વચનામૃત વરતાલ પ્રકરણ ૧૪

 

કુપાત્ર જેવા જીવને સમાધિનું કારણ, સત્પુરૂષનાં ગુણથી મોટા પુણ્યનું

સંવત્ ૧૮૮૨ના પોષ વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીવરતાલ મધ્યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી વડોદરાના વાઘમોડિયા રામચંદ્રે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછયો જે, “હે મહારાજ ! જે કુપાત્ર જીવ જણાતો હોય ને તેને પણ સમાધિ થઈ જાય છે તેનું શું કારણ હશે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ધર્મશાસ્ત્રને વિષે જે વર્ણાશ્રમના ધર્મ કહ્યાં છે તે થકી જે બાહૃા વર્તતો હોય તેને સર્વ લોક એમ જાણે જે, ‘આ કુપાત્ર માણસ છે.” અને તે કુપાત્રને ભગવાન કે ભગવાનના સંતનો જો હૈયામાં ગુણ આવે તો એને એ મોટું પુણ્ય થાય છે. અને વર્ણાશ્રમના ધર્મ લોપ્યા હતા તેનું જે પાપ લાગ્યું હતું તે સર્વે નાશ થઈ જાય છે અને તે જીવ અતિશય પવિત્ર થઈ જાય છે. માટે એને ભગવાનના સ્વરૂપમાં ચિત્ત ચોટે છે ત્યારે સમાધિ થઈ જાય છે. અને જે પુરૂષ ધર્મશાસ્ત્રે કહ્યાં એવા જે વર્ણાશ્રમના ધર્મ તેને પાળતો હોય ત્યારે તેને સર્વે લોક ધર્મવાળો જાણે, પણ ભગવાન ને ભગવાનના સાધુ તેનો જો તે દ્રોહ કરતો હોય તો તે સત્પુરૂષના દ્રોહનું એવું પાપ લાગે છે જે, ‘વર્ણાશ્રમના ધર્મ પાળ્યાનું જે પુણ્ય તેને બાળીને ભસ્મ કરી નાખે છે.” માટે સત્પુરૂષના દ્રોહનો કરનારો તે તો પંચમહાપાપનો કરનારો તેથી પણ વધુ પાપી છે. શા માટે, જે પંચમહાપાપ કર્યા હોય તે તો સત્પુરૂષને આશરે જઈને છુટાય છે, પણ સત્પુરૂષનો દ્રોહ કરે તેનો તો કોઈ ઠેકાણે છૂટયાનો ઉપાય નથી. કેમ જે, અન્ય ઠેકાણે પાપ કર્યું હોય તે તો તિર્થમાં જઈને છુટાય છે અને તિર્થમાં જઈને પાપ કરે તે તો વજ્રલેપ થાય છે. માટે સત્પુરૂષનો આશરો કરે ત્યારે ગમે તેવો પાપી હોય તો પણ અતિ પવિત્ર થઈ જાય છે ને તેને સમાધિ થઈ જાય છે. અને સત્પુરૂષનો દ્રોહી હોય ને તે ગમે તેવો ધર્મવાળો જણાતો હોય તો પણ મહાપાપી છે ને તેને કોઈ કાળે ભગવાનનાં દર્શન હૃદયને વિષે થાય જ નહિ. માટે જેને વિમુખ જીવ પાપી જાણે છે તે પાપી નથી અને જેને વિમુખ ધર્મી જાણે છે તે ધર્મી નથી.”

ઈતિ વચનામૃતમ || ૧૪ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30