વચનામૃત લોયા પ્રકરણ ૭

 

ઈંદ્રિયો, અંત:કરણ અને અનુભવ પહોંચ્યાનું

સંવત ૧૮૭૭ના માગશર સુદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મધ્યે સૂરાખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળી પાઘનું છોગલું વિરાજમાન હતું તથા ધોળી છીંટની ડગલી પહેરી હતી અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

અને તે સમયમાં વચનામૃતનું પુસ્તક નિત્યાનંદસ્વામીએ લાવીને શ્રીજીમહારાજને આપ્યું. પછી તે પુસ્તકને જોઈને બહુ રાજી થયા અને પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “આજ તો ભારે ભારે પ્રશ્ન પૂછો તો વાત કરીએ.” ત્યારે મુકતાનંદસ્વામીએ પ્રશ્ન પૂછયો જે, “શ્રુતિમાં કહ્યું છે જે ‘ऋते ज्ञानान्न मुक्ति: तमेव विदित्वाऽतिमृत्युमेति नान्य: पन्था विद्यतेऽयनाय ||’ “ એ શ્રુતિમાં એમ કહ્યું જે, ‘ભગવાનનું સાક્ષાત્ જ્ઞાન થાય ત્યારે જીવનું કલ્યાણ થાય છે.” ત્યારે શાસ્ત્રમાં જે બીજાં સાધન કલ્યાણને અર્થે બતાવ્યાં છે તેનું શું પ્રયોજન છે ? કેમ જે કલ્યાણ તો જ્ઞાને કરીને જ થાય છે ?” એવા પ્રશ્નને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્ઞાન તે જાણવાનું નામ છે.” ત્યારે નિત્યાનંદસ્વામીએ આશંકા કરી જે, “જાણવું એ જ જ્ઞાન હોય તો શાસ્ત્રે કરીને ભગવાનને સર્વે જગત જાણે છે, તેણે કરીને સર્વેનું કલ્યાણ થતું નથી.”

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “શાસ્ત્રે કરીને પરોક્ષપણે ભગવાનને જાણ્યા તેણે કરીને જેમ કલ્યાણ નથી તેમ જ રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર હતા ત્યારે તેમને સર્વે મનુષ્યે પ્રત્યક્ષ દીઠા હતા તો તેણે કરીને પણ શું કલ્યાણ થયું છે ?” ત્યારે મુકતાનંદસ્વામીએ કહ્યું જે, “જેણે ભગવાનને પ્રત્યક્ષ દીઠા હોય તેનું તો જન્માંતરે કલ્યાણ થાય છે,” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેણે શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યા તેણે કરીને પણ જન્માંતરે કલ્યાણ થાય છે. કાં જે, જેને શાસ્ત્રે કરીને જાણ્યા છે તેને જ નેત્રે કરીને દેખે છે અને જેને નેત્રે કરીને દેખે છે તેને જ શાસ્ત્રે કરીને જાણે છે; માટે બેયનું બીજબળ બરોબર થાય છે ને બેયનું જન્માંતરે કલ્યાણ પણ બરોબર છે, કેમ જે, શ્રવણે કરીને ભગવાનને સાંભળ્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સાંભળ્યા જ કહેવાય અને ત્વચાએ કરીને સ્પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સ્પર્શ કર્યો જ કહેવાય. અને નેત્રે કરીને જોયા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે જોયા જ કહેવાય. અને નાસિકાએ કરીને સુંઘ્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સૂંઘ્યા જ કહેવાય. અને જિહ્વાએ કરીને વર્ણન કર્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે વર્ણન કર્યા જ કહેવાય. એવી રીતે બાહૃા ઈન્દ્રિયોએ કરીને જ્ઞાન છે તથા અંત:કરણે કરીને જે જ્ઞાન છે અને અંત:કરણ ઈન્દ્રિયો પર જે જીવસત્તા તદાશ્રિત જે અનુભવ જ્ઞાન છે, તેમાંથી તમે કયા જ્ઞાનને કહો છો ? અને જે ભગવાન છે તેણે તો આ જગતની ઉત્પત્તિને અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે, જેને વિષે સ્થાવર-જંગમરૂપ જે વિશ્વ તે સાવકાશે કરીને રહ્યું છે. અને સંકર્ષણરૂપે કરીને જગતનો સંહાર કરે છે અને પ્રદ્યુમ્નરૂપે કરીને જગતની સ્થિતિ કરે છે તથા મત્સ્ય કચ્છાદિક અવતારનું ધારણ કરે છે. એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્યની સિદ્ધિને અર્થે તેવા રૂપનું ગ્રહણ કરે છે. તેમાં કોઈ કાર્ય તો એવું છે જે, જેમાં અંત:કરણ ઈન્દ્રિયો નથી પૂગતાં કેવળ અનુભવજ્ઞાને કરીને જ જણાય છે; ત્યારે તેવા કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા સ્વરૂપનું ધારણ કરે છે અને કોઈ કાર્ય એવું છે જે ઈન્દ્રિયો અંત:કરણે કરીને જાણ્યામાં આવે છે ત્યારે તે કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા જ થાય છે. માટે તમે કયા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ પૂછો છો ?” ત્યારે નિત્યાનંદસ્વામીએ કહ્યું જે, “જે ભગવાનના સ્વરૂપને વિષે ઈન્દ્રિયો, અંત:કરણ અને અનુભવ એ ત્રણે પૂગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવા જે ભગવાન તે તો શ્રીકૃષ્ણ છે. તે તો પોતે પોતાને એમ કહે જે-

‘यस्मात्क्षरमतीतोऽहमक्षरादपी गोत्तम: |
अतोऽस्मि लोके वेदे ग प्रथित: पुरुषोत्तम: ||’
‘विष्टभ्याहमिद कृत्स्नमेकांशेन स्थितो जगत् ||’
‘मत्त: परतरं नान्यत्किंगिदस्ति धनंजय! |
मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ||’
‘पश्य मे पार्थ! रुपाणि शतशोऽथ सहस्त्रश: |
नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च ||’

ઈત્યાદિક વચને કરીને પોતે પોતાને ઈન્દ્રિયો અંત:કરણ થકી અગોચર કહે છે. માટે ભગવાનને તત્વે કરીને સમજવા તે તો એમ છે જે, ઈન્દ્રિયો, અંત:કરણ તથા અનુભવ એ ત્રણે કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