Bhaktraj Shree Somlakhachar – (ભક્તરાજ શ્રી સોમલાખાચર)

Gujarati
‘‘અમારા સ્વભાવને તો મૂળજી બ્રહ્મચારી ને સોમલો ખાચર આદિક હરિજન છે તે કેટલાક વર્ષથી અમારે પાસેને પાસે રહે છે તે જાણે છે’’ શ્રી મુખના વાક્યાનુસાર મન-વાણીથી અગોચર અપ્રાપ્ય વેદવૈદ્ય પરતત્ત્વને ઓળખીને તેની સહજ સ્વભાવિક પ્રકૃતિને ઓળખવા જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરનાર શૂરવીર ભક્તરાજ સોમલા ખાચર બોટાદ ગામના વતની હતા.
લક્ષ્મણે જેમ રામની સેવા કરી તેમ યુવાનીના ઉંમરે પહોંચેલા પંજાબી કદાવર કાયાવાળા આ યુવક સોમલાખાચરે રાજ વૈભવ, ઠાઠમાઠનો ત્યાગ કરી શ્વેત વસ્ત્રો પહેરીને સંપૂર્ણ જીવન શ્રીહરિની સેવામાં સમર્પિત કર્યુ.શ્રીહરિના અંગરક્ષકોમાં અગ્રણી બન્યા અને સર્વમંગલ સ્તોત્રમાં શ્રીહરિના નામ સાથે સ્થાન પામ્યા.ગરૂડગતિએ ચાલતી માણકી પર શ્રીહરિ જ્યારે જ્યારે અશ્વારી કરતા ત્યારે ત્યારે સોમલા ખાચર હાથમાં છત્ર લઈને સેવામાં હાજર રહેતા.
એક કાગળના ઈશારે રાજવીઓને ગૃહત્યાગ કરાવીને ભગવાન શ્રી સ્વામિનારાયણે જ્યારે વિશ્વની આધ્યાત્મિક ત્યાગભાવનામાં વિક્રમ સર્જી બતાવ્યો ત્યારે તેમની આજ્ઞાને શિરે ચડાવીને પોતાની નિઃસ્પૃહ સ્થિતિનો, આજ્ઞાપાલકતાનો પરિચય આપનાર ભક્તોમાં સોમલાખાચરનું પણ એક આગવું નામ છે.
આ સોમલા ખાચરનો રાજવૈભવ ભભકાદાર હતો. પુત્ર પત્ની પરિવાર વગેરે ખૂબ જ પવિત્ર હતા પણ તેણે તેના દ્વારા સુખી જીવન જીવવાના બદલે શ્રીહરિની અગ્નિ પરીક્ષાના પેપરો આપ્યા. ટૂંક સમયમાં નાની માંદગીમાં બન્ને યુવાન, દેવ જેવા રૂપાળા દિકરા પણ નશ્વર દેહ છોડીને અવિનાશીની સેવામાં પહોંચી ગયા. ઘરની જવાબદારી ફરી ગળે વળગી. છતાં સેવા, સત્સંગ સમર્પણમાં અડગ રહ્યા. ગામગરાસની જમીન વેચીને નિત્ય સેવામાં રહેલા. પરિણામે લીલા ચરિત્રોના ગ્રન્થોમાં તેમની અનેક વાતો વાંચવા મળે છે. શૂરવીરતાભર્યા પ્રસંગોમાં તેમના નામનો ખાસ ઉલ્લેખ થયો છે. વચનામૃત ના પાને આ ભક્ત એક આદર્શ તરીકે ઉપસી આવ્યા છે. ધન્ય છે આવા ભક્તને…