H.H. 1008 Shree Acharya Shree Viharilalji Maharaj

H.H. 1008 Shree Acharya Shree Viharilalji Maharaj

Birth date : Apr 19th, 1852 (Chaitra Amas – Samvat 1908)

n

Gadi Abhishek : Aug 12th, 1879 (Shravan Vad 8 – Samvat 1935)

n

Aksharnivas : Sept 27th, 1899 (Bhadarva Sud 8 – Samvat 1955)

n

Acharyaship : 20 years

n

ઉત્તરભારતમાં ઉત્તરપ્રદેશ રાજ્ય, જ્યાં ગંગા-યમુનાના નિર્મળ નીરથી પવિત્ર બનેલી ધરા ઉપર અનેક અવતારો-મહાપુરુષોના જન્મ (પ્રાદુર્ભાવ) થયા છે. એ જ સરવાર દેશના દુબોલી નામે ગામમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ વડતાલ દેશના તૃતીય આચાર્યપ્રવર શ્રી વિહારીલાલજી મહારાજનો જન્મ સં. ૧૯૦૮ના ચૈત્ર વદ – ૩૦ના શુભ દિવસે થયો હતો. પિતાનું નામ કૃષ્ણપ્રસાદજી અને માતાનું નામ ચતુરાશીદેવી હતું. આ સમકાલીનમાં આ પૃથ્વી ઉપર આદિઆચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, આદિઆચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ તેમજ સ.ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામી, સ.ગુ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી આદિક મહાન સત્પુરુષો જે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આધારસ્તંભરૂપ હતા તેમની હજુ ઉપસ્થિતિ હતી. તેઓ સર્વે આ આચાર્યશ્રીનો જન્મ થયાના સમાચાર સાંભળીને ભગવાન શ્રીહરિના પ્રતાપથી ‘ભાવિ’ અર્થના વિજ્ઞાતાઓ હોવાથી ઘણા જ પ્રસન્ન થયા હતા. કારણ કે, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિને વધારે સુદ્રઢ અને સક્ષમ બનાવવા જ તેઓનો જન્મ થયો હતો.

n n

બાળપણના થોડા જ વર્ષો વતનમાં રહી પિતા થકી જાત-કર્માદિ સંસ્કારો પ્રાપ્ત કર્યા. ત્યાંથી ગુજરાતમાં વડતાલ આવીને રહ્યા. આઠમે વર્ષે યજ્ઞોપવીત સંસ્કાર પ્રાપ્ત કર્યો તેમજ વેદવિદ્વાન વિપ્રવર્ય વિષ્ણુરામ પાસે વેદનો કેટલોક અભ્યાસ કર્યો તેમજ આદિઆચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પાસેથી ગુરુમંત્રરૂપ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી, ઉમરેઠના મહાન પંડિતવર્ય ભોળાનાથ તથા શાસ્ત્રી માધવદાસ પાસે વ્યાકરણ-કાવ્ય-પુરાણ-ધર્મશાસ્ત્ર-વેદાંત વગેરેનો ઘણો જ ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો. ત્યારબાદ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ તથા સદગુરુઓ તથા સમગ્ર ગૃહસ્થ ભક્તોને પોતાના જે વિવેક-વિનય-શ્રદ્ધા-સદ્ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ- સત્સેવા આદિક ગુણોથી સ્વલ્પ સમયમાં જ સર્વેના અંતરને પોતાને વિષે આકર્ષિત કરી સૌના હૃદય જીતી લીધા.

n n

પોતાના પિતાશ્રી કૃષ્ણપ્રસાદજી અક્ષરવાસી થયા બાદ પિતામહ શ્રી ગોપાળજી મહારાજે વિવાહ સંસ્કાર કરાવ્યો, ત્યારબાદ તેઓ તત્કાલીન આચાર્ય શ્રી ભગવતપ્રસાદજી મહારાજ પાસે અખંડ રહેતા. તેઓશ્રીને પણ પોતાના સદગુણો દ્વારા અતિ પ્રસન્ન કર્યા. સમય જતાં તેમને વિષે ભગવાન શ્રી સ્વામિનારાયણે શ્રીમદ સત્સંગિજીવનમાં કહેલા, આચાર્યપદને અલંકાર કરનારા સમગ્ર સદગુણો જોઈને આચાર્ય શ્રી ભગવતપ્રસાદજી મહારાજે વિ. સં. ૧૯૩૫ના શ્રાવણ વદ – ૮(જન્માષ્ટમી)ના પવિત્ર દિવસે મહોત્સવ કરી દત્તપુત્ર તરીકે સ્વીકારી આચાર્યપદે અભિષેક કરીને જાણે કે સર્વ ઉપાધિ થકી રહિત થઈને ત્રીજે જ દિવસે દશમીના દિને આચાર્ય શ્રી ભગવતપ્રસાદજી મહારાજ અક્ષરનિવાસી થયા.

