વચનામૃત વરતાલ પ્રકરણ ૦૭

 

દૈવી અને આસુરી જીવના લક્ષણ – અન્વયવ્યતિરેકનું

સંવત્ ૧૮૮૨ના માગશર વદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રીવરતાલ મધ્યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

અને હરિભક્ત પરસ્પર ભગવદ્દવાર્તા કરતા હતા તેમાં એવો પ્રસંગ નીસર્યો જે દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે; તેમાં દૈવી જીવ હોય તે તો ભગવાનના ભક્ત જ થાય ને આસુરી હોય તે તો ભગવાનથી વિમુખ જ રહે.” ત્યારે ચિમનરાવજીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછયો જે, “હે મહારાજ ! આસુરી જીવ હોય તે કોઈ પ્રકારે દૈવી થાય કે ન થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આસુરી જીવ તો દૈવી ન જ થાય કેમ જે, એ તો જન્મથી જ આસુરભાવે યુક્ત છે. અને જો કોઈક રીતે કરીને આસુરી જીવ સત્સંગમાં આવી પડયો તો પણ આસુરભાવ તો ટળે નહિ, પછી સત્સંગમાં રહ્યો થકો જ જ્યારે શરીરને મૂકે ત્યારે બ્રહ્મને વિષે લીન થાય ને વળી પાછો નીકળે એમ અનંત વાર બ્રહ્મમાં લીન થાય ને પાછો નીસરે ત્યારે એનો આસુરભાવ છે તે નાશ પામે, પણ તે વિના તો આસુરભાવ નાશ પામે નહિ.”

પછી શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછયો જે, “હે મહારાજ ! ભગવાનનું અન્વયપણું કેમ છે ને વ્યતિરેકપણું કેમ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અન્વયવ્યતિરેકની વાર્તા તો એમ છે જે, ભગવાન અર્ધાક માયાને વિષે અન્વય થયા છે ને અર્ધાક પોતાના ધામને વિષે વ્યતિરેક રહ્યા છે એમ નથી, એ તો ભગવાનનું સ્વરૂપ જ એવું છે જે માયામાં અન્વય થયા થકા પણ વ્યતિરેક જ છે પણ ભગવાનને એમ બીક નથી જે, ‘રખે હું માયામાં જાઉં ને અશુદ્ધ થઈ જાઉં.” ભગવાન તો માયા ને વિષે આવે ત્યારે માયા પણ અક્ષરધામરૂપ થઈ જાય છે અને ચોવીસ તત્વને વિષે આવે તો ચોવીસ તત્વ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે, તે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે, ‘धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि |’ ઈત્યાદિક અનત્ં વચને કરીને ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. અને જેમ વૃક્ષનું બીજ હોય તેમાં પણ આકાશ છે. પછી એ બીજમાંથી વૃક્ષ થયું ત્યારે તે વૃક્ષનાં ડાળ, પાનડાં, ફુલ, ફળ એ સર્વેને વિષે આકાશ અન્વય થયો, પણ જ્યારે વૃક્ષને કાપે ત્યારે વૃક્ષ કપાય તે ભેળો આકાશ કપાય નહિ, અને વૃક્ષને બાળે ત્યારે આકાશ બળે નહિ. તેમ ભગવાન પણ માયા ને માયાનું કાર્ય તેને વિષે અન્વય થયા થકા પણ આકાશની પેઠે વ્યતિરેક જ છે, એમ ભગવાનના સ્વરૂપનું અન્વયવ્યતિરેકપણું છે.”

ઈતિ વચનામૃતમ || ૦૭ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30