H.H. 1008 Acharya Shree Ajendraprasadji Maharaj

H.H. 1008 Acharya Shree Ajendraprasadji Maharaj

Birth date : Aug 16th 1949 (Shravan Vad 7/8- Samvat 2005)

Acharyaship : May 13th, 1984 – Present

Gadi Abhishek: May 13th, 1984 (Vaishakh Sud 14 – Samvat 2040)

પ.પૂ. ધ.ધુ. આચાર્ય મહારાજશ્રીનો પ્રાદુર્ભાવ :

વિ.સં. ૨૦૦૫ ! ૨૦મા સૈકાની વિદાય અને એકવીસમી સદીના ઉદયનાં દુંદુભિ ! અષાઢી મેઘને પીને ધરતી તૃપ્ત થઈ ગઈ હતી. તેના પેટાળમાં રહેલા રસકસને વલોવીને ખેતરો અને વાડીઓ લીલાછમ બની ગયાં હતા. શ્રાવણનાં સરવડાં તે ઊભા મોલને-જુવારને લીલાછમ બાજરાના છોડને – ઊંટ પણ ન આંબે એવા ઊંચેરા કરવા ધીમી બુંદે વરસી રહ્યાં હતા. સારાંય વિશ્વમાં અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના માટે પ્રગટેલા ભગવાન શ્રીકૃષ્ણચંદ્રજીના પ્રાગટ્યના મહોત્સવની વધામણીનો ઉલ્લાસ હતો અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યપ્રવર પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના હૈયામાં પણ હરખનાં પૂર રેલાયાં હતાં.

 

વિ. સં. ૨૦૦૫ના પવિત્ર શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની સપ્તમીના મંગલકારી દિવસે-મંગળવારે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશની ગાદીના ભાવિ વારસદાર અને ભગવાન શ્રી સ્વામિનારાયણના અપરસ્વરૂપ સમા પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનો પ્રાદુર્ભાવ થયો. સંપ્રદાયને મળ્યા લાલજી મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી.

 

તેમના પ્રાગટ્ય સ્થાને અને દિવસે સંપ્રદાયના વૈભવી વડલા જેવા વડતાલ ગાદીના છઠ્ઠા પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી આનંદપ્રસાદજી મહારાજનું સાક્ષાત ઉપસ્થિત હોવું એ એક અનોખો દિવ્ય સંયોગ જ હતો. ઘોર કળિયુગમાં પણ તેમની અમીદ્રષ્ટિ અને દિવ્ય છાયાથી સુરક્ષિત અને પ્રત્યક્ષ વિહરતી સંપ્રદાયની મેધાનું આજે સૌકોઈ ગૌરવ ધારણ કરી રહ્યું છે.

 

શિક્ષણ અને સંસ્કાર :

 

અયોધ્યામાં જ્યાં બાળપ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજના ચૌલ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે જ હનુમાનગઢી (અયોધ્યા) એ પ.પૂ. આચાર્યજી મહારાજશ્રીના ચૌલ સંસ્કારવિધિ સં. ૨૦૧૦માં કરવામાં હતા. સં. ૨૦૧૯ના વૈશાખ માસમાં પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી દ્વારા પ.પૂ. આચાર્યજી મહારાજશ્રીને ગુરુમંત્ર અને ઉપનયન સંસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા.

સાંપ્રદાયિક પ્રશિક્ષણ – ૧૨ વર્ષની વયે સંપ્રદાયમાં :

 

સત્સંગ વિચરણના શ્રીગણેશ : વિદેશ પ્રવાસ :

 

આ પ્રભાવી બાળક દિવ્ય બ્રહ્મતેજ અને જ્ઞાનથી ઝળહળી ઉઠ્યા અને બાર વર્ષની નાની વયથી જ સત્સંગ કાજે ભાવના સમર્પણ કરવાની ઉત્કંઠા જાગી. આ દરમ્યાન તેઓએ સૌરાષ્ટ્રના મહુવા ક્ષેત્રમાં ૧૭ દિવસનો પ્રવાસ ખેડી સંપ્રદાયની ઉન્નતિ અને સર્વાંગી પ્રભાવના વિસ્તાર કાજે મંગલાચરણ કર્યું. પ્રભાવશાળી બાલ્યાવસ્થા, તેજસ્વી કિશોરાવસ્થા અને લાલજી મહારાજપદની ગરિમાને ચાર ચાંદ લગાવી સંપ્રદાયમાં એક શ્રદ્ધેય નેતૃત્વ પુરૂ પાડી સત્સંગના મહિમાને ગતિ શીલ બનાવ્યો છે. તેજોજ્જવલ પ્રભા અને દિવ્ય જ્ઞાનથી ઝળહળતુ તેમનું સ્વરૂપ સમગ્ર ધર્મના વડાઓના વર્તમાન અભ્યાસથી વધુ પ્રભાવી રહ્યું છે.

