વચનામૃત સારંગપુર પ્રકરણ ૩

 

શ્રવણ, મનન, નિદિધ્યાસ અને સાક્ષાત્કારનું

સંવત્ ૧૮૭૭ના શ્રાવણ વદિ ૭ સાતમને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ ગામ શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત પાઘ મસ્તકે બાંધી હતી ને કાળા છેડાનો ખેસ ઓઢયો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી સ્વયંપ્રકાશાનંદસ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછયો જે, “હે મહારાજ ! એક ભક્ત તો નાના પ્રકારની પૂજાસામગ્રી લઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે અને એક ભકત તો નાના પ્રકારના માનસિક ઉપચારે કરીને ભગવાનની માનસી પૂજા કરે છે, એ બે ભક્તમાં શ્રેષ્ઠ તે કોણ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો ભગવાનને વિષે પ્રેમે કરીને અતિરોમાંચિત ગાત્ર થઈને તથા ગદ્કંઠ થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે જ ભગવાનની માનસી પૂજા કરે છે તો એ બેય શ્રેષ્ઠ છે. અને પ્રેમે કરીને રોમાંચિત-ગાત્ર અને ગદગદ કંઠ થયા વિના કેવળ શુષ્ક મને કરીને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે, તો ય ન્યૂન છે અને માનસી પૂજા કરે છે તોય ન્યૂન છે.”

ત્યારે સોમલે ખાચરે પૂછયું જે, “એવી રીતે જે, પ્રેમમગ્ન થઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરતો હોય અથવા માનસી પૂજા કરતો હોય તે ભક્ત કયે લક્ષણે કરીને ઓળખાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનની પૂજા-સેવાને વિષે તથા કથાવાર્તા, કિર્તનને વિષે અતિશય શ્રદ્ધા હોય તથા ભગવાનનું અતિશય માહાત્મ્ય સમજતો હોય ને એ બે વાનાં દિવસે દિવસે નવાં ને નવાં જ રહેતાં હોય, પણ કયારેય ગૌણ ન પડે, જેમ મુક્તાનંદ સ્વામીને અમે પ્રથમ લોજપુરમાં દીઠા હતા અને જેવી શ્રદ્ધા ને ભગવાનનું માહાત્મ્ય હતું તેવું ને તેવું જ આજ દિવસ સુધી નવું ને નવું છે, પણ ગૌણ પડયું નથી, એ બે લક્ષણે કરીને તે ભકતને ઓળખવો અને એવી રીતે માહાત્મ્ય ને શ્રદ્ધા વિનાના સર્વે યાદવપણ શ્રીકૃષ્ણભગવાન ભેળા જ રહેતા અને જેમ બીજા રાજાની સેવાચાકરી કરે તેમ સેવાચાકરી કરતા તો પણ તેનું કોઈ નામ જાણતું નથી અને તે ભક્ત પણ કહેવાયા નથી. અને ઉદ્ધવજી જો શ્રીકૃષ્ણ ભગવાનની શ્રદ્ધામાહાત્મ્યે સહિત સેવાચાકરી કરતા તો તે પરમભાગવત કહેવાયા અને તેની શાસ્ત્રમાં તથા લોકમાં અતિશય પ્રસિદ્ધિ છે.”

પછી નિર્વિકારાનંદસ્વામીએ પ્રશ્ન પૂછયો જે, “હે મહારાજ ! શ્રવણ, મનન, નિદિધ્યાસ અને સાક્ષાત્કાર તે કેને કહેવાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રોત્રે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ. અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરી વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે અને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલીનું ગ્રહણ કરે તેને મનન કહીએ. અને જે વાર્તા નિશ્ચય કરીને મનને વિષે ગ્રહણ કરી હોય તેને રાત દિવસ સંભારવાનો જે અભ્યાસ રાખવો તેને નિદિધ્યાસ કહીએ. અને તે વાર્તા જેવી હોય તેવી ને તેવી જ ચિંતવન કર્યા વિના પણ સર્વે મૂર્તિમાનની પેઠે ઈદમ્ સાંભરી આવે તેને સાક્ષાત્કાર કહીએ. અને જો એવી રીતે આત્માના સ્વરૂપનું શ્રવણાદિક કર્યુ હોય તો આત્મસ્વરૂપનો એવી રીતે સાક્ષાત્કાર થાય; અને જો ભગવાનનો એવી રીતે શ્રવણ, મનન, નિદિધ્યાસ કર્યો હોય તો ભગવાનનો એવી રીતે સાક્ષાત્કાર થાય છે, પણ મનન ને નિદિધ્યાસ એ બે કર્યા વિના કેવળ શ્રવણે કરીને સાક્ષાત્કાર થતો નથી. અને જો ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને તેનું મનન અને નિદિધ્યાસ તે ન કર્યા હોય, તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ તે સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય; અને તે દર્શન તો કેવળ શ્રવણમાત્ર સરખું કહેવાય. અને જેણે ભગવાનના અંગઅંગનું દર્શન કરીને પછી તે અંગઅંગનું મનન ને નિદિધ્યાસ તે કર્યો હશે, તો તે અંગ આજે સહજે સાંભરી આવતું હશે અને જે અંગનું દર્શનમાત્ર જ થયું હશે તો તે અંગને સંભારતો હશે તો પણ નહિ સાંભરતું હોય. અને કેટલાક હરિભકત કહે છે જે, ‘અમે તો મહારાજની મૂર્તિને ધ્યાનમાં બેસીને ઘણાય સંભારીએ છીએ તો પણ એકે અંગ ધાર્યામાં નથી આવતું તો સમગ્ર મૂર્તિ તો કયાંથી આવે ?” તેનું પણ એ જ કારણ છે જે ભગવાનની મૂર્તિનાં દર્શનમાત્ર કરે છે, પણ મનન ને નિદિધ્યાસ નથી કરતો માટે કેમ ધાર્યામાં આવે ? કાં જે, જે માયિક પદાર્થ છે તે પણ કેવળ દ્રષ્ટિમાત્રે દેખ્યું હોય ને કેવળ શ્રવણમાત્રે સાંભળ્યું હોય અને તેને જો મનમાં સંભારી ન રાખ્યું હોય તો તે વીસરી જાય છે. તો જે અમાયિક ને દિવ્ય એવું જે ભગવાનનું સ્વરૂપ તે તો મનન ને નિદિધ્યાસ કર્યા વિના કયાંથી સાંભરે ? માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જો તેનું મનન ને નિદિધ્યાસ નિરંતર કર્યા કરે, તો તેનો સાક્ષાત્કાર થાય, નહિ તો આખી ઉંમર દર્શન-શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહિ.”

ઈતિ વચનામૃતમ || ૩ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30