Bhaktraj Shree Jinabhai – (ભક્તરાજ શ્રી ઝીણાભાઈ)

Gujarati
ગુજરાતના પ્રસિધ્ધ રાજવી સિધ્ધરાજ જયસિંહના વંશજ, જૂનાગઢના દિવાન અને પંચાળાના ગામધણી ઠાકોર શ્રી ઝીણાભાઈ સત્સંગનું એક અનોખું રત્ન હતા. અપૂર્વ રાસોત્સવ અને વચના મૃતની અમીવર્ષાની સાથે સમર્પણની સુગંધથી આજ પંચાળાધામ સુવાસિત બનેલું છે. તેમના પિતાશ્રી મનુભા ઠાકોર, માતાશ્રી ગંગાબા વગેરે પરિવાર શ્રીરામાનંદ સ્વામીનો અનુયાયી હતો. પરિણામે સં.૧૮પ૮ના શ્રાવણ માસમાં શ્રીહરિ રામાનંદ સ્વામી સાથે પંચાળા નિલકંઠવર્ણી રૂપે પધારેલા ત્યારથી તેમના હૈયામાં એ મોહકમૂર્તિ ઉતરી ગયેલી.
પરિણામે સમય જતાં પિતાશ્રીના વારસમાં ગામધણી થયા અને આગળ કોઠાસૂઝ અને બુદ્ધિ પ્રતિભાના કારણે જૂનાગઢ રાજના દિવાન બન્યા છતાં પણ સત્સંગને આંચન આવી. એવાર નવાર પરમ હંસો સાથે પ્રભુજીને તેડાવીને ભક્તિ રસ ઘૂંટી ઘૂંટીને પીધેલો. વચનામૃતોની ગહન છતાં સરળ-રસાળ વાતો સાંભળી જ્ઞાનની દૃઢતા કરેલી. પરિણામે જૂનાગઢ નવાબની રાજસી કચેરીમાં થતો થૈ-થૈકાર તેમને ડગાવી શકતો નહિ. આના ફળસ્વરૂપે કચેરીમાં પણ દિવાન ઝીણાભાઈની ભગવાનના ઘરના માણસની છાપ ઉપસેલી અને સૌના વિશ્વાસુ બનેલા.
પણ ઝીણાભાઈને મન રાજ કરતા મહારાજ કરોડો ગણા કિંમતી હતા. તેમણે જીવથી જગદીશ સાથે નાતો બાંધ્યો હતો. તેથી જ શ્રીહરિને પણ પંચાળા જેવા ગામમાં રહેવાનું ગમતું. અરે! ૧૮૭૯ માં તો શ્રીહરિએ ફૂલદોલોત્સવની સાથે સાથે ભક્તરાજ ઝીણાભાઈની પ્રાર્થનાથી અપૂર્વ રાસોત્સવ કરેલો. જેટલા સંતો હતા તેટલા સ્વરૂપ ધારણ કરીને શ્રીજી મહારાજ રાસ રમેલા.જેના દિવ્ય સ્પંદનો આજે પણ પંચાળાની ધન્ય ધરણીમાં ગૂંજે છે.
ઝીણાભાઈ ઠાકોર જ્ઞાની રાજવી હોવા છતાં સત્સંગ અને સત્સંગીઓથી અધિક પરિવારને પણ માનતા નહિ.એકવાર તેમના વહાલા અદિબેને સત્સંગી ભક્ત કમળશી બિમાર પડતા માથાના દુઃખાવાની દવા થોડી હોવાથી આપેલી નહિ. અને સ્વયં ઝીણાભાઈ બિમાર પડતા લઈ આવ્યા ત્યારે ઝીણાભાઈએ કહ્યું કે મારા ઈષ્ટદેવનો ભક્ત બિમાર થાય ત્યારે તારી પાસે દવા ન હતી અને તારો ભાઈ બિમાર થયો ત્યારે દવા આવી ગઈ. જા આજથી હું તારો ભાઈ નહિ ને તું મારી બહેન નહિ. વાંચવા કરતા વિચારજો, સત્સંગી માટે તેમના અંતરમાં કેટલી ઉંચી ભાવના હશે?
સત્સંગનો ઈતિહાસ ગૌરવ સાથે નોંધ લે છેકે માંગરોળના કમળશી વાંઝા બીમાર પડેલા ત્યારે ત્રણનો કર અને ચોથા ઠાકોરશ્રી ઝીણાભાઈ; ચાર જણાએ ખાટલામા સુવારીને માંગરોળથી પંચાળાલઈ જઈને તેમની સેવા કરેલી. પરિણામે ઝીણાભાઈને એવું સૌભાગ્ય પ્રાપ્ત થયું એવું ગૌરવ મળ્યું જે સ્વયં શ્રીહરિના ભાઈ ઈચ્છારામજીને પણ નો‘તું મળ્યું. વિ.સં.૧૮૮૩માં મહાવદ દશમે જ્યારે ઝીણાભાઈ ક્ષણિક દેહનો ત્યાગ કરીને શ્રીહરિની નિત્ય સેવામાં જોડાયા ત્યારે સ્વયં મહારાજે જીવનમાં માત્ર એકવાર અને એ પણ ઝીણાભાઈની નનામીને ખંભો આપેલો.
હજારો વંદન હો આવા ભક્તરાજનાં ચરણે…