n n

હવે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગની આચાર્ય પરંપરાના તૃતીય આચાર્ય પ.પૂ. શ્રી વિહારીલાલજી મહારાજશ્રી હતા. તેઓશ્રી સમગ્ર ત્યાગી-ગૃહીના ગુરુવર્ય બન્યા. સાચા ગુરુનું એ કર્તવ્ય હોય છે કે પોતાના શિષ્યોને મોક્ષમાર્ગમાં નિષ્કંટક બનાવી ભગવાન શ્રીહરિના હાથમાં તેમનો હાથ સોંપવો તે ગુરુજનોનું પરમ કર્તવ્ય હોય છે. ખરેખર પ.પૂ. ધ.ધુ. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજશ્રીએ આ કર્તવ્યને પોતાના જીવનનું પરમ લક્ષ્યાંક બનાવી સતત વિચાર અને વિચરણ, કહેણી અને રહેણી એક બનાવી તેઓશ્રી નિષ્ઠાપૂર્વક ‘આચાર્યપદ’નું વહન કરતા રહ્યા.

n n

ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આચાર્યશ્રીના ધર્મોમાં આચાર્યશ્રીને આજ્ઞા આપતા કહ્યું છે : ‘संस्थाप्य विप्रं विद्वांसं पाठशालां विधाप्य च | प्रवर्तनीया सदविद्या भुवि यत्सुकृतं महत ||’ – ‘અને વિદ્યાર્થી ભણાવ્યાની શાળા કરાવીને પછી તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્વીને વિષે સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરાવવી; કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે.’

n

(શિક્ષાપત્રી – શ્લોક : ૧૩૨)

n

આ આજ્ઞાને શિરોધાર્ય કરી પ.પૂ. ધ.ધુ. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજશ્રીએ સર્વપ્રથમ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ વડતાલમાં પોતાના પૂવર્જો દ્વારા સ્થાપના કરાયેલી સંસ્કૃત પાઠશાળામાં કેટલીક અપૂર્વ સુધારણા કરી. તેમજ જ્યાં શ્રીજીમહારાજે ૨૬ વર્ષ સુધી રહીને અનેકવિધ લીલાઓ કરી છે એવા ગઢપુરધામમાં પણ એક વિદ્વાન વિપ્રને રાખી વેદશાળાની સ્થાપના કરી. તેમાં કેટલાય બ્રાહ્મણ બાળકો, બ્રહ્મચારીઓ તથા સંતોને વેદ-વેદાંગ સહિત સંધ્યાવંદનાદિ નિત્યકર્મનું પણ શિક્ષણ અપાવ્યું. સાથે સાથે જુનાગઢ, વડોદરા વગેરે સ્થાનોમાં વિદ્વાન પંડિતો દ્વારા સંપ્રદાયના સંતોના સંસ્કૃત શિક્ષણ (વિદ્યાધ્યયન) કાર્યને વેગવંતુ બનાવીને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા મહાન વિદ્વાન સંતો તૈયાર કર્યા.

