Rama Navami (રામનવમી) & Swaminarayan Jayanti (સ્વામિનારાયણ જયંતી)

ગુજરાતી
ભારતીય ઉપખંડના મહત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો. તે સમય હતો બપોરના બાર વાગ્યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રી રામના આ જન્મ દિવસને ઉત્તર થી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાના ભાઈ ભાડું પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું, એક પૂર્ણ પુરુષનું, જીવન વ્યતિત કર્યુ.
રામ નવમી વસંત ઋતુમાં આવતો હિન્દૂ તહેવાર છે, જે ભગવાન રામનો જન્મદિન છે. વિષ્ણુના સાતમા અવતાર તરીકે, તે હિંદુ ધર્મનો મહત્વનો તહેવાર છે.
આ દિવસ ઘણી જગ્યાએ રામકથાના પઠન-પાઠન દ્વારા ઉજવાય છે. લોકો રામમંદિરોમાં પૂજન-અર્ચન, દર્શનાર્થે જાય છે. અથવા ઘરમાં પૂજા-અર્ચના પણ કરે છે. રામની બાલમૂર્તિની સેવા-પૂજા તથા પારણાનાં દર્શન પણ કરાય છે. ઘણાં લોકો આ દિવસ વ્રત-ઉપવાસ પણ કરે છે.
અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામમાં ધર્મદેવ અને ભકિત માતાની કૂખે સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ ૯ને સોમવાર ૩ એપ્રિલ ૧૭૮૧ની રાત્રિએ ૧૦ વાગીને ૧૦ મિનિટે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો. વળી યોગાનુયોગે તે દિવસે રામનવમી પણ હતી. આથી આ દિવસને સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો સ્વામિનારાયણ જયંતી તરીકે પણ ઉજવે છે. તેમનું બાળપણમાં નામ ઘનશ્યામ પાડવામાં આવ્યું. તેમને બે ભાઈઓ હતા, જેમાં મોટાભાઈનું નામ રામપ્રતાપ પાંડે અને નાનાભાઈનું નામ ઇચ્છારામ પાંડે હતું.
તેમણે સાત વર્ષની ઉમરે હિન્દુ ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરી તેમાં પારંગત થયા હતા. અને ગૃહત્યાગ કરી વનમાં અને આખા ભારતનાં તીર્થોમાં આશરે ૧૨૦૦૦ કિ.મી.નું પગપાળા વિચરણ કર્યું અને પીપલાણા મુકામે રામાનંદ સ્વામી પાસેથી વિ.સં ૧૮૫૭ની કારતક સુદ અગિયારસને ૨૮ ઓક્ટોબર ૧૮૦૦ના રોજ તેમણે દીક્ષા લીધી.
રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામી અને નારાયણમુનિ એમ બે નામ પાડયાં. રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી તેમને સોંપી. તેમણે અનુયાયીઓને સ્વામિનારાયણ મંત્ર આપ્યો અને ભગવાન સ્વામિનારાયણ તરીકે પ્રસિદ્ધ થયા. આમ ઉદ્ધવ સંપ્રદાયમાંથી સ્વામિનારાયણ સંપ્રદાય બન્યો.
ભગવાન શ્રી સ્વામિનારાયણે શુદ્ધ ઉપાસના જળવાઈ રહે અને મોક્ષનો માર્ગ અવિરત ચાલુ રહે તે હેતુથી મંદિરોના નિર્માણ કરાવ્યા અને સમગ્ર સંપ્રદાયની વહીવટી સરળતા રહે તે હેતુથી ભારતના કલકતાથી દ્વારકા સુધીના ઉત્તર અને દક્ષિણ વિભાગ કરી અમદાવાદ ઉત્તર વિભાગ શ્રી નરનારાયણ દેવ ગાદી અને વડતાલ દક્ષિણ વિભાગ શ્રીલક્ષ્મીનારાયણ દેવ ગાદીની સ્થાપના કરી.
પોતાના બે ભત્રીજાને દત્તક લઈ શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને અમદાવાદ ગાદીના આચાર્ય તરીકે અને શ્રી રઘુવીરજી મહારાજને વડતાલ ગાદીના આચાર્ય તરીકે નિમણુંક કરી. વડતાલને સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું.
શિક્ષાપત્રી અને દેશવિભાગના લેખની રચના કરી આશ્રિતો માટે વર્તવાના નિયમો આપ્યા. વડતાલ ગાદીની આચાર્ય પરંપરાના નેતૃત્વ હેઠળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ધીરે ધીરે ભારત સહિત દેશ-વિદેશમાં સતત પ્રગતિ કરતો રહ્યો છે.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનુ સર્વોચ્ચ તીથધામ વડતાલ, જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વજીવહિતાવહ ‘શિક્ષાપત્રી’ સ્વહસ્તે લખી અને વડતાલને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય ગાદી સ્થાન બનાવ્યુ. અહી મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે નિજસ્વરૂપ ‘શ્રી હરિકૃષ્ણ મહારાજ’ની સ્થાપના કરી સાથે શ્રી લક્ષ્મીનારાયણદેવ, શ્રી રણછોડરાયજી, શ્રી રાધાકૃષ્ણદેવ, અને શ્રી વાસુદેવનારાયણ સહિત ધર્મપિતા-ભક્તિ માતા ને પધરાવ્યા. દરરોજ હજારો શ્રધ્ધાળુઓ અહી દર્શનાર્થે આવે છે.
વડતાલ દેશ આચાર્ય પરંપરામાં ભગવાન શ્રી સ્વામિનારાયણની સીધીલીટીના સાતમાં વારસદાર વર્તમાન પ.પૂ.ધ.ધુ. શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ બિરાજમાન છે અને તેમના અનુગામી તરીકે પ.પૂ. શ્રી ૧૦૮ ભાવિઆચાર્ય લાલજી શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ છે. જેમના નેતૃત્વ હેઠળ દેશ-વિદેશમાં મંદિર નિર્માણ, કથા-પારાયણો, ઉત્સવ સમૈયા, જેવા ધાર્મિક કાર્યો થાય છે. તેમજ તેમના આજ્ઞા – આશિર્વાદથી અને પૂ. નાના લાલજી શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન અને દોરવણી મુજબ ગામડે ગામડે, દેશ-વિદેશમાં યુવક મંડળો સ્થપાયા છે. જેના દ્વારા યુવાનોના સર્વાંગી વિકાસ સાથે સમાજ કલ્યાણની પ્રવૃતિઓ જેમકે પૂર રાહત કાર્ય, ભુકંપ રાહત કાર્ય, રક્તદાન, ચક્ષુદાન, દેહદાન કેમ્પ, સફાઈ અભિયાન, વૃક્ષારોપણ, વિનામૂલ્યે હોસ્ટેલ સુવિધા, શૈક્ષણીક સહાય, નોટબુક વિતરણ, ધાબળા વિતરણ વગેરે કાર્યો થાય છે.