Dhanurmas

ધનુર્માસ એટલે કે...

  1. ધનુષની માફક ભગવદ્‌ધામની પ્રાપ્તિના લક્ષને સિદ્ધ કરવાનું સાધન.
  2. ધાર્મિક કાર્ય સિવાયના વ્યાવહારિક કાર્યમાત્રનો ત્યાગ કરીને એકમાત્ર ભગવદ્‌ભજન કરવાનો ધન્યભાગી સુઅવસર.
  3. ધનુર્માસ એટલે આધ્યાત્મિક ક્રાંતિની પૂર્વભૂમિકા.
  4. ધનુર્માસ એટલે માઘસ્નાનની અને મકરસંક્રાંતિની-ઉત્તરાયણની પૂર્વતૈયારી.

 

સૂર્યદેવ જ્યારે મકરરાશિમાં સંક્રાંતિ કરે છે તે અગાઉ એક મહિના સુધી ધન રાશિમાં રહે છે. આ ધન રાશિમાં જે સૂર્યનું રહેવું તેને જ ધનુર્માસ, ધનાર્ક અથવા વિવાહાદિ વ્યાવહારિક દૃષ્ટિએ શુભ ગણાતા કાર્યોમાં કમુહૂર્તારૂપ ધનારક પણ કહેવાય છે. આ સમય શાસ્ત્રોક્ત પ્રમાણે ડિસેમ્બરની 17મી તારીખથી જાન્યુઆરીની 14મી તારીખ સુધી ગણવામાં આવે છે.

 

આ સૂર્યદેવનો ધન રાશિમાંથી પસાર થવાનો સમય એટલે કે તમામ મનુષ્ય માત્રને પોતાના પુત્ર-પુત્ર્યાદિના વિવાહ પ્રસંગ તથા જનોઈ આપવી વગેરે શુભ માંગલિક-વ્યાવહારિક કાર્યોનો પણ ત્યાગ કરીને ભગવદ્‌ભજનમાં જોડાવાનો સમય. આપણા ઉપનિષદ્‌ - ગ્રંથોમાં પણ આ ધનુર્માસના ધનુષ્‌ શબ્દનું યથાર્થ નિરૂપણ કરવામાં આવ્યું છે :-

 

प्रणवो धनुः शरो ह्यात्मा ब्रह्म तल्लक्ष्यमुच्यते।
अप्रमत्तेन वेद्धव्यं शरवत्तन्मयो भवेत्।। (મુંડકોપનિષદ્‌ 2.2.4)

 

પ્રણવ અર્થાત્‌ ૐકારરૂપ ભગવન્નામરૂપી ધનુષ્ય છે. આત્મા બાણને ઠેકાણે છે. તેનાથી પ્રાપ્ય લક્ષ્યભૂત પરમાત્મા છે. આ ભગવન્નામ સ્મરણરૂપી ધનુષ્યમાં પોતાના આત્માને તન્મયતાથી-એકાગ્રતાથી જોડીને પ્રાપ્યભૂત પરબ્રહ્મ સુધી આત્માને પહોંચવાનું છે, માટે પ્રમાદનો ત્યાગ કરીને આ નામ સ્મરણરૂપી ધનુષ્યમાં તન્મય બની જવું જેથી ભગવદ્‌ધામની પ્રાપ્તિનું લક્ષ્ય ભગવત્પ્રસન્નતાથી ફલીભૂત થાય છે. શ્રીજી મહારાજે વચ.મ. પ્ર. ૨૨માં પણ કહ્યું છે કે ‘શૂરવીર જે ભગવાનના ભક્ત હોય તેને તો એક જ લક્ષ્યનું તાન હોય કે આ દેહે કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે.’

 

આ ધનુર્માસમાં જનશ્રુતિ પણ એવી છે કે મનુષ્યલીલાનું અનુકરણ કરતા પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાન બાલ્યાવસ્થામાં ગુરુ સાંદીપનિ ઋષિના આશ્રમમાં જઈને ધનુર્વેદ આદિક સમગ્ર વિદ્યા તથા ૬૪ કળાઓને માત્ર ૬૪ દિવસોમાં જ ભણી ગયા હતા. આ માસમાં ભગવાને વિદ્યાનો અભ્યાસ કર્યો હોવાથી તેની યાદગીરી નિમિત્તે આજે પણ ભગવાનને સવારમાં વહેલા થાળ જમાડીને ભણવા મોકલવાની ભાવના વ્યક્ત કરવામાં આવે છે. તથા મંદિરમાં ભગવાનની પાસે ધાર્મિક પુસ્તકો તથા પેન-કલમ વગેરે રાખીને વિદ્યાભ્યાસના ફળસ્વરૂપે પાટી વગેરેમાં સૂત્રાત્મક ઉપદેશના વાક્યો લખવામાં આવે છે. પરિણામે ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપેલ આદેશ - ‘ प्रवर्तनीया सदिृृधा भुवि यत्सुक्तं महत् ’ એ મહાવાક્યનું પણ જાણ્યે-અજાણે સહેજે જ અનુકરણ થઈ જાય છે.