n n

પ.પૂ. ધ.ધુ. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજશ્રીએ પોતે દરેક વિદ્યાઓ ભણી તેમજ સંતોને તૈયાર કર્યા. ત્યારબાદ સંપ્રદાયમાં પોતે ઘણા ગ્રંથોની રચના કરી અને વિદ્વાન સંતો દ્વારા પણ નવા નવા ગ્રંથોની રચના કરાવી. તેઓશ્રીએ સંપ્રદાય શુદ્ધિ, દીક્ષાપદ્ધતિ, ઉન્મત્તગંગા માહાત્મ્ય, શ્રી સત્સંગિજીવન ગ્રંથની સંક્ષિપ્ત ભાવ પ્રબોધિની ટીકા, પ.પૂ. ધ.ધુ. આચાર્ય શ્રી ભગવતપ્રસાદજી મહારાજશ્રી વિરચિત શ્રીહરિલીલાપ્રદીપની ટીકા વગેરે સંસ્કૃત ગ્રંથો તથા શ્રી ભગવદગીતાની સરળ ગુજરાતી ટીકા, કીર્તન કૌસ્તુભમાળા, આચાર્યોદય વગેરે ગુજરાતી ગ્રંથો બનાવ્યા. તેમજ ઘણા જુના શાસ્ત્રો જેવા કે, પ.પૂ. ધ.ધુ. આચાર્ય શ્રી ભગવતપ્રસાદજી મહારાજશ્રી વિરચિત શ્રીમદ ભાગવતની ભક્તમનોરંજની ટીકા છપાવી, વચનામૃત, શિક્ષાપત્રી, કીર્તનો વગેરે સંસ્કૃત-પ્રાકૃત સદગ્રંથોનું સંશોધન કરાવ્યું, લખાવ્યા અને તે ગ્રંથોને છપાવી પ્રસિધ્ધ કર્યા હતાં.

n n

શ્રીજીમહારાજના ગ્રંથ નિર્માણના સંકલ્પને પ.પૂ. ધ.ધુ. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજશ્રીએ ઉત્તેજન આપ્યું કારણ કે તેઓશ્રી ‘શ્રીહરિલીલામૃત’ ગ્રંથમાં લખે છે :

n

‘આચાર્ય જે જે પૂર્વે થઈ ગયા. તે ગ્રંથ તેના મતના રચી ગયા; જેનાથી ગ્રંથો વધતા રચાય છે, આચાર્ય તો ઉત્તમ તે ગણાય છે.

n

આ લોકમાં ઉંચી ઘણી ઈમારતો, સારી રચે છે બહુ સાહુકાર તો; સદગ્રંથ મોટા નિજ સંપ્રદાયના, આચાર્ય સાધારણથી રચાય ના.

n

હીરાતણું મૂલ ઝવેરી જાણશે, બીજા જનો કંકર તે પ્રમાણશે; ગ્રંથોનું માહાત્મ્ય પુરું પ્રવીણને, તે તુચ્છ લાગે જન બુદ્ધિહીણને.

n

પુષ્ટિ વધે ગ્રંથથી સંપ્રદાયની, છે એ જ રીતિ જગમાં સદાયની; જે પંથના ગ્રંથ નહીં પ્રકાસશે, ભફફાકિયા પંથ સમાન ભાસશે.’

n

(શ્રીહરિલીલામૃત : ૧/૨/૬૩-૬૬)

n

આ વાતથી તેઓશ્રી સંપૂર્ણ વાકેફ હતા, તેથી જ છેલ્લે શ્રીહરિલીલામૃત ગ્રંથની રચના કરી. જેમાં ઘણી જાત-મહેનત ઉઠાવી સંપ્રદાયના દરેક ગામોમાં જઈ વૃદ્ધ સંતો તથા હરિભક્તો પાસેથી ભગવાન શ્રી સ્વામિનારાયણની લીલાઓને સાંભળી, તે દરેક લીલાઓનું વર્ણન સવિસ્તાર આલેખન કર્યું અને તે કથાઓની પદ્યરચનાઓનું શુદ્ધિકરણ કવીશ્વર દલપતરામ દ્વારા કાવ્યમાં ગુંથન કરાવી ‘શ્રીહરિલીલામૃત’ ગ્રંથ રચાવ્યો. જે ગ્રંથમાં ૬૯ જેટલા જુદા જુદા રાગ-રાગિણીનો સમન્વય કરી ગુજરાતી સાહિત્યમાં પદ્ય વિભાગમાં શિરમોડ સ્થાન નિ:સંકોચ આપી શકાય અને તેમાં કોઈ અતિશયોક્તિ પણ ન કહેવાય તેવો ગ્રંથ છે. ખરેખર તો આજે આ ગ્રંથ સમગ્ર સંપ્રદાયમાં આધારભૂત, પ્રમાણભૂત તેમજ ઘણો જ લોકપ્રિય બની આદરભાવને પામેલો છે. પ.પૂ. ધ.ધુ. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજશ્રીએ આ ગ્રંથની સમગ્ર સંપ્રદાયને ભેટ આપીને સંપ્રદાયના તમામ આશ્રિતોને હંમેશને માટે ઋણી બનાવ્યા છે.

