Sadguru Shree Nityanand Swami – (સદ્ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી)

Gujarati
સ્વામિનારાયણ સંપ્રદાયમાં વ્યાસનું બિરુદ મેળવનાર સંતવર્ય સદ્ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી પ્રકાંડ પંડિત હતા. તેમની ધીર ગંભીર છતાં બુલંદ શબ્દ છટા વાદિઓનાં મુખ સીવવામાં સફળ થતી. પરિણામે ગાડા ભરીને પુસ્તકો સાથે રાખીને આ સંત વર્યે સંપ્રદાયની સામે ઉભા થતાં દરેક પડકારોને પ્રચંડ તાકાતથી જવાબ આપીને સ્વામિનારાયણ ભગવાનનો કીર્તિ ધ્વજ ફરકાવ્યો છે.
સ્વામીશ્રીનો જન્મ ‘‘દંતિયા’’(લખનૌ)ગામમાં વિષ્ણુ શર્મા વિપ્રના ગૃહમાં માતા વિરજાની કૂખે વિ.સં. ૧૮૪૯ ચૈત્ર સુદ ૯ ના રોજ થયો હતો. બાળપણનું નામ ‘‘દિનમણિ શર્મા’’ હતું. ચંદ્રની જેમ વૃદ્ધિ પામતા દિનમણિ શર્માનો ૮ વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર થયો.
વિશેષ વિદ્યાભ્યાસ માટે કાશી ગયા, સરસ્વતીએ પોતાની સર્વસંપત્તિરૂપ વાણી વિલાસ, અજોડ ભાષાવૈભવ અને રસમાધુર્યનો કળશ દિનમણિ શર્માપર ઢોળ્યો. અવિનાશીના મિલનની અદમ્ય ઝંખનાથી તીર્થાટન માટે નિકળેલા દિનમણિ શર્માને ‘‘ઊંઝામાં સંવત્ ૧૮૬૨’’ માં શ્રીહરિના દર્શન થયા. પૂર્વની પ્રીતિ પ્રગટી. ભાગવતી દીક્ષા ગ્રહણ કરી ‘‘નિત્યાનંદ’’નામ ધારણ કર્યું.
શ્રીહરિએ આગવી પ્રતિભા સંપન્ન આ સંતને સર્વ વિદ્યાવારિધિ બનાવવા માટે નાંદોલના પુરૂષોત્તમ ભટ્ટ પાસે વિશેષ શાસ્ત્રાભ્યાસ કરાવ્યો અને વર આપ્યો ‘‘જગતનો ગમે તેવો મોટો પંડિત આવશે તો પણ તમને જીતી શકશે નહિ. સદા તમારો દિગ્વિજય થશે.’’
શ્રીજી મહારાજ પાસે વરદાન મેળવીને સ્વામી સંપ્રદાયનો દિગ્વિજય કરવા નીકળી પડ્યા. શ્રીનગર, જૂનાગઢ, જામનગર, ગોંડળ, ખંભાત, રાજકોટ, બોટાદ વિગેરે સ્થાનોમાં ભિન્ન ભિન્ન સંપ્રદાયના કહેવાતા અજેય અને પ્રકાંડ પંડિતોને પરાજયનો સ્વાદ ચખાડ્યો.
ઉમરેઠ જેવા અદ્વૈતિઓના અખાડામાં સદ્ગુરૂવર્ય શ્રીમુક્તાનંદ સ્વામીએ રોપેલ સત્સંગ વૃક્ષને વટવૃક્ષની જેમ વિકસાવવાનું શ્રેય નિત્યાનંદ સ્વામીને ફાળે જાય છે.
શાસ્ત્રવ્યાસંગી સંતશ્રી નિત્યાનંદ સ્વામીએ સતત વિચરણ અને શાસ્ત્રાર્થો દ્વારા સંપ્રદાયનો ડંકો વગાડ્યો એટલું જ નહિ ‘‘શ્રીહરિ દિગ્વિજય’’ નામનો અદ્ભૂત ગ્રન્થ પણ લખ્યો છે. શાંડિલ્યસૂત્રનું ભાષ્ય, સત્સંગિજીવનની ટીકા જેવા તેમના ગ્રંથો નોંધપાત્ર છે.
શરીરના છેલ્લા શ્વાસ સુધી સંપ્રદાયની ચિંતા કરનાર આ સંત સ્વેચ્છાએ આચાર્યશ્રી રઘુવીરજી મહારાજને સત્સંગની ભલામણ કરીને સં.૧૯૦૮ માગશર સુદ-૧૧ ના રોજ સિદ્ધાસનવાળી ધ્યાનમાં મગ્ન થયા. સ્વામીનો અંત્યેષ્ટિ સંસ્કાર જ્ઞાન બાગમાં થયો હતો. કોટિ કોટિ વંદન આ સંત પુરૂષને ચરણે…