Bhaktraj Shree jivakhachar – (ભક્તરાજ શ્રી જીવાખાચર)

Gujarati
સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રબળ પ્રતાપે યોગીન્દ્ર શ્રી ગોપાળાનંદ સ્વામીએ જ્યાં બોલતાં ચાલતાં દેવ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ પધરાવ્યા એ સારંગપુર ધામના એક સમયના ગામધણી એટલે એક આદર્શ દાસભક્ત શ્રી જીવાખાચર. ૧૮-૧૮ વચનામૃત સાથે વચનામૃતના પાને સ્થાન મેળવનાર જીવાખાચરે શ્રીજી મહારાજની સાથે તેમનું નામ જોડાય એવો દિવ્ય ઉત્સવ કરાવેલો.
ભક્તરાજ શ્રી જીવાખાચરની પ્રાર્થના સાંભળીને શ્રીજી મહારાજ સેંકડોવાર સારંગપુર પધારેલા. તેમના જ દરબાર ગઢમાં રહેતા અને વચનામૃતનાં અમી ઝરણાં રેલાવતાં. આનંદ-ઉત્સવ કરાવતા. પણ ‘‘જન્માષ્ટમી’’ અને ‘‘રંગોત્સવ’’ આ બે અદ્ભૂત ઉત્સવો કરેલા જેની સંપ્રદાયના દરેક સંત કવિઓ એ કીર્તન ગ્રન્થોમાં નોંધ લીધી છે.
જીવાખાચર એકવાર ગઢપુર શ્રીહરિનાં દર્શને ગયેલા. ત્યારથી જ તેમના મુમુક્ષુ હૃદયમાં હાલરની લાકડીની જેમ હરિવરની મૂર્તિ પકડાઈ ગયેલી. રાતદિવસ તેને તે મૂર્તિની રઢ લાગેલી. તેથી જ વારંવાર મહારાજની આગળ હાથ જોડીને ઉભા રહી જતા અને ગઢપુરથી તેડી લાવતા. ઉત્સવ આનંદ કરાવતા. મહારાજ સારંગપુર છોડીને જાયતો જીવાખાચર કાયાની છાયાની જેમ પાછળ પાછળ જતા અને સેવા કરતા. એટલે જ આચાર્ય શ્રી વિહારી લાલજી મહારાજ તેમને શ્રીહરિના હજૂરી પાર્ષદ તરીકે નવાજે છે.
જીવોખાચર સારંગપુરના, ભલા ભક્ત હરિની હજૂરના।
કહ્યું તેણે કરીને પ્રણામ, મારે ગામ ચાલો ઘનશ્યામ।
સાથે લ્યો સહું સંત સમાજ, મારો પૂરો મનોરથ આજ॥
ગામડે ગામડે જાગૃતિની જ્યોત લઈ ફરતાં શ્રીજીના સંદેશાવાહક સંતોને એક સમયે જીવાખાચર ભાગ્ય વિધાતા બ્રહ્મા કરતાં પ્રિય થઈ ગયેલા. મહિનાઓથી આજ્ઞા શીરે ચડાવી દૂર દૂર દેશાન્તરમાં ફરતા સંતોને સારંગપુર બોલાવી ભક્તિની ભાગીરથીમાં ભાવનાના રંગપૂરી ફૂલદોલોત્સવ ઉજવવા પ્રાર્થના કરી. જીવાખાચરે તૈયારી કરી. જીવાખાચરનો ઉત્સાહ જોઈને આજ મહારાજ ખુશખુશાલ થઈ ગયા અને કહ્યુંઃ ‘‘ભારે ઉત્સવ કરવો છે એવો, મુનિજન ધરે ધ્યાનમાં તેવો’’
સંતોને જ્યારે સારંગપુર પહોંચવાની પત્રિકા મળી ત્યારે જીવાખાચરની ભક્તિ અને સમર્પણને વંદન કરીને બોલી ઉઠેલા. એના મનનો સંકલ્પ પૂર્ણ કરવા મહારાજે આપણને દર્શન દેવા બોલાવ્યા છે. આપણે તેના આભારી છીએ. પ્રેમમાં નેમ ક્યાં હોય છે?
એ જીવાખાચરનો દરબાર પરબ્રહ્મ અને પરમહંસોથી ભર્યો ભર્યો રહેતો. કીડીયારાની જેમ માનવ સમુદાય આ દર્શન માટે ઉમટી પડતો. ગામની બહાર રંગની રેલમછેલ થયેલી. અંતે મહારાજે ‘‘ફગવા’’ આપેલા. જે સારાયે સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. (મહાબળવંત માયા તમારી)
આમ, શ્રીજીમહારાજને સારંગપુરમાં પોતાના દરબાર ગઢમાં રાખીને જીવાખાચરે અપાર સુખ લીધેલું. એટલું જ નહીં, હજારો હરિભક્તોને પણ સુખિયા કરેલા છતાં તેમના અંતરે સંતોષ ન હોતો થયો. એટલે જ એકવાર જ્યારે શ્રીહરિએ તેમને વરદાન માંગવા કહ્યું ત્યારે આ ભક્તરાજે ધન, રાજ, ભોગ, સુખ, વૈભવને ઠોકરે ચડાવી ઉદાત્ત ભાવે ‘‘મારા ગામમાં કોઈ પણનું મૃત્યુ થાય ત્યારે તેને યમદૂત તેડવા ન આવે’’ આવું વરદાન માંગી પાપીઓનો પણ ઉર્ધ્વગમનનો માર્ગ ખોલી આપેલો. આવા ભક્તનાં ચરણે વંદન…