ્તોત્રની ટીકા. (૪) શિક્ષાપત્રીનું સંસ્કૃત ભાષ્ય.

આ શાસ્ત્રો દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણનું સ્વરૂપ અને મૂળ અભિપ્રાય સમજવામાં સુગમતા કરી આપેલ છે.

આ પ્રમાણે જેમણે શાસ્ત્ર, મંદિરો અને પોતાના ઉપદેશથી શ્રીજી સ્થાપિત સંપ્રદાયની ઘણા કાળ સુધી વૃદ્ધિ કરીને છેલ્લી અવસ્થામાં પરમાત્માના સ્વરૂપમાં જ પ્રીતિ યુક્ત થઈને બાહ્યવૃતિ નો ત્યાગ કરવા ઈચ્છતા શ્રી રઘુવીરજી મહારાજે પોતાના ભત્રીજા શ્રી ભગવતપ્રસાદજી મહારાજને આચાર્યપદે સ્થાપના કરીને પોતે શ્રીજીમહારાજની આરાધના કરવામાં જ તત્પર થયા અને દેહાવસાન સમયે સર્વ સાધુ-બ્રહ્મચારી આદિકને યોગ્ય ઉપદેશ આપીને તેમજ આચાર્ય શ્રી ભગવતપ્રસાદજી મહારાજને ‘સંપ્રદાયનું પાલન કરવું એ જ જેમાં મુખ્ય ધર્મ છે’ એવા આચાર્યપદને શોભાડનાર પરમધર્મનો ઉપદેશ આપીને સં.૧૯૧૯ના મહા સુદ – ૨ ને દિવસે શ્વાસ વિરામ પામીને શ્રીજીમહારાજની મુર્તિમાં નિમગ્ન થકા ભગવાન શ્રીહરિના અક્ષરધામમાં ગતિ કરેલી છે.’

આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે સંપ્રદાયલક્ષી અનેક કાર્યો કરેલા છે, તેમાં પણ જે સં. ૧૯૧૨માં વડતાલમાં સત્સંગ છાવણીનું આયોજન કરેલું તે તો અતિ અદભૂત જ છે. જેમાં હજારો સંતો અને સત્સંગીઓને એકત્રિત કરી શ્રીમદ સત્સંગિજીવનની કથા તેમજ ભગવાન શ્રીહરિના સાક્ષાત્કારવાળા સંતોની વાતોના સદઉપદેશથી ખૂબજ જ્ઞાનવાર્તાઓનો પ્રવાહ વહાવ્યો હતો અને સત્સંગનો અનેરો રંગ ચઢાવ્યો હતો. આ છાવણીનું વર્ણન તથા જ્ઞાનોપદેશ આ આચાર્યશ્રીએ રચેલા શ્રીહરિલીલા કલ્પતરુ ગ્રંથમાં દ્રષ્ટિગોચર થાય છે.

સ્વામીએ વાત કરી જે રઘુવીરજી મહારાજ પૃથ્વી ઉપર રહ્યા, ત્યાં સુધી દેશકાળાદિકનું બહુ સુખ રહ્યું. કેમ જે, મહારાજ એમને વશ તે જેમ ધારે તેમ કરે. ને હવે તો રઘુવીરજી મહારાજે દેહ ત્યાગ કર્યો છે તે દિવસથી દુ:ખ ચડતું આવે છે. કેમ જે, જેમ મોટી નદીનું પૂર ચડતું આવે છે તેમ દુ:ખ ચડતું આવે છે. તે જુઓને રાજાઓનું કેવું દુ:ખ છે તે ભેંસજાળવાળા ને જોઈવાવાળા જે ગરાસિયા તેનો ન્યાય કર્યો જ નહિ. તેમજ અખોદડવાળો બ્રાહ્મણ ભગવદી તેને મારી નાખ્યો, તેનો પણ અન્યાય કર્યો, એવાં દુ:ખ છે. તે સારુ તો અમે મહારાજને અરજી નાખી છે; જે રઘુવીરજી મહારાજ જેવા બે આચાર્ય કરો ને ગય રાજા જેવો એક રાજા કરો તો બે કરોડ મનુષ્ય પ્રભુ ભજે છે તે દશ કરોડ મનુષ્ય પ્રભુ ભજે, એમ સંકલ્પ કર્યો છે, ત્યારે સર્વે હરિજન બોલ્યા : જે ‘હે મહારાજ ! તમે ધાર્યું છે તે સારું જ થાશે.’

(સ્વામીની વાતો : ૨/૬૩)