n n

પ.પૂ. ધ.ધુ. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજશ્રીએ સંપ્રદાયમાં જાહેરમાં કથા-પારાયણો પણ પ્રવર્તાવી છે. શ્રીમદ સત્સંગિજીવનની ઘણી પારાયણો વિદ્વાન સંતો દ્વારા કરાવી પોતે પણ તે કથાઓમાં હાજરી આપી કથામૃતનું રસપાન કરતા. કારણ કે તેઓ જાણતા હતા કે શાસ્ત્રોનું શ્રવણ-અધ્યયન કરવાથી સદબુદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.

n n

આમ, પ.પૂ. ધ.ધુ. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજશ્રીએ શાસ્ત્રોના કાર્યને સંપ્રદાયમાં વેગવંતુ બનાવ્યું. સંપ્રદાયમાં મંદિરોનું નિર્માણાદિ કાર્ય પણ એટલું જ વેગવાન બનાવ્યું હતું. જૂનાગઢ મંદિર ઉપર કળશ ચઢાવ્યા, ધોલેરામાં પ્રસાદિની જગ્યા ઉપર ચરણારર્વિંદ પધરાવ્યા, સુરતમાં શ્રી ધર્મ-ભક્તિ સહિત શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરી, ભરુચમાં શ્રી ધર્મ-ભક્તિ સાથે શ્રી વાસુદેવની પ્રતિષ્ઠા કરી તેમજ ગઢપુરમાં શ્રી લક્ષ્મીવાડીએ શ્રીજીમહારાજના પંચભૌતિક દેહના અગ્નિસંસ્કાર સ્થાન ઉપર થયેલા સુશોભિત મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ – શ્રી ઈચ્છારામજી મહારાજ – શ્રી રઘુવીરજી મહારાજની મુર્તિઓની પ્રતિષ્ઠા કરીને અભૂતપૂર્વ અવર્ણનીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો હતો. આ રીતે અનેક સ્થળોએ દેવસ્થાનોના મંદિરો કરી તેમાં મુર્તિઓની સ્થાપના કરી મુમુક્ષુ જીવાત્માઓના આત્યંતિક કલ્યાણ માટે ભગવાન શ્રીહરિનો સંકલ્પ ‘कारयित्वा मन्दिराणि तत्र स्वप्रतिमा अहम् | स्थापयेय ततस्ताश्च सेविष्यन्ते हि मानवा: ||’ – મહા મંદિરો કરાવીને, તેમાં મારી અર્ચામૂર્તિઓ સ્થાપન કરું. પછી સર્વ કોઈ મનુષ્યો સ્વધર્મનાં પાલનપૂર્વક તે પ્રતિમાઓની સેવા કરવાથી ભક્તિ વૃદ્ધિ પામતાં શ્રેયને પામશે. (શ્રી સત્સંગિજીવન : ૪/૨૪/૧૦) આ મંદિર નિર્માણના સંકલ્પને ઉત્તેજન આપ્યું. વડતાલમાં પિતામહ શ્રી રઘુવીરજી મહારાજ અને પિતાશ્રી ભગવત્પ્રસાદજી મહારાજના દેહોત્તર સંસ્કાર સ્થાન ઉપર તેઓશ્રીના સ્મરણાર્થે સુશોભિત સ્મૃતિ મંદિર કરાવ્યું.

n n

ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રી(શ્લો. ૮૩/૧૩૯)માં કહ્યું છે : ‘सर्वैरपि यथासक्ति भाव्यं दीनेषु वत्सलै:’ ‘रोगार्तस्य मनुष्यस्य तथाशक्ति च मामकै:’ ‘અમારા સર્વે સત્સંગીઓએ દીનજનો પ્રત્યે દયાવાન થવું.’ અને ‘રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવનપર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી.’ એ ‘સર્વજીવ હિતાવહ’ સંદેશ લક્ષમાં રાખીને સમાજના પ્રત્યેક વર્ણના સુસ્વાસ્થ્ય માટે તથા પછાત (ગરીબ) જનસમુદાયના સ્વાસ્થ્ય-સુરક્ષાની જાગૃતિ માટે સુંદર સગવડતાની સાથે વડતાલમાં હોસ્પીટલ બનાવી. તેમજ સ્ત્રીભક્તોને માટે અલગ વ્યવસ્થાથી એકાંત બેસીને ભજન કરી શકે તે માટે વડતાલમાં શ્રીજીમહારાજની ચરણઅંકિતથી પ્રસાદિભૂત જગ્યા વાસણ સુથારના ઘરે સુંદર અને વિશાળ હવેલીનું નિર્માણ કર્યું. તેમજ ભગવાન શ્રીહરિએ ખોદાવેલ ગોમતી તળાવનું રાજુલાના સુદ્રઢ પથ્થરોથી અદભુત અને કલાત્મક નકશીયુક્ત બાંધકામ કરાવ્યું.

