Bhaktraj Shree Laxmiram – (ભક્તરાજ શ્રી લક્ષ્મીરામ)

Gujarati
લક્ષ્મીરામ ગામ રોહિશાળાના વતની હતા. તેઓ બ્રાહ્મણ હતા. શ્રીજી મહારાજની ખૂબ જ અનન્ય નિષ્ઠા અને સમર્પિત ભાવે તેમની ભક્તિ કરતા. તેઓ દરિદ્ર હતા છતાં પણ દિલ દરિયા જેવું વિશાળ હતું.
ડભાણમાં યજ્ઞ શરૂ થયો.તેથી લક્ષ્મીરામ અને તેના મિત્ર આણંદજી વાણિયાએ યજ્ઞમાં દર્શન કરવા જવાનું નક્કી કર્યું. પરંતુ લક્ષ્મીરામ પાસે કોડીભાર નયો પણ ન હતો. તેથી તેઓ ગામના ભરવાડ હાજો ગમારો પાસે ગયાને કહ્યું કે મારે મહારાજનાં તથા ડભાણના યજ્ઞનાં દર્શન કરવા જવું છે, માટે મને કંઈક મદદ કરો.
ભરવાડે કહ્યુંઃ “મારી પાસે તો કંઈ પણ નથી પણ મારી ઘરવાળીના ચાંદીના બાર રૂપિયાના કડલા છે તે તમને આપું. પછી લક્ષ્મીરામે તે કડલા લઈ આણંદજીને ત્યાં ગીરવે મુકી સાત રૂપિયા લીધા. અને તે સાત રૂપિયાની મૂડી નિષ્કામ ભાવે શ્રીજી મહારાજના ચરણે સમર્પિત કરી દીધી. ત્યારે શ્રીજી મહારાજ તે રૂપિયા હાથમાં લઈ ઉછાળીને કહ્યુંઃ ‘‘આનિ ર્ગુણ દ્રવ્ય આવ્યું હોવાથી ડભાણનો યજ્ઞ પૂરો થઈ જશે.’’
લક્ષ્મીરામ તથા આણંદજી ડભાણમાં યજ્ઞ પૂરો થયા પછી પાછા પોતાને ગામ આવ્યાને લક્ષ્મીરામે ઘેર આવીને આણંદજીને ચાંદલો કર્યો એટલે આણંદજીએ તેને દક્ષિણા તરીકે એક રૂપિયો આપ્યો. લક્ષ્મી રામેએ એક રૂપિયાના મરચના બી લઈને હવેજ બનાવ્યો ને વેચ્યો. તેનો વેપાર કરતા કરતા તેની પાસે આઠ હજાર રૂપિયા ભેગા થયા. તેથી તેમણે ગોપીનાથજી મહારાજના મંદિરમાં સેવા માટે આપી દીધા. શ્રીજી મહારાજ અંતર્ધાન થયા પછી આજીવન ગોપીનાથજી મહારાજના મંદિરની સેવા કરી. જ્યાં સુધી ગોપીનાથજી મહારાજના મંદિરની ધજા લહેરાતી રહેશે ત્યાં સુધી લક્ષ્મીરામ જેવા મહાન ભક્તે સમર્પિત ભાવે કરેલી સેવાનો કીર્તિ ધ્વજ ગગનમાં ફરકતો રહેશે. પણ એમની સેવા, સમર્પણ જેવા સદ્ગુણો રૂપી સુરભિ સંજીવની રૂપે પણ સત્સંગ સમાજને ચેતના પ્રગટાવી પ્રેરણાનો પૂંજ પાથરતી રહેશે.