Vachanamrut Mahima – (વચનામૃત મહિમા)

 

વચનામતૃ એટલે

 

સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ, ૫૦૦ પરમહંસ નંદ સંતો સાથે અપાર કરૂણા કરીને આ પૃથ્વી પર પધાર્યા અને આત્યંતિક કલ્યાણનો માર્ગ નિષ્કંટક કર્યો. સ્વયં પ્રવર્તાવેલી મોક્ષ પ્રણાલિકા યાવચ્ચંદ્રદિવાકરૌ અક્ષુણ્ણ રહે એટલા માટે સત્શાસ્ત્રોની રચના કરીકરાવી. શિક્ષાપત્રી દ્વારા ઐહિકામુષ્મિક સિદ્ધિની બાંહેધરી આપી એટલુ જ નહિ સ્વહસ્તે ઉપાસ્ય સ્વરૂપની સ્થાપના પણ કરી.

 

મુમુક્ષુતાને પાંગરતી રાખવા માટેની અમતૃસંજીવની એટલે “વચનામતૃ”.માયિક ઉપાધિઓમાં જન્માંતરોથી રાચતા મુમુક્ષુ જીવાત્માઓને વચનાનુસાર આષાઢી મેઘની જેમ સ્વયં શ્રી હરિએ આકંઠ તૃપ્ત કર્યા. આ વચનોના મોક્ષમાત્રૈકહેતુથી પ્રબોધિત આ ગ્રંથ મોક્ષરુપ લક્ષ્ય સિદ્ધિ માટેનો શિખરગ્રંથ છે.

 

પૂર્ણપુરુષોત્તમનારાયણે પોતેજ પોતાના પરસ્વરુપની અદ્દભુત ઓળખાણ આ ગ્રંથમાં કરાવી છે. તારામંડળથી સુશોભિત ચંદ્રની જેમ સભાને શોભાવતા શ્રી હરિએ પોતે જ પોતાના સ્વરુપને ઓળખાવતા આ વચનો કહ્યા છે – ” એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિષે પ્રગટ થયા થકા સર્વ જનોના નયન ગોચર વર્તે છે. ને તમારા ઇષ્ટદેવ છે, ને તમારી સેવાને અંગીકાર કરે છે. એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરુપમાં ને અક્ષરધામને વિષે રહ્યા જે ભગવાન તેના સ્વરુપમાં કાંઈપણ ભેદ નથી. એ બે એક જ છે. ”  ” અને એવા જે એ ભગવાન તે જ પોતે દયાએ કરીને જીવોના પરમ કલ્યાણ કરવાને અર્થે હમણા પ્રકટપ્રમાણ થકા તમારી સર્વેની દૃષ્ટિને ગોચર સાક્ષાતપણે વર્તે છે. માટે ગુણાતીત એવું જે અક્ષરધામ તેને વિષે જે મૂર્તિ છે તે જ મૂર્તિ પ્રત્યક્ષ છે એ બેમાં ફેર નથી  ‘‘જે તેજને વિષ મૂર્તિ છે તેજ આ પ્રત્યક્ષ મહારાજ છે, એમ જાણજો. “  “અને તે તેજને વિષે દિવ્યમૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વસુદેવ તે અખંડ વિરાજમાન રહે છે, અને તે જ પોતે દિવ્ય મૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે મનુષ્યાકૃતિએ કરીને પૃથ્વીને વિષે સર્વેજનને નયનગોચર થકા વિચરે છે.”

 

સદ્દગુરુવર્ય શ્રી મુક્તાનંદ સ્વામી, સ.ગુ. ગોપાળાનંદ સ્વામી જેવા અક્ષરમુક્તોની જીજ્ઞાસાઓના નિમિત્તથી વહેલી આ વચનોની અમૃતધારા યુગયુગાંતર સુધી મુમુક્ષુઓના અંતરને ઠારનારી છે. મોહ, માયા અને મૃત્યુના પાશથી મુકાવનાર આ પરબ્રહ્મનું વાઙ્ગમય સ્વરુપ રુપ વચનોનું અમૃત મુમુક્ષુઓ માટે સદા-સર્વદા સેવ્ય છે.

 

વચનામૃત એટલે વચનામૃત. શ્રી સર્વાવતારી શ્રીહરિ કૃપા સરિતાનું સ્થિર થયેલું વાઙ્‌મય સ્વરૂપ. આ કોઈ શબ્દ-શાસ્ત્રીનું શાબ્દિક ગૂંફન નથી કે ન્યાય શાસ્ત્રીના અનુમાન કે વેદાંતીના  વાદ-વિવાદનું  પક્વફળ. આ કોઈ બૌદ્ધિક વ્યાયામ કરીને પ્રતિવાદિ ભયંકર બનેલા પંડિતની પ્રજ્ઞા પ્રતિભા નથી કે, નથી કંદમૂળ ખાઈને જપ, તપ વ્રતના પ્રતાપે આત્મદ્રષ્ટા બનીને અનુભવની આધારશીલા પર બેઠેલા યોગિઓનો અદ્રષ્ટપૂર્વ બૌદ્ધિક ચમત્કાર. અરે ! આ પરમાત્માનો સાક્ષાત્કાર કરનાર પરમહંસોની વાણી પણ નથી આ તો સ્વયં પરબ્રહ્મ પરમાત્માની પરાવાણી છે.

 

અધ્યાત્મ અમૃતની ખાણ સમાન આ વચનામૃત એ અધ્યાત્મ સાહિત્યિક ક્ષીરસાગરના સાર રૂપ ધૃત અમૃત છે. જે વિના મંથને મળ્યું છે. એટલે જ શ્રીજીનું કૃપાવાક્યામૃત છે.

 

વચનામૃતના પાને-પાને જ્ઞાન સરિતાનું સંગીત, ભક્તિની ભિનાશ, જ્ઞાનની ગરીમા અને આત્મા-પરમાત્માની અનુભૂતિ ગુંથાયેલી છે તેના નિયમિત વાંચનથી આત્મા-પરમાત્મા ઉભય તત્ત્વને પ્રત્યક્ષ કરી શકાય છે. આ ગ્રંથના અધ્યયન દરમ્યાન માત્ર કાગળ પર લખેલા અક્ષરો જ નહિ પણ મુમુક્ષુજીવનની વાસ્તવિકતા ચિત્રાત્મક ભાષામાં વાંચવા, જોવા મળે છે અર્થાત્‌ આત્મસ્વરૂપનું હુબહું ચિત્ર નજરે પડે છે. વાસ્તવિકતાની સાથે સાથે વાંચકની જાતને બતાવવાની ચમત્કારિક શક્તિ વચનામૃતોમાં સહજ ભરેલી છે. એટલે આ ગ્રંથને સાધકનો અરીસો કહીએ તો કંઈ ખોટું નહિ. આ ગ્રંથને વાંચતા શીખે એ આત્મા-સ્વને વાંચતા શીખી જશે.