n n

સંપ્રદાયમાં શ્રીહરિના સાક્ષાત સંબંધથી પાવન થયેલી, દિવ્યાનંદ બક્ષતી અને અપ્રાપ્ય બનતી જતી પ્રસાદીભૂત નાનાવિધ દિવ્ય અમૂલ્ય વસ્તુઓનો અપાર મહિમા જાણી તેને એકત્રિત કરવા માટે તેઓશ્રીએ પોતે મહેનત કરી સંકલન કર્યું. નખકેશ – અસ્થિ – ચરણારર્વિંદ- હાર – મુગટ – ઘરેણાઓ – વસ્ત્રો – રજાઇઓ – ચાખડીઓ – વાસણો – કંઠી – માળા – બેરખાઓ – રૂપિયાઓ – લાકડીઓ વિગેરેનું સંકલન કરવામાં ગામડે ગામડે સત્સંગીઓના ઘેર – ઘેર ફરીને પ્રચંડ પુરુષાર્થ કર્યો. આ એકઠી કરેલી દરેક પ્રાસાદિક વસ્તુઓને સુરક્ષિત કરવા વડતાલમાં મંદિરની બાજુમાં જ એક ભવ્ય કલાત્મક અને બે માળવાળું સુશોભિત અક્ષરભુવનનું નિર્માણ કર્યું.

n n

સત્સંગીઓના હૃદયમાં અમીટ છાપ પ્રગટાવતું આ અક્ષરભુવન પ્રત્યેક અનુયાયીઓને ગૌરવ બક્ષે છે. વિશ્વના ઇતિહાસમાં આજ સુધી આટલા વિશાળ પ્રમાણમાં પ્રાસાદિક વસ્તુઓનું સંગ્રહસ્થાન બન્યું હોય તો તે માત્ર ભગવાન શ્રી સ્વામિનારાયણનું જ છે કારણકે, સેંકડો સંતો અને હજારો હરિભક્તો પ્રગટ પુરૂષોત્તમ તરીકે તેમની ઉપાસના ને ભજન કરતા તથા તેમના સંબંધે આનંદ માણતા. એટલે પ્રત્યેક વસ્તુઓ સંગ્રહિત થયેલ છે. પ.પૂ. ધ.ધુ. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજશ્રીની આ સુફલિત સુકૃતિ સર્વકોઈને સંસ્મરણીય અને પ્રશંસનીય થઈ પડી છે.

n n

વીશ વર્ષ જેમણે ‘આચાર્યપદ’ને શોભાવ્યું છે તેવા પ.પૂ. ધ.ધુ. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજશ્રીના જીવનકવન વિષે તથા તેઓશ્રીના સત્કાર્યો વિષે સંપૂર્ણપણે લખવું તે તો આકાશને આંબવા જેવું અશક્ય છે તેમ છતાં એક વિહંગાવલોકનથી તેનો અત્રે સંક્ષેપમાં ઉલ્લેખ કરીએ છીએ.

n n

સં. ૧૯૩૫ શ્રાવણ વદ – ૮ (આઠમ)ના રોજ ગાદિ પટ્ટાભિષેક થયો. સંપ્રદાયની ધર્મધુરા ગ્રહણ કરીને આચાર્યપદે વિરાજમાન થયા.

n n

પદારૂઢ થયા બાદ ગઢપુર, ભાવનગર, નડિયાદ, વડોદરા, રાજકોટ, લોધિકા, માંગણી, સરધાર, ગોંડલ, જૂનાગઢ, ધોલેરા, સુરત, માણેજ, ખંભાત, સારંગપુર, પીઠવડી, મુંબઈ, માણાવદર, લોજ, માંગરોળ, પંચાળા, જેતપુર, ચરોતર, ભરુચ આદિ ગામો તથા તેના વિસ્તારોમાં અનેકવખત સત્સંગ યાત્રાઓ ખેડી સત્સંગને જાગૃત કર્યો. પોતે જૂનાગઢ મંદિરના સુવર્ણ કળશ ચઢાવ્યા, ધોલેરામાં ચરણારવિંદ પધરાવ્યા, ગઢપુર શ્રી લક્ષ્મીવાડીમાં સ્મૃતિમંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણાદિ મુર્તિઓની સ્થાપના-પ્રતિષ્ઠા કરી, તથા વડતાલમાં આચાર્યશ્રીઓના સમાધિસ્થાને સ્મૃતિમંદિરો બનાવ્યા, ભરુચ, સુરત વગેરેના મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો. તથા ગઢડા, વડોદરા, રાજકોટ વગેરે અનેક સ્થાનોએ શ્રીમદ સત્સંગિજીવન ગ્રંથની કથાપારાયણો કરાવી તેમજ નડિયાદમાં તુલસીવિવાહ, જૂનાગઢમાં પુષ્પદોલોત્સવ, રાજકોટમાં મહાહરિયાગ, ગઢપુરમાં હરિજયંતિ તથા શ્રીજીમહારાજ સ્થાપિત પરંપરા મુજબ વડતાલ, ધોલેરા, ગઢડા અને જૂનાગઢના પારંપરિક સમૈયાઓ ધામધૂમથી ઊજવી સત્સંગી ભક્તજનોને અનેરા સુખ આપ્યા.

n n

સં. ૧૯૫૫માં અનાવૃષ્ટિને લીધે લોકો ઉપર દયાવશ થઈ શ્રીજીમહારાજની આજ્ઞાનુસાર ગરીબોને ખૂબજ અન્નાદિક વસ્તુ-પદાર્થ અપાવ્યા. શ્રાવણ માસમાં તેઓશ્રીને અત્યંત બિમારી લાગુ પડતા ભગવાન શ્રીહરિની દિવ્ય મુર્તિમાં સંલગ્ન થઈ સં. ૧૯૫૫ ભાદરવા સુદ – ૮ના રોજ રાત્રિના આઠ વાગ્યે પંચભૌતિક દેહનો ત્યાગ કરી અક્ષરધામના સદૈવ નિવાસી થયા.

n n

સર્વગુણે સંપન્ન અક્ષરધામના મહામુક્તરાજ આચાર્ય શિરોમણી પ.પૂ. ધ.ધુ. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજશ્રીના ગુણોને કલમે કંડારવા તે કાર્ય દુલર્ભ છે. તેઓશ્રી વિદ્યાવિહારી તેમજ વિદ્વાનોને લાડ લડાવનાર હતા. આચાર્યપદને શોભાડનારા સર્વે સદગુણો તેઓશ્રીમાં મુર્તિમાન સ્વરૂપે હતા. જેઓએ આધ્યાત્મિક અનેક શાસ્ત્રોની રચના કરી – કરાવી તેમજ શાસ્ત્રોનું સંશોધન કર્યું – કરાવ્યું અને શાસ્ત્રોનું છાપકામ કરાવ્યું છે તેવા ગ્રંથોનો અમર વારસો સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી અમર રહેશે ને તેઓશ્રીના નામને આ પૃથ્વી ઉપર ગુંજતુ રાખશે. તેઓશ્રીની સિદ્ધાંત સમજાવવાની તેમજ ઉપદેશ આપવાની શિક્ત અદભુત હતી. સ્મરણ શિક્ત પણ પૂજ્યશ્રી પાસે અજોડ હતી. તેઓશ્રીની વાણીની મધુરતા અને પ્રગલ્ભતા સર્વ કોઈને આકષર્ણ કરનારી અલૌકિક હતી. સ્વભાવ તો એવો સુશીલ-સરલ અને મૃદુલ હતો કે ‘જેના વૈરી ઘાવ વખાણે.’ કોઈને કશો ભય જ ન રહેતો, સાથે રહેવામાં જરા પણ કોઈને સંકોચ ન રહેતો. તેઓશ્રીમાં દયાળુતા, ઉદારતા અને નિર્દોષતા વગેરે ગુણો તો ઉદાહરણીય હતા. પૂજ્યશ્રીમાં કોઈપણ પ્રકારની રાગદ્વેષની વૃત્તિજ ન હતી. સદૈવ અદ્રોહવૃત્તિ અને સત્તવપ્રવૃત્તિમાં જ રચ્યા રહેતા. તેઓશ્રીનું જીવન સાદું, સરળ, વિરલ અને સત્સંગપરાયણ જ રહેતું. તેઓશ્રીની ક્ષમાશીલતા પણ અતૂટ હતી. ઘણીવાર અકારણ આક્ષેપો, વિક્ષેપો આવ્યા છતાં ચલિત ન થયા. તેઓશ્રી સાચા સંતો-ભક્તોને પ્રત્યે પૂજ્યભાવ ને આદરભાવ રાખતા હતા. તેઓશ્રી શરીરે સહેજ પુષ્ટ અને મેઘ વર્ણના હતા. સર્વ અવયવે અભિમત અનુરૂપ રમણીય હતા. પૂજ્યશ્રીનું જીવન એક અસાધારણ આદરણીય અને આદર્શરૂપ હતું. તેથી જ તો સત્પુરુષોએ તેઓશ્રી પ્રત્યે ભાવના વ્યક્ત કરતા કહ્યું છે :

n n

‘येनाचार्यपदं निजं प्रथयता ज्ञानाकिभि: स्वैर्गुणौ र्भूयानुद्धवसंप्रदायमहिमा प्रख्यापितो भूतले |

n

विद्याधर्मपथ प्रवर्तनरतं चेतो यदीयं सदा जीयादेष विहारिलाल गुरुराडाचार्य चूडामणि: ||’

n n

“જેમણે પોતાના જ્ઞાનાદિ ગુણોથી પોતાના આચાર્યપદની પ્રસિદ્ધિ કરવા પૂર્વક ભૂતળમાં શ્રી ઉદ્ધવ સંપ્રદાયનો મહિમા અતિશય પ્રસિદ્ધ કર્યો છે. જેમનું ચિત્ત સદાકાળ વિદ્યા અને ધર્મમાર્ગને પ્રવર્તાવવામાં તત્પર છે એવા આ આચાર્ય ચૂડામણી શ્રી વિહારિલાલજી મહારાજ જયકારી પ્રવર્તો.”

n n

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના દક્ષિણ વિભાગ વડતાલ દેશના તૃતીય આચાર્ય ચૂડામણી પ.પૂ. ધ.ધુ. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજશ્રીના જીવનકવનનું દર્શન કરી તથા તેઓશ્રીએ કરેલા શાસ્ત્રોનું રસપાન કરી તેમજ તેઓશ્રીના કરેલા અનેક કીર્તનોને યાદ કરીને એ મહાપુરુષના જીવનમાંથી કંઈને કંઈ સદબોધ ગ્રહણ કરીએ. કારણ કે તેઓશ્રીનું જીવન એવું દિવ્ય અને ભવ્ય હતું કે, સંપ્રદાયના તમામ આબાલ-વૃદ્ધ આશ્રિતો માટે દિવાદાંડી રૂપ હતું.

n n

જેમણે આ પૃથ્વી ઉપર માત્ર ૪૭ વર્ષ રહીને ‘જેમ ધૂપસળી પોતે બળી જઈ અન્યને સુવાસ પ્રદાન કરે છે’ તેમ તેઓશ્રીએ સમગ્ર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક અંગોને સુવાસ પ્રદાન કરી છે. તેમાંય પૂજ્યશ્રીના અંતિમ વીશ વર્ષ – જેઓ આચાર્યપદે વિરાજમાન રહ્યા તે જીવનકાર્ય તો ઘણું અલૌકિક હતું. કારણ કે ભવિષ્યમાં કે વર્તમાનકાળે કોઈને પણ સંપ્રદાયની પુષ્ટિ કેમ થાય ? ભગવાન શ્રી સ્વામિનારાયણના સિદ્ધાંતોને જન જન પ્રત્યે કેમ પહોંચે તે વાતનો માર્ગ બતાવી આપે, તદઉપરાંત પ્રત્યેક જીવાત્માને પોતાનું આત્યંતિક કલ્યાણ કેવી રીતે કરવું તે મોક્ષના માર્ગને નિષ્કંટક બનાવી છેક ભગવાન શ્રીહરિ મહાપ્રભુના શ્રીચરણ સુધી પહોંચવાનો રાહ ચીંધતુ જીવન એટલે… પ.પૂ. ધ.ધુ. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજશ્રીનું જીવનકાર્ય…!!!