Sadguru Shree Swayamprakashanand Swami – (સદ્ગુરુ શ્રી સ્વયંપ્રકાશાનંદ સ્વામી)

Gujarati
મહંતાઈની મોટાઈનો મોહ છોડીને મદનમોહનમાં મોહ કરનાર, ગર્વના ગુલામ ન બનીને ગર્વગંજનના ગુલામ બનનાર,પોતાના વૈદુષ્યને નમ્રતાના ગુણ વડે શોભાડી દાસત્વની દાસ્તાન લખી ફનાગીરીથી અધ્યાત્મ અમરપંથના નિત્ય પ્રવાસી બની અઢળક સંપત્તિને તૃણવત ત્યજી ફકીર થનાર સ્વયંપ્રકાશાનંદ સ્વામીનું જીવન પાંચસો પરમહંસોના સોહામણા સંતમંડળમાં તેજસ્વી તારલાની જેમ દેદિપ્યામન થયું હતું
બંગાળ દેશમાં કલકત્તા પાસે આવેલ એક ગામમાં વૈરાગીની મોટી જગ્યાના પોતે સ્વયંમ હંત હતા.બસો વૈરાગીઓ તે આશ્રમમાં રહેતા હતા. એકવાર ત્યાં તીર્થ કરતો કોઈ વૈરાગી આવ્યો ને તે વિવિધ ભાવે વાત કરતો હતો. સૌરાષ્ટ્રમાં એક જીવન મુક્તા પ્રગટ્યા છે. તે પ્રગટ ભગવાન કહેવાય છે તે લોકોને સમાધિ કરાવી ભગવાનના ધામમાં મોકલે છે. તે વાત કરવાના સમયે તે સ્થાને અતિશય તેજ દેખાવા માંડ્યું. મહંતે બહાર આવી જોયું રાત્રીમાં આવો પ્રકાશ ક્યાંથી, પાછા ઓરડામાં આવ્યા ને પ્રથમની જેમ પ્રકાશ દેખ્યો. જ્યાં સુધી વૈરાગી વાર્તાલાપ કરતો હતો ત્યાં
સુધી પ્રકાશનો પૂંજ રહ્યો. મહંતને વિચાર આવ્યોકે જેની વાત કરવામાં ઐશ્વર્યનો અખૂટ સાગર હિલોળા લે છે. તો પછી તેમનામાં કેટલું ઐશ્વર્ય હશે? જરૂર તે ભગવાન હોવા જોઈએ. એમની હૈયાની હરીયાળી ધરતી પર ભક્તિના અંકુરો ફૂટવા લાગ્યા. ને શ્રીહરિનો નિષ્ઠાવંત નિશ્ચય થયો. સાચી મુમુક્ષતા ઉદિત થતા પ્રગટ પ્રભુનાં દર્શનની તાલાવેલી જાગી.
થોડા દિવસ પછી દ્વારકાની યાત્રા કરવાના નિમિત્તે મહંતજી થોડા શિષ્યો ઘોડા, ઊંટને સાથે લઈને ત્યાંથી નીકળ્યા. તીર્થમાં ફરતાં ફરતાં લોજપુરમાં શ્રીહરિ પાસે સદાવ્રત લેવા આવ્યા. શ્રીહરિવરની છબી ચિત્તમાં ચોટતાં મહંતને સમાધિ થઈ ગઈ. સમાધિમાં અક્ષર ધામમાં બિરાજમાન પ્રભુનાં દર્શન થયાં ને શ્રીહરિની સોહામણિ મૂર્તિ સ્મૃતિપટ પર અંકિત થઈ ગઈ. સમાધિમાંથી બહાર આવ્યાને પ્રભુનો દિવ્ય પ્રતાપ જોઈ મહંતજીએ પોતાની ગાદીનાં મહંત પદનું લખાણ, ત્રણ હજાર સોનામહોર, સોનાનીકંઠી, માળા વગેરે ઉતારીને પોતાના નાના ગુરુભાઈને આપી દીધી.
ત્યારબાદ પ્રણામ કરીને નમ્રતા પૂર્વક મહારાજને કહ્યું : “મને તમારા ચરણની સેવા આપી તમારો બનાવો.” શ્રીહરિ કહે, “અમારી આજ્ઞા પ્રમાણે રહેવું પડશે. કનકકામિનીનો ત્યાગ કરવો પડશે.” મહંતજીએ હા પાડી. શ્રી હરિએ તેમને દીક્ષા આપીને સાધુ બનાવ્યાને ‘‘સ્વયંપ્રકાશાનંદ’’ નામ પાડ્યું. તેઓ ઉંમરમાં મહારાજ કરતાં મોટા હતા. તેમને શ્રીહરિભાઈ કહીને સંબોધતા. તેથી સત્સંગમાં ભાઈ સ્વયંપ્રકાશાનંદ તરીકે પણ ઓળખાતા. સ્વયંપ્રકાશાનંદ સ્વામીના મંડળમાં સાઠ સંતો હતા.પોતે વિદ્વાન હતા. તેથી ભણનારા સંતો તેમની પાસે રહેતા.
એધ્યાત્મના ઉચ્ચ શિખરો સર કરી ભગવાનની મૂર્તિમાં મસ્ત બન્યા હતા. વચનામૃતમાં તેમણે પૂછેલા પ્રશ્ન તેમની સાખપુરે છે.તેમના વૈદુષ્યના વધામણા સ્વયં શ્રીહરિ પોતે કરતા. આજીવન પ્રભુની આજ્ઞા શિર સાટે પાળી સતત સત્સંગ વિચરણમાં ચંદનની જેમ પોતાનો દેહ ઘસી નાખનાર સ્વયંપ્રકાશાનંદ સ્વામી સંવત્ ૧૯૬૩ માં દેહત્યાગ કરી અક્ષરધામ વાસી થયા.
પ્રભુનાં દિવ્ય પ્રતાપનો પમરાટ ઠેર ઠેર ફેલાવનાર, પોતાના વૈદુષ્યથી અનેક વિદ્વાનોને પ્રગટ પ્રભુનો નિશ્ચય કરાવનાર તથા ભક્તપતિ ભગવાન જેને ભાઈ સંબોધીને બોલાવતા તેવા સ્વયંપ્રકાશાનંદ સ્વામીના ચરણોમાં કોટિ કોટિ વંદન…