Shree Kurma Avatar – (શ્રી કૂર્મ અવતાર)

Gujarati
દેવાધિપતિ ઈન્દ્રના ઐશ્વર્યે અહંકારને આમંત્રણ આપ્યું અને અહંકાર વિનાશને સાથે લઈ આવ્યો. સ્વર્ગમાં લટાર મારવા નીકળેલાં ઈન્દ્રની સવારી જોઈને પ્રસન્ન થયેલા દુર્વાસાએ પારિજાતના પુષ્પની માળા ઈન્દ્ર તરફ ફેંકી. ઈન્દ્રની આંખોમાં અહંકારનાં મોતિયા બિંદુ આવી ગયેલાં. તેણે તે માળા ઐરાવતના મસ્તક પર મૂકી. હાથીએ સૂંઢમાં લઈને પગ નીચે કચડી ત્યારે દુર્વાસાએ ક્રોધિત થઈને શાપ ફટકાર્યો. જે લક્ષ્મીના ઐશ્વર્યના મદથી તું આંધળો થયો છે તેનો તત્કાળ સંપૂર્ણ નાશ થાઓ.
તેજ-ક્રાન્તિ-ઐશ્વર્ય-લક્ષ્મીહીન સ્વર્ગાધિપતિ ઈન્દ્રપર દૈત્યરાજ બલિએ ચડાઈ કરીને વિજય મેળવ્યો. હારેલા દેવતાઓ ભગવાન નારાયણના શરણે ગયા. ભગવાને યશ, શ્રી, ક્રાંતિ મેળવવા ક્ષીરસાગરનું મંથન કરવાની સલાહ આપી.
દેવતાઓએ સ્વાર્થસિદ્ધિ વાસ્તે અસુરો સાથે સંધિ કરી. અને મંદરાચલને મથની તરીકે મૂકીને વાસુકીનું દોરડું વીંટેના વીંટે ત્યાં તો મંદરાચલ સમુદ્રમાં ડૂબવા લાગ્યો. તાબડતોબ દેવતાઓ પુનઃ નારાયણના શરણે ગયા અને પ્રાર્થના કરી ત્યારે ભગવાને એક લાખ યોજનની પીઠવાળા કચ્છપ (કાચબા) નું રૂપ ધારણ કર્યું અને મંદરાચલને પોતાની પીઠ પર ધારણ કર્યો. પરિણામે દેવતાઓ સમુદ્ર મંથન કરવામાં સફળ થયા. ક્રમશઃ ચૌદ રત્નો પ્રાપ્ત કર્યાં અને સુખી થયા.
આમ કૂર્મ (કચ્છપ) અવતાર માત્ર દેવતાઓની સહાય માટે થયો હતો.