વચનામૃત વરતાલ પ્રકરણ ૦૩

 

ચાર પ્રકારના મોટા પુરૂષનું

સંવત્ ૧૮૮૨ના કાર્તિક વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીવરતાલ મધ્યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરમાં સિંહાસન ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં ને કંઠને વિષે ગુલાબનાં પુષ્પના હાર ધારણ કર્યા હતા અને મસ્તકને વિષે પાઘમાં તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આપણા ઉદ્ધવસંપ્રદાયને વિષે જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભગવાનની ભક્તિ એ ચાર વાનાં જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય અને આપણા સત્સંગમાં મોટો કરવા યોગ્ય પણ તે જ છે. અને એ ચાર સંપૂર્ણ ન હોય ને એક જ મુખ્યપણે કરીને હોય તો પણ ત્રણ જે બાકી રહ્યાં તે તે એકના પેટામાં આવી જાય એવું એક કયું એ ચારેમાં શ્રેષ્ઠ છે ?” ત્યારે ગોપાલાનંદસ્વામીએ તથા મુક્તાનંદસ્વામીએ કહ્યું જે, “હે મહારાજ ! એવો તે એક ધર્મ છે, તે ધર્મ હોય તો ત્રણે વાનાં તે પુરૂષમાં આવે.”

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ધર્મ તો કેટલાક વિમુખ માણસ હોય તેમાં પણ હોય, માટે તેને શું સત્સંગમાં મોટો કરશું ?” પછી એ વાત સાંભળીને કોઈથી ઉત્તર દેવાયો નહિ, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ હોય ને આત્મનિષ્ઠા, ધર્મ ને વૈરાગ્ય એ સામાન્યપણે હોય તો પણ કોઈ દિવસ એ ધર્મમાંથી પડે નહિ. કેમ જે, જે ભગવાનનું માહાત્મ્ય જાણતો હોય તે તો એમ વિચારે જે, ‘ભગવાનની આજ્ઞાને વિષે બ્રહ્માદિક સમગ્ર દેવ રહ્યા છે તે ભગવાનની આજ્ઞા મારાથી કેમ લોપાય ? એમ જાણીને ભગવાનના નિયમમાં નિરંતર રહે.”

ત્યારે શુકમુનિએ પૂછયું જે, “જ્યારે એક માહાત્મ્યે સહિત ભક્તિએ કરીને સંપૂર્ણ થાય ત્યારે એક ભક્તિ જ કેમ ન કહી ને ચાર વાનાં શા સારૂ કહ્યું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અતિશય માહાત્મ્ય સહિત ભક્તિ ભગવાનને વિષે હોય તો એક ભક્તિને વિષે ત્રણે આવી જાય અને સામાન્ય ભક્તિ હોય તો એકમાં ત્રણ ન આવે, માટે ‘ચાર વાનાંએ સહિત જે ભક્તિ તે જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય” એમ કહ્યું છે. અને એવી અસાધારણ ભક્તિ તો પૃથુરાજાને હતી, તે ભગવાને વર દેવાનું કહ્યું ત્યારે ભગવાનની કથા સાંભળ્યા સારૂ દશ હજાર કાન માગ્યા પણ બીજું કાંઈ ન માંગ્યું. અને જે ગોપીઓને રાસક્રીડામાં ન જવા દીધી તે દેહ મૂકીને શ્રીકૃષ્ણ પાસે ગઈ. એવી અસાધારણ ભક્તિ હોય તો જ્ઞાનાદિક ત્રણે એક ભક્તિમાં આવી જાય.

ત્યારે બ્રહ્માનંદસ્વામીએ પૂછયું જે, “એવી અસાધારણ ભક્તિ શે ઉપાયે કરીને આવે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોટા પુરૂષની સેવાથકી આવે છે, તે મોટા પુરૂષ પણ ચાર પ્રકારના છે એક તો દીવા જેવા ને બીજા મશાલ જેવા ને ત્રીજા વીજળી જેવા ને ચોથા વડવાનળ અગ્નિ જેવા; તેમાં દીવા જેવા હોય તે તો વિષયરૂપી વાયુએ કરીને ઓલાઈ જાય, ને મશાલ જેવા હોય તે પણ તેથી અધિક વિષયરૂપી વાયુ લાગે તો તેણે કરીને ઓલાઈ જાય ને વીજળી જેવા જે હોય તે તો માયારૂપી વરસાદને પાણીએ કરીને પણ ન ઓલાય અને વડવાનળ અગ્નિ જેવા હોય, તે તો જેમ વડવાનળ સમુદ્રમાં રહે છે પણ સમુદ્રના જળનો ઓલાવ્યો ઓલાતો નથી અને સમુદ્રના જળને પીને મૂળદ્વારે કાઢી નાખે છે તે પાણી મીઠું થાય છે તેને મેઘ લાવીને સંસારમાં વૃષ્ટિ કરે છે, તેણે કરીને નાના પ્રકારના રસ થાય છે, તેમ એવા જે મોટા પુરૂષ છે તે સમુદ્રના જળ જેવા ખારા જીવ હોય તેને પણ મીઠા કરી નાખે છે. એવી રીતે એ ચાર પ્રકારના જે મોટા પુરૂષ કહ્યાં તેમાં જે વીજળીના અગ્નિ જેવા તથા સમુદ્રના અગ્નિ જેવા મોટા પુરૂષ છે, તેમની સેવા જો પોતપોતાના ધર્મમાં રહીને મન કર્મ વચને કરે તો તે જીવના હૃદયમાં માહાત્મ્ય સહિત ભક્તિ આવે છે. તે વિજળીના અગ્નિ જેવા તો સાધનદશાવાળા ભગવાનના એકાંતિક સાધુ છે અને વડવાનળ અગ્નિ જેવા તો સિદ્ધદશાવાળા ભગવાનના પરમ એકાંતિક સાધુ છે એમ જાણવું.”

ઈતિ વચનામૃતમ || ૦૩ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30