 

ધનુર્માસમાં એક માસ સુધી સાંસારિક-વિવાહાદિ પ્રસંગોમાં કમુહૂર્તા બેસતા હોવાથી તેમાં સુમુહૂર્ત યુક્ત ભગવદ્‌ભજન, સત્સંગ, કથાવાર્તાનું શ્રવણ આદિક પોતાના કલ્યાણકારી કાર્યો કરવામાં ભગવદ્‌ભક્તોને પુરતો સમય મળી રહે છે તેથી જ તો ભગવદ્‌ભક્તો સર્વે દરરોજ કરતા આ માસમાં વહેલા ઊઠીને મંદિરે જઈને પ્રભાતફેરી, ધૂન-કીર્તન તથા વિશેષપણે આયોજીત કથાવાર્તા આદિકનું સત્પુરુષોના મુખ થકી શ્રવણાદિકનો લાભ પ્રાપ્ત કરે છે.

 

આ પુણ્યમય ધનુર્માસનો પ્રતાપ જ એવો છે કે આબાલવૃદ્ધ સૌ કોઈ તેનો સંપૂર્ણ લાભ લેવાનું ચૂકતા જ નથી. સૌના મનમાં ભગવદ્‌ભજન કરવાનું તાન જાગે છે. ફણેણી ગામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના શ્રીમુખથી ભજનીય ‘સ્વામિનારાયણ’ મહામંત્રનો પ્રથમ ઉચ્ચાર પણ આ ધનુર્માસમાં જ (સં.૧૮૫૮ માગશર વદ -૧૧ તા. ૩૧-૧૨-૧૮૦૧ના દિવસે) કરવામાં આવ્યો છે. આ ધનુર્માસ એટલે ક્રાંતિ કરાવનારી નવોદયની નવલી ઉષા-પ્રભાત સમય. આ નવા વર્ષના પ્રાતઃકાલીન સૂર્યના મકર રાશિના પ્રવેશની ઉત્તરાયણ-સંક્રાંતિના ઉદ્‌ગમકાળમાં ભગવન્માર્ગે ચાલનારા ભક્તજનો આ સમયે જે અધિક ભજન સ્મરણ, કથાવાર્તા વગેરે કરે છે તેને તે આખા વર્ષનું ભાતું બની રહે છે. અર્થાત્‌ સંપૂર્ણ વર્ષ દરમ્યાન તે ભજન-ભક્તિના આસ્વાદનું સ્મરણ કરતા થકા જ દિવસો વિતાવે છે.

 

ધનુર્માસમાં ભગવત્પૂજનનો વિધિ બતાવતા ભગવાન શ્રી સ્વામિનારાયણ સત્સંગિજીવનમાં આ પ્રમાણે કહે છે :- “હે પુત્રો ! સૂર્ય ધનુષ રાશિમાં પ્રાપ્ત થયે સતે ધનુષ્‌ લગ્ન (રાશિ)માં ભગવાનને ઉના જળથી અભ્યંગ-સ્નાન કરાવીને તેમજ સગડી મૂકીને નિત્યપ્રાપ્ત શણગાર ધરાવવા. ભગવાનને નૈવેદ્યમાં તલે સહિત ચુરમાના લાડુ, માખણ, દહીં, ઘી, વૃન્તાકનું ભરથું (ઓળો) તથા ખીચડી, કઢી અને મૂળા સમર્પણ કરવા. બાજરીના રોટલાને ઘીમાં બુડાડીને પછી નીચે અને ઉપર ધોળા તલ વેરવા, એવો રોટલો નિવેદન કરવો. તેમજ ભગવાનના ગુણો યુક્ત કીર્તનો ગવડાવવા. આ પ્રમાણે ધનુર્માસનો વિધિ કહ્યો છે.