વચનામૃત વરતાલ પ્રકરણ ૦૯

 

ભગવાનનું નિર્ગુણ સુખ જણાય તેનું

સંવત્ ૧૮૮૨ના પોષ સુદિ ૮ અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીવરતાલ મધ્યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર ગાદીતકિયા બિછવાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછયો જે, “રાજસી, તામસી ને સાત્વિકી એ ત્રણ પ્રકારનું જે માયિક સુખ તે જેમ ત્રણ અવસ્થાને વિષે જણાય છે તેમ નિર્ગુણ એવું જે ભગવાન સંબંધી સુખ તે કેમ જણાય છે ?” પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિમંડળ સમસ્ત મળીને કરવા માંડયો પણ એનું સમાધાન થયું નહિ, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પૃથ્વી આદિક ચાર ભૂત વિના એકલો જ આકાશ હોય અને જેટલા આકાશને વિષે તારા છે તેટલા ચંદ્રમાં હોય ને તેનો જેવો પ્રકાશ થાય તેવો ચિદાકાશનો પ્રકાશ છે. અને તે ચિદાકાશને મધ્યે સદાય ભગવાનની મૂર્તિ વિરાજમાન છે. તે મૂર્તિને વિષે જ્યારે સમાધિ થાય ત્યારે એક ક્ષણમાત્ર ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય, તે ભજનના કરનારાને એમ જણાય જે, “હજારો વર્ષ પર્યંત મેં સમાધિને વિષે સુખ ભોગવ્યું.” એવી રીતે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ તે જણાય છે. અને જે માયિક સુખ છે તે બહુકાળ ભોગવ્યું હોય તો પણ અંતે ક્ષણ જેવું જણાય છે. માટે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ છે તે અખંડ અવિનાશી છે ને જે માયિક સુખ છે તે નાશવંત છે.”

ઈતિ વચનામૃતમ || ૦૯ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30