Wednesday, 22 November 2017
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Vandu Na Pad – Guj

Vandu Na Pad

વંદુ ના પદ

colorbar

પદ-૧

વંદુ સહજાનંદ રસરુપ, અનુપમ સારને રે લોલ;
જેને ભજતાં છૂટે ફંદ, કરે ભવ પારને રે લોલ.
સમરું પ્રગટ રૂપ સુખધામ, અનુપમ નામને રે લોલ;
જેને ભવબ્રહ્માદિક દેવ, ભજે તજી કામને રે લોલ.
જે હરિ અક્ષરબ્રહ્મ આધાર, કે પાર કોઈ નવ લહે રે લોલ;
જેને શેષ સહસ્ર મુખ ગાય, નિગમ નેતિ કહે રે લોલ.
વર્ણવું સુંદર રૂપ અનુપમ, જુગલ ચરણે નમી રે લોલ;
નખશિખ પ્રેમસખીના નાથ, રહો ઉરમાં રમી રે લોલ.

પદ-૨

આવો મારા મોહન મીઠડા લાલ, કે જોઉં તારી મૂર્તિ રે લોલ;
જતન કરી રાખું રસિયારાજ, વિસારું નહિ ઉરથી રે લોલ;
મન મારૂં મોહ્યુ મોહનલાલ, પાઘલડીની ભાતમાં રે લોલ;
આવો ઓરા છોગલા ખોસું છેલ, ખાંતીલા જોઉ ખાંતમાં રે લોલ.
વહાલા તારું ઝળકે સુંદર ભાલ, તિલક રૂડાં કર્યા રે લોલ;
વહાલા તારા વામ કરણમાં તિલ, તેણે મનડાં હર્યા રે લોલ.
વહાલા તારી ભ્રકુટિને બાણે શ્યામ, કાળજ મારાં કોરિયાં રે લોલ;
નેણે તારે પ્રેમસખીના નાથ, કે ચિત્ત મારાં ચોરિયાં રે લોલ.

પદ-૩

વહાલા મને વશ કીધી વ્રજરાજ, વાલમ તારા વ્હાલમાં રેલોલ;
મન મારું તલપે જોવા કાજ, ટીબકડી છે ગાલમાં રે લોલ.
વહાલા તારી નાસિકા નમણી નાથ, અધરબિંબ લાલ છે રે લોલ;
છેલા મારા પ્રાણ કરું કુરબાન, જોયા જેવી ચાલ છે રે લોલ.
વહાલા તારા દંત દાડમનાં બીજ, ચતુરાઈ ચાવતાં રે લોલ;
વહાલા મારા પ્રાણ હરો છો નાથ, મીઠું મીઠું ગાવતા રે લોલ.
વહાલા તારે હસવે હરાણું ચિત્ત, બીજું હવે નવ ગમે રે લોલ;
મન મારૂં પ્રેમસખીના નાથ, કે તમ કેડે ભમે રે લોલ.

પદ-૪

રસિયા જોઈ રૂપાળી કોટ, રૂડી રેખાવળી રે લોલ;
વહાલા મારું મનડું મળવા ચહાય, કે જાય ચિત્તડું ચળી રે લોલ.
વહાલા તારી જમણી ભુજાને પાસ, રૂડા તિલ ચાર છે રે લોલ;
વહાલા તારા કંઠ વચ્ચે તિલ એક, અનુપમ સાર છે રે લોલ.
વહાલા તારા ઉરમાં વિનગુણ હાર, જોઈ નેણાં ઠરે રે લોલ;
વહાલા તે તો જાણે પ્રેમીજન, જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ.
રસિયા જોઈ તમારૂં રૂપ, રસિક જન ઘેલડા રે લોલ;
આવો વહાલા પ્રેમસખીના નાથ, સુંદરવર છેલડા રે લોલ.

પદ-૫

વહાલા તારી ભુજા જુગલ જગદીશ, જોઈને જાઉં વારણે રે લોલ;
કરનાં લટકાં કરતાં લાલ, આવોને મારે બારણે રે લોલ.
વહાલા તારી આંગળીઓની રેખા, નખમણિ જોઈને રે લોલ;
વહાલા મારા ચિત્તમાં રાખું ચોરી, કહું નહિ કોઈને રે લોલ.
વહાલા તારા ઉરમાં અનુપમ છાપ, જોવાને જીવ આકળો રે લોલ;
વહાલા મારા હૈડે હરખ ન માય, જાણું જે હમણાં મળો રે લોલ.
વહાલા તારું ઉદર અતિ રસરૂપ, શીતળ સદા નાથજી રે લોલ;
આવો ઓરા પ્રેમસખીના પ્રાણ, મળું ભરી બાથજી રે લોલ.

પદ-૬

વહાલા તારી મૂર્તિ અતિ રસરૂપ, રસિક જોઈને જીવે રે લોલ;
વહાલા એ રસના ચાખણહાર, કે છાશ તે નવ પીવે રે લોલ.
વહાલા મારે સુખસંપત તમે શ્યામ, મોહન મનભાવતા રેલોલ;
આવો મારે મંદિર જીવનપ્રાણ, હસીને બોલાવતા રે લોલ.
વહાલા તારૂં રૂપ અનુપમ ગૌર, મૂર્તિ મનમાં ગમે રે લોલ;
વહાલા તારૂં જોબન જોવા કાજ, કે ચિત્ત ચરણે નમે રે લોલ.
આવો મારા રસિયા રાજીવનેણ, મર્મ કરી બોલતા રે લોલ;
આવો વહાલા પ્રેમસખીના સેણ, મંદિર મારે ડોલતા રે લોલ.

પદ-૭

વહાલા તારૂં રૂપ અનુપમ નાથ, ઉદર શોભા ઘણી રે લોલ;
ત્રિવળી જોઉં સુંદર છેલ, આવોને ઓરા અમ ભણી રે લોલ.
વહાલા તારી નાભી નૌતમરૂપ, ઉંડી અતિ ગોળ છે રે લોલ;
કટિલંક જોઈને જાદવરાય, કે મન રંગચોળ છે રે લોલ,
વહાલા તારી જંઘા જુગલની શોભા, મનમાં જોઈ રહું રે લોલ;
વહાલા નિત્ય નીરખું પીંડી ને પાની, કોઈને નવ કહું રે લોલ,
વહાલા તારા ચરણકમળનું ધ્યાન, ધરું અતિ હેતમાં રે લોલ;
આવો વહાલા પ્રેમસખીના નાથ, રાખું મારા ચિત્તમાં રે લોલ.

પદ-૮

વહાલા તારા જુગલ ચરણ રસરૂપ, વખાણું વહાલમાં રે લોલ;
વહાલા અતિ કોમળ અરૂણ રસાળ, ચોરે ચિત્ત ચાલમાં રે લોલ.
વહાલા તારે જમણે અંગુઠે તિલ, કે નખમાં ચિહ્ન છે રે લોલ;
વહાલા છેલી આંગળીએ તિલ એક, જોવાને મન દીન છે રે લોલ,
વહાલા તારા નખની અરૂણતા જોઈ, શશીકળા ક્ષીણ છે રે લોલ;
વહાલા રસચોર ચકોર જે ભક્ત, જોવાને પ્રવીણ છે રે લોલ.
વહાલા તારી ઉર્ધ્વરેખામાં ચિત્ત, રહો કરી વાસને રે લોલ;
માગે પ્રેમસખી કર જોડી, દેજો દાન દાસને રે લોલ.