 

વડતાલ સાર્ધ શતાબ્દી મહોત્સવ, મુંબઈમાં શ્રી ગોલોકવિહારી મહારાજનો શતાબ્દી પાટોત્સવ, ગોંડલ મંદિરનો શતાબ્દી પાટોત્સવ, ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રાગટ્યનો દ્વિશતાબ્દી મહોત્સવ જેવા સંપ્રદાય માટે યુગ પ્રભાવક ગૌરવરૂપ પ્રસંગોને લાલજી મહારાજશ્રીના પદ પર રહી શોભાવ્યા અને માણ્યા.

 

ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રાગટ્યનો દ્વિશતાબ્દી મહોત્સવના વર્ષમાં પ.પૂ. આચાર્ય મહારાજશ્રીની સાથે સત્સંગ પ્રચારાર્થે સૌપ્રથમવાર લાલજી મહારાજશ્રી પદે આફ્રિકાનો ધર્મપ્રવાસ-યાત્રા કરી હતી.

 

‘બી.એ, એમ.એ અને એલ.એલ.બી’ એમ સાંસારિક સાક્ષરતાના ઊંચા લક્ષ્યાંકો પ્રાપ્ત કરી, ક્ષેત્ર વ્યાપ્ત તમામ ભાષાઓ ઉપર ભારે પ્રભુત્વ અને લાલજી મહારાજના મોભાને છાજે એ રીતે ઘણી નાની વયથી જ સત્સંગીઓના જીવનમાં પ્રાણ ફુંકી તેમના જીવનને સંવારવામાં મહત્વપુર્ણ યોગદાન આપ્યું છે.

શ્રવણ – શી- પિતૃભક્તિ :

 

સતત પ્રવૃત્તિ વચ્ચે પણ સેવાના મર્મને સાદ્યંત પચાવી ચૂકેલા પ.પૂ. આચાર્યજી મહારાજશ્રીએ પૂ. પરદાદા દ્વારા પ્રાપ્ત કરેલ તત્વજ્ઞાન અને ધાર્મિક મહત્ત્વને પિતાશ્રી પાસેથી અનુગૃહિત કરી, પિતૃસેવા અને માતૃસેવાનો ઉચ્ચ આદર્શ પુરો પાડ્યો. ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞાને અનુસરી પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી આનંદપ્રસાદજી મહારાજની અવિરત સેવા કરી, તેમજ પિતાશ્રીના મનને પણ પુલકિત નિર્મળ હૈયે સેવાભાવિ સંતાનરૂપે પરમ સંતોષ આપે તેવો સમર્પિત ભાવે સેવારત રહ્યા તથા માતૃઋણ મુક્તિનો ધર્મ બજાવી તેઓની ઉત્તરક્રિયા શાસ્ત્રનાં સઘળા કર્મકાંડને અનુરૂપ સંપન્ન કરી, એક શ્રવણ જેવા સંતાન બની ૭૭ દિવસમાં પૂ. પિતાશ્રીના અસ્થિ વિસર્જન માટે ૫૭૯ ગામોનો પ્રવાસ કરી પિતૃઋણમાંથી જાણે મુક્તિ પ્રાપ્ત કરી. પૂ. પિતાશ્રીની સ્મૃ તિ માટે વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણાદિ દેવોના સુવર્ણ ધ્વજ દંડનું નિર્માણ કરાવ્યું. આવા ઉદાત્ત પિતૃ-માતૃ ભક્ત પ.પૂ. આચાર્યજી મહારાજશ્રીનું સ્થાન મહાન ગૌરવવંતુ હોય તે અપેક્ષિત છે.

 

દાંપત્ય – માંગલ્ય :

 

બ્રહ્મચર્યાશ્રમ પરિપૂર્ણ કરી ચૂકેલા પ.પૂ આચાર્યજી મહારાજશ્રી પ્રભુતાના પગલાં માંડે એ શુભઘડી પણ આવી પહોંચી. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત, કાશીનરેશના કુલગુરુ તેમજ સંપૂર્ણાનંદ સંસ્કૃત વિદ્યાપીઠ કાશીના પૂર્વકુલપતિ તથા વિદેશોમાં અનેક પ્રસંગોએ ભારત સરકારના પ્રતિનિધિરૂપે સંસ્કૃત અધિવેશનમાં ઝળકી રહેલા વિદ્વાન સારસ્વત પૂ. શ્રી બદ્રિનાથ શુકલજીની દ્વિતીય કન્યા સાથે વિ.સં.૨૦૨૭ના વૈશાખ સુદ -૩ (અક્ષયતૃતીયા) તા. ૮-૫-૧૯૭૦ના મંગલ દિને લગ્ન નિર્ધારવામાં આવ્યા. આ લગ્નોત્સવ શાસ્ત્રોક્ત વિધિપૂવર્ક તેમજ દબદબાપૂવર્ક મોક્ષદાયિનીનગરી કાશી ખાતે પરિપૂર્ણ થયો. વડીલોના આશીર્વાદ સાથે પ.પૂ. આચાર્યજી મહારાજશ્રીના ગૃહસ્થાશ્રમની મંગલયાત્રા આરંભાઈ. હજારો સત્સંગીઓના લાડીલા પ.પૂ. આચાર્યજી મહારાજશ્રીનાં ગુણવંતા-શીલવંતા જીવનસંગિની અને સત્સંગી મહિલાઓનાં ગુરુનું ગૌરવવંતુ સ્થાન દીપાવનાર પ.પૂ. ગાદીવાળા માતૃશ્રીએ આચાર્યકુળમાં લક્ષ્મી સ્વરૂપે પદાર્પણ કર્યું.

 

આ પવિત્ર યુગલનું એકમાત્ર ધર્મપરાયણ પ્રસ્ન્ન દાંપત્ય જીવનના સામાજીક સંબંધથી જોડાયેલ છતાં અલૌકિક સંસારયાત્રાના મેધાવી મહત્ત્વને વધારતા એવા, (૧) પૂ. રમાકુંવરબા(લાલીરાજા), (૨) પ.પૂ. ધર્મકુળ મુગાટમણિ ૧૦૮ શ્રી લાલજી મહારાજશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી, , (૩) પૂ. ઉર્વશીબા (લાલીરાજા), તથા (૪) પૂ. નાનાલાલજી શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજના વાત્સલ્યપૂર્ણ પિતા તરીકે સંપ્રદાયના સત્સંગીઓના પણ આદર્શ પિતાશ્રી બની રહ્યા છે.

પ.પૂ. ધ.ધુ. આચાર્યજી મહારાજશ્રીના ગાદિપટ્ટાભિષેકનો સોનેરી અવસર :

 

વિ.સં. ૨૦૪૦ વૈશાખ સુદ – ૧૪(નૃસિંહ જયંતિ) ને તા. ૧૩ મે ૧૯૮૪ની શુભ સવાર ! સંપ્રદાયના હજારો આશ્રિતો શ્રી સ્વામિનારાયણ મંદિર – વડતાલના પટાંગણમાં પોતાના આધ્યાત્મિક રાહબર અને સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા અનુસાર શ્રી સત્સંગિજીવન અને દેશ-વિભાગના લેખના આદેશ (વિદ્યમાન આચાર્યશ્રી જ અનુગામી આચાર્યશ્રીની નિમણુંક કરી શકે એવી આજ્ઞા) અનુસાર દક્ષિણ વિભાગ વડતાલ દેશના ગુરુસ્થાને વિરાજમાન થનાર પ.પૂ. આચાર્યજી મહારાજશ્રીના દર્શન કરવા ભક્ત સમુદાય ઉભરાયો હતો.

 

સૌપ્રથમ વડતાલ મંદિરના સન્મુખ-પટાંગણમાં શ્રી રામપ્રતાપજી મહારાજના બંગલા સામેના ભાગમાં આચાર્ય શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી દ્વારા શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનો શાસ્ત્રોક્તવિધિ અનુસાર અભિષેક કરવામાં આવ્યો. ત્યારબાદ વડતાલ મંદિરના પાછલા ભાગમાં ગાદીસ્થાનનો ઓટો (આચાર્ય સ્થાપનાનો ઓટો) આવેલ છે જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના દત્તપુત્ર આદિઆચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ તથા શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને આચાર્ય તરીકે સ્થાપન કર્યા હતા. તે પવિત્ર સ્થાનમાં પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીએ પોતાના સ્થાને પદારૂઢ કરવા ઈચ્છેલા પ.પૂ. સમીપવર્તી ભાવિઆચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીને પ્રસાદીના વસ્ત્ર પરિધાન (ધારણ) કરાવ્યા. ત્યારપછી શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજને તથા લાલજી શ્રી નૃગેન્દ્રપ્રસાદજીને પણ ઉત્તરાધિકારી તરીકે નિમણુંક માટે ત્યાં બેસારેલા અને વસ્ત્ર પરિધાન કરાવી તિલક કરેલું. ત્યારબાદ કાશીના વિદ્વાનો અને ગુજરાતના સાંપ્રદાયિક વિદ્વાન ભૂદેવોએ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજનવિધિ કર્યો. ત્યારપછી હરિભક્તોએ હાર-તોરાથી સન્માન કર્યું. ત્યારબાદ ગાદીવાળા મેડે શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા લાલજી શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીએ ઠાકોરજીનું પૂજન કર્યું. ત્યારપછી પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી દ્વારા પ.પૂ. સમીપવર્તી ભાવિઆચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીને પ્રસાદીના ગાદીસ્થાન ઉપર વેદોક્તવિધિથી બેસાડવામાં આવ્યા અને આચાર્ય તરીકેની પાઘ, દુપટ્ટો(ખેસ), છડી, છત્ર, ચામર, રાજચિન્હ વગેરે ધારણ કરાવ્યા. દક્ષિણ વિભાગ વડતાલ દેશના નવસ્થાપના આઠમા આચાર્યશ્રીની પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીએ આરતી ઉતારી ત્યારે સમગ્ર વાતાવરણમાં જયજયકારનો ધ્વનિ જોરશોરથી ગુંજરાવ થવા લાગ્યો.

 

પ.પૂ. આચાર્યજી મહારાજશ્રીના ગાદિઅભિષેકવિધિ પૂર્ણ થયા બાદ વડતાલ સભામંડપમાં સત્સંગ સભામાં નિવૃત્ત થનાર પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીએ ભવિષ્યમાં આચાર્યશ્રીની નિમણુંક પરત્વે કોઈપણ કારણથી તકરાર ઊભી ન થાય તે માટે આશીર્વાદ આપતાં કહ્યું હતું : “…આ લક્ષ્મીનારાયણ દેવની જે ગાદી છે એની મહત્તા એટલા માટે છે : સારાય સંપ્રદાયમાં – સારાય સંપ્રદાયમાં શ્રીજીમહારાજે પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજનું વડતાલમાં પધરાવ્યું છે. અને એમનું જે ગાદીસ્થાન, સ્વામિનારાયણ સંપ્રદાયનું ગાદીસ્થાન એક તીર્થરાજ વડતાલમાં છે. અને એ સ્થાન ઉપર એમના મુર્તિના સાંનિધ્યમાં આજે અજેન્દ્રપ્રસાદજી મહારાજ બિરાજે છે. ભવિષ્યમાં – ભવિષ્યમાં કોઈ અનુગામી આચાર્યની તકરાર ન થાય એટલા માટે ‘ભાવિઆચાર્ય’ લાલજીને મેં પડખે બેસાર્યા છે…”

 

“(આચાર્ય પરંપરામાં શ્રી રઘુવીરજી મહારાજથી આરંભીને આજ સુધીમાં…)…આનંદપ્રસાદજી, નરેન્દ્રપ્રસાદજી આ સ્થાનમાં આવ્યા છે. એની પાછળનો આ વેલો અજેન્દ્રપ્રસાદજી ને પાછળ નૃગેન્દ્રપ્રસાદજી… હવે તમારી સર્વની ફરજ છે કે હું કદાચ જીવતો રહું કે ન રહું પણ જ્યારે ‘ભાવિઆચાર્ય’ તે નૃગેન્દ્રપ્રસાદને બેસારવાનો વારો આવે ત્યારે તમે આજ રીતે કન્ધે-કન્ધો મેળાવીને બેસારજો…લક્ષ્મીનારાયણ દેવની જય…”

 

આઠમા આચાર્ય તરીકે નિયુક્ત થયેલા પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીએ સ્વજન સમાન સત્સંગ સમુદાયને સૌપ્રથમ આશીર્વાદ આપ્યા હતા : “…આજના પ્રસંગે મારી જાતને સૌથી વધારે ધન્યતા અનુભવી અને હર્ષ સાથે જે આનંદ થયો છે, જે હૃદયમાં ઉલ્લાસ છે એ એટલા માટે, પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢડાની અંદર પોતાના બે પુત્રો જે ધર્મકુળની અંદર હતા રામશરણજી મહારાજ અને હરિસહાય, એમને જનોઈ આપેલી અને વરદાન માંગવાની વાત કહેલી, રામશરણજી મહારાજની આઠ વર્ષની ઉમરે એમને વરદાન મળ્યું કે મારા કુળની અંદર કોઈ કુપાત્ર અને અધર્મી ન થાય. એમના વંશની અંદર મારા એવા કોઈ પુણ્યના પ્રતાપ હશે, કર્મના પ્રતાપથી જન્મ થયો અને તેને દિપાવવા, એમની લાજ રાખવા, ભગવાન શ્રી સ્વામિનારાયણે બાંધેલી મર્યાદાને સાચવવાને માટે થઈને આજના દિવસે સમગ્ર સત્સંગીઓ સત્સંગ સમાજે મારા કંધે ભાર મૂકી અને જે તક આપી છે એ તો મારું મહદભાગ્ય છે…”

 

સંપ્રદાયના નેતૃત્વના શ્રી ગણેશ

 

પ.પૂ. આચાર્યજી મહારાજશ્રી એમના આચાર્યપદ ગ્રહણથી આજે ૨૫ વર્ષની તેમની મહાસમર્થ કામગીરીના લેખાંજોખાં તો જીવંત ઈતિહાસ બની ગયા છે. જે જગજાહેર અને હરિભક્તો માટે તો પ્રેરણા પ્રસાદીરૂપે અંકિત છે અને સત્સંગનો બહોળો વિકાસ થયો તે અવર્ણનીય છે. પ.પૂ. આચાર્યજી મહારાજશ્રીના સમર્થ કાર્યકાળ દરમ્યાન ગઢપુરમાં લક્ષ્મીવાડીના દેવોનો શતાબ્દી-સ્મૃતિ મહોત્સવ, સુરતમાં શ્રી નારાયણમુનિ દેવ સાર્ધ શતાબ્દી મહોત્સવ, વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાનો શતામૃત મહોત્સવ – ૧૯૯૯, સુવર્ણ જયંતિ મહોત્સવ (સુરત-ગઢપુર), સરધારમાં ગુરુમંત્ર પ્રાપ્તિ મહોત્સવ – ૧૯૯૬ – ઉદઘાટન મહોત્સવ – ૧૯૯૯ – ભગવાન શ્રીહરિનો દ્વિશતાબ્દી આગમન મહા મહોત્સવ-૨૦૦૨, બગસરામાં શ્રી વચનામૃત શતામૃત મહોત્સવ – ૨૦૦૪, ગઢપુરમાં શ્રી ગઢપુર મહોત્સવ -૨૦૦૬, શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ -૨૦૧૦, સુરતમાં શ્રી સ્વામિનારાયણ મહોત્સવ -૨૦૧૧ અને હાલમાં પ.પૂ. ધ.ધુ. આદિઆચાર્ય શ્રી રઘુવીરજી મહારાજશ્રીના પ્રાગટ્યને જ્યારે ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં હોય ત્યારે; તેઓશ્રી પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવા તેમજ ગુરુઋણમાંથી મુક્ત થવા માટે ‘શ્રીહરિકૃષ્ણ મહારાજ સૂત આદિઆચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ દ્વિશતાબ્દી કૃતાંજલિ મહોત્સવ’ના રંગેચંગે ભવ્યતાથી મહા મહોત્સવ ઉજવ્યો હતો. અને તે પ્રસંગે વિવિધ ધર્મના સર્વોચ્ચ ધર્માચાર્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. વલ્લભાચાર્ય તૃતીય પીઠાધીશ્વર પ.પૂ. ગોસ્વામી ૧૦૮ વૃજેશકુમાર (કાંકરોલી)ના સ્વહસ્તે પ.પૂ. આચાર્યજી મહારાજશ્રીને અર્પણ થયેલ પ્રશસ્તિપત્રનો પ્રસંગ પણ ખૂબ ધન્યતાપૂર્ણ લેખાયો હતો. પ.પૂ. આચાર્યજી મહારાજશ્રીએ પોતાની કર્તવ્યનિષ્ઠા અને સંપ્રદાયની ગરિમાને નિરંતર ઉજ્જવળ બનાવી છે. વળી સંપ્રદાયના આદર્શો તેમજ સિદ્ધાંતોને વળગી રહે તેવા મુમુક્ષુઓ અને અનુયાયીઓને જ દીક્ષા આપવા તેમજ ગુરુમંત્ર આપવાનો આગ્રહ રાખ્યો છે. અને કપરા સમયમાં પણ પોતાના સિદ્ધાંતને વળગી રહી સંપ્રદાયના મહિમાને નુકશાન કરનાર તત્ત્વોનો રોષ વહોરીને પણ તેઓશ્રીએ સંપ્રદાયના અધિષ્ઠાતા સંરક્ષક તરીકેના ગૌરવને વધાર્યું છે, તેમ કૃતજ્ઞતા સભર લખવામાં કશું જ અજુગતું નથી.

 

નૂતન મંદિર નિર્માણ, જીર્ણ થયેલા મંદિરોનો જીર્ણોધ્ધાર અને મુર્તિ પ્રતિષ્ઠા :

 

ભગવાન શ્રી સ્વામિનારાયણ વચ.ગ.મ.પ્ર. ૨૭માં કહે છે : અમે વિચારીને જોયું જે, જે અતિશય ત્યાગ રાખે અથવા દયા રાખે તેથી ભગવાનની ભક્તિ થાય નહિ ત્યારે ઉપાસનાનો ભંગ થાય છે અને પૂર્વે જે જે અતિશય ત્યાગી થયા છે તેના માર્ગમાં ઉપાસનાનો નાશ થઈ ગયો છે. માટે અમે એમ વિચારીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારૂ ત્યાગનો પક્ષ મોળો કરીને ભગવાનનાં મંદિર કરાવ્યાં છે તેમાં જો થોડો ત્યાગ રહેશે તોપણ ઉપાસના રહેશે તો તેણે કરીને ઘણાક જીવનાં કલ્યાણ થશે. અને જેને ભગવાનની ભક્તિ કરવી તેને તો ઢૂંઢિયાની પેઠે દયા રાખ્યે પણ કેમ ઠીક પડે ? એને તો પરમેશ્વરને વાસ્તે પુષ્પ લાવ્યાં જોઈએ, તુલસી લાવ્યા જોઈએ, ભાજી-તરકારી લાવી જોઈએ, ઠાકોરજીને વાસ્તે બાગ-બગીચા કરાવ્યા જોઈએ, મંદિર કરાવ્યાં જોઈએ. માટે જે અતિશય ત્યાગ રાખીને ને અતિશય દયા રાખીને મૂઠી વાળીને બેસી રહે તેણે ભગવાનની ભક્તિ થતી નથી અને જ્યારે ભક્તિએ રહિત થાય ત્યારે ભગવાનની ઉપાસનાનો નાશ થઈ જાય એટલે પછવાડેથી અંધપરંપરા ચાલે. તે સારૂ અમે મંદિર કરાવ્યાં છે તે અખંડ ભગવાનની ઉપાસના રાખ્યા સારૂ કરાવ્યાં છે. ભગવાન શ્રીહરિ શિક્ષાપત્રીના ૬૨માં શ્લોકમાં લખે છે કે :- "आचार्येणैव दत्तं यद्यच्च तेन प्रतिष्ठितम् | कृष्णस्वरूपं तत्सेव्यं वन्द्यमेवेतरत्तु यत् ||" ધર્મવંશી આચાર્યે ભગવાનનું જે સ્વરૂપ પૂજા કરવા આપ્યું હોય અથવા જે મુર્તિની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપ સેવવા યોગ્ય છે. એ સિવાયના બીજા સ્વરૂપ (અર્થાત જે સ્વરૂપ ધર્મવંશી આચાર્યે સેવવા ન આપ્યું હોય અથવા જે સ્વરૂપની પ્રતિષ્ઠા ધર્મવંશી આચાર્યે ન કરી હોય તે સ્વરૂપ) સેવવા યોગ્ય નથી પણ માત્ર વંદના કરવા યોગ્ય છે.

 

(શિક્ષાપત્રી : શ્લોક – ૬૨)

 

ઉપરોક્ત શ્લોક પ્રમાણે પ.પૂ. ધ.ધુ. આચાર્યજી મહારાજશ્રીએ નવનિર્મિત ૩૬૭થી વધારે હરિમંદિરો તથા ૪૦૦થી વધારે હરિમંદિરોનો જીર્ણોદ્ધાર બાદ પ્રાણપ્રતિષ્ઠા કરી. તેમજ વાસદ, કુબેરનગર (સુરત), કલાકુંજ (સુરત), ઘનશ્યામનગર (સુરત), ઉમરેઠ, ઉત્તરસંડા, ધંધુકા, સાવદા, ખોપાળા, બોટાદ, દેવળીયા, દ્વારકા, લોજ વગેરે શહેરોમાં શિખરબધ્ધ મંદિરોમાં ભગવાન શ્રીહરિની પંચધાતુ, કાષ્ટ કે આરસપાણની પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે.

 

‘ભવિષ્યમાં અહીંયા બહુ જ મોટું મંદિર થશે.’ એમ શ્રીજીમહારાજે આશીર્વાદ આપેલ એવી તીર્થભૂમિ સરધારધામમાં પણ બંસીપહાડ પથ્થરમાં શિખરબધ્ધ મંદિર પૂર્ણપ્રાય તૈયાર થઈ રહેલ છે. તેમજ બીજા પણ આ જેવા કેટલાક નાના-મોટા મંદિરો પ.પૂ. આચાર્યજી મહારાજશ્રીની આજ્ઞાથી તૈયાર થયેલ છે. અને એ રીતે નવનિર્માણ કાર્યો થતાં જ રહે છે.

 

સંતદીક્ષા અને ગુરુમંત્ર પ્રદાન :

 

मदाश्रीतानां सर्वेषां धर्मरक्षहेतवे | गुरूत्वे स्थापिताभ्यां च ताभ्यां दीक्ष्या मुमुक्षव: || १२८ ||

 

અને અમારે આશ્રિત જે સર્વે સત્સંગી, તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વેના ગુરુપણાને વિષે અમે સ્થાપન કર્યા એવા જે તે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર, તેમણે મુમુક્ષુજનને દીક્ષા આપવી.

 

(શિક્ષાપત્રી : શ્લોક – ૧૨૮)

 

શ્રીજીમહારાજની ઉપરોક્ત આજ્ઞા પ્રમાણે પ.પૂ. ધ.ધુ. આચાર્ય મહારાજશ્રીએ અને તેઓને ધર્માચરણમાં જ રત રહેવા બાધ્ય કર્યા છે. ઉપરાંત ૨ લાખથી વધારે મુમુક્ષુઓને ગુરુમંત્ર આપી કલ્યાણનો માર્ગ મોકળો કરી ભગવાન શ્રીહરિના શાશ્વત સુખના ભોક્તા કર્યા છે.

 

સત્સંગ વિચરણ :

 

ભગવાન શ્રી સ્વામિનારાયણનો દિવ્ય સંદેશો મુમુક્ષુ જીવાત્માઓ સુધી પહોંચાડવા માટે સંપ્રદાયના ધર્મ પ્રસરણના માર્ગે પ.પૂ. આચાર્યજી મહારાજશ્રીએ ક્યારેય પણ પ્રમાદ સેવ્યો નથી. અને સખત પરિશ્રમ-પૂર્વક પ્રવાસ ખેડીને કુલ ૭૧૨૮ ગામોમાં સંપ્રદાય અને સત્સંગને વિસ્તાર્યો છે. તો ૩૯૮૦ જેટલી ધર્મસભા સંબોધી પોતાના દિવ્ય જ્ઞાન પ્રભાવ દ્વારા સત્સંગી સમાજ યા બિન સત્સંગીસમાજને પ્રેરણારૂપ સંદેશ આપી તેમના જીવનને ઉન્નત બનાવવાનો માર્ગ પ્રબોધવામાં પાછી પાની કરી નથી.

 

પ.પૂ. આચાર્યજી મહારાજશ્રીનો આધ્યાત્મિક સંદેશો શિરોધાર્ય ગણીને તદા આશ્રિત બ્રહ્મનિષ્ઠ સંતો ગુજરાત-ભારતનાં નાના-મોટાં શહેરો, ગામડાંની તેમજ વિદેશની ધર્મયાત્રા ખેડી સત્સંગ છાવણી, બાળ-યુવા મહોત્સવ, કથા-પારાયણો, ઉત્સવ-સમૈયાઓ દ્વારા સત્સંગનું વાતાવરણ સર્જતા રહે છે. પ.પૂ. આચાર્યજી મહારાજશ્રીના નિશ્રામાં આજે સંપ્રદાયના હજારો અનુયાયીઓ કલિકાળના વિપરીત વાતાવરણ વચ્ચેય શિક્ષાપત્રી ચીંધ્યા રાહે પોતાનો જીવનપંથ ઉજાળી પરભવનું ભાથું બાંધી રહ્યા છે. અમેરિકા, યુરોપ, કેનેડા અને આિફ્રકા જેવા દેશોની ભૂમિપર અનેક વખત પ્રવાસ કરી તેમજ સંતોને આજ્ઞા કરી સત્સંગ સમાજની વિવિધ સમસ્યાઓ સમજી ધર્મના ઉત્થાનમાં તેઓએ કરેલા વિશિષ્ટ પ્રયાસોનું ભારે મૂલ્યાંકન છે.

 

ધર્મસંમેલનોમાં, સનાતન હિન્દુ ધર્મના પ્રવર્તક તરીકે :

 

દ્વારકાપીઠના શંકરાચાર્યશ્રીઓ તથા જગન્નાથપુરીના શંકરાચાર્યશ્રીઓ તથા અમદાવાદ, કાંકરોલી, કામવન, વડોદરાના જગદગુરુ શ્રી વૈષ્ણાચાર્યશ્રીઓ તથા તોતાદ્રી – રામાનુજાચાર્યશ્રી તથા સલેમાબાદ (રાજસ્થાન)ના નિમ્બકાચાર્યશ્રી તથા મધ્વાચાર્યશ્રીઓ વગેરે સાથે તેમજ અનેક ધર્માચાર્ય-મહામંડલેશ્વરો સાથે પણ નિકટતાના ઘનિષ્ઠ આત્મીય સંબંધો કેળવી સંપ્રદાયની ગરિમા વધારવામાં મહત્વપુર્ણ કામગીરી કરેલી છે; અને સંપ્રદાય માટે તેઓના હૃદયમાં ઉંચો આદરભાવ પ્રગટાવ્યો છે. જે સંપ્રદાય પ્રત્યે અહોભાવ વ્યક્ત કરે છે.

 

સામાજીક સર્વજીવહિતાવહ સેવાયજ્ઞો :

 

ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રી (શ્લો. ૮૩/૧૩૯) માં કહ્યું છે :

 

सर्वेपि यथाशक्ति भाव्यं दिनेषु वत्सलै: |

रोगार्तस्य मनुष्यस्य यथाशक्ति ग मामकै: ||

 

‘અમારા સર્વે સત્સંગીઓએ દીનજનો પ્રત્યે દયાવાન થવું.’ અને ‘રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવનપર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી.’ એ ‘સર્વજીવ હિતાવહ’ સંદેશ અનુસાર સામાજીક ઉન્નતિમાં પણ યોગદાનથી રાષ્ટ્રની રચનાત્મક પ્રવૃત્તિને વેગવાન બનાવવામાં પણ પ.પૂ. આચાર્યજી મહારાજશ્રીની મહત્વપુર્ણ ભૂમિકા રહી છે. નર્મદા યોજનામાં વિપુલ ધન રાશીનું સમર્પણ, લાતુરના ધરતીકંપમાં ૨૯ દિવસો સુધી સ્વયં હાજર રહી અસરગ્રસ્તોની સર્વપ્રકારે સેવા કરનાર પ.પૂ. આચાર્યજી મહારાજશ્રીએ ખેડા જીલ્લા અને સુરતના ભયંકર પુર હોનારત વખતે પણ તમામ સહાયતાનો ધોધ વર્ષાવ્યો હતો. તેમજ ભૂજમાં સર્જાયેલા વિનાશકારી ધરતીકંપમાં પણ તેઓશ્રીની આજ્ઞાથી રાહત સંબંધી અનેક કાર્યો થયા હતા. આચાર્યજી મહારાજશ્રીએ ૧૪૮ વખત રક્તદાન કરી માનવતા ધર્મને ઉજાળી કંઈકના જીવનને બચાવી લેવામાં પણ સુંદર યોગદાન આપ્યું છે. આમ, સમાજસેવાનો એક આદર્શ પૂરો પાડ્યો છે.

 

પ.પૂ. ધ.ધુ. આચાર્યજી મહારાજશ્રીની આજ્ઞાથી સત્સંગ સાહિત્ય પ્રકાશન :

 

ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે અંતર્ધાન થવા માટે તૈયાર થયા ત્યારે તેઓએ મનમાં ત્રણ ગૂઢ સંકલ્પો કર્યા કે, (૧) મંદિરોની રચના કરી તેમાં મૂર્તિઓ પધરાવું, (૨) મારે સ્થાને શુદ્ધ ગુરૂપંરાપરાની સ્થાપના કરવા ધર્મકુળમાંથી આચાર્ય તરીકે નિમણુંક કરું અને (૩) શાસ્ત્રોની રચના કરું તથા સંતો પાસે રચના કરાવું. આ રીતે સંકલ્પો કરી અને તેને સંપૂર્ણ ચરિતાર્થ કરી ભગવાન શ્રી સ્વામિનારાયણ અંતર્ધાન થયા. સંસ્કૃત ભાષા અને તેમાં રચાયેલા અમર સાહિત્યની રક્ષા અને ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત મૂલ્યોના પ્રચાર-પ્રસાર અને તે દ્વારા સમાજમાં ચારિત્ર્ય ઘડતરની સુવાસને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ.પૂ. આચાર્યજી મહારાજશ્રીઓ દ્વારા પ્રોત્સાહન પ્રાપ્ત થતું રહ્યું છે. વર્તમાન સમયે‚ જ પરંપરાને જીવંત રાખવા માટે પ.પૂ. ધ.ધુ. આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી સંપ્રદાયના બંધારણીય ગ્રંથ એવા શ્રીમદ સત્સંગિજીવન, શિક્ષાપત્રી તેમજ ભગવાન શ્રીહરિની પરાવાણી વચનામૃત, નંદસંતો રચિત ભક્તચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય, વાસુદેવ માહાત્મ્ય, યાજ્ઞવલ્ય સ્મૃ તિ, વિદૂરનીતિ વગેરે સંપ્રદાયના માન્ય ગ્રંથોનું વારંવાર પ્રકાશન થતું રહે છે.

 

સંપ્રદાયના સાચા સિદ્ધાંતો, રીત અને પ્રણાલિકાને સંપૂર્ણ ખ્યાલમાં રાખી, ષડઅંગી સંપ્રદાયના તમામ અંગોને પ્રાધાન્યપણું આપી શ્રીજીમહારાજની સર્વોપરી આજ્ઞા-ઉપાસનાને સારધાર રીતે હજારો ભક્તોના હૃદય સુધી પહોંચે, જીવાત્માનું આખરી અને છેલ્લું લક્ષ પરમાત્માની પ્રાપ્તિ તેજ છે, તેનું સતત અનુસંધાન રહે અને કોઈ રીતે જીવાત્મા પોતાનો સાચો મારગ ભૂલી ન જાય તેની સતત યાદ અપાવે તેવા હેતુથી પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી અનેક સામયિકો પણ પ્રકાશિત કરવામાં આવે છે.

 

આવા મહાપ્રતાપી અને નમ્રતા, નિરાડંબરતા, વિનય-વિવેક, નિ:સ્પૃહીપણું, જ્ઞાનપિપાસા અને ધર્મનિષ્ઠતાથી સભર ધર્મધુરંધર, સનાતન ધર્મમાર્તંડ, સદ્ધર્મ પ્રવર્તક, સદ્ધર્મનિષ્ઠ, ધર્મ પ્રપોષક, આચાર્ય ચૂડામણી, આચાર્યપ્રવર, સત્સંગ શિરોમણી, સત્સંગ ભૂષણ, ધર્માબ્જ ભાસ્કર, શ્રીહરિના અપરસ્વરૂપ સમા પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ધર્મના ઉત્થાનમાં સદાકાળ પ્રવૃત્ત રહે તેવી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણકમળમાં પ્રાર્થના સહ, તેઓશ્રીના શ્રીચરણોમાં કોટિ કોટિ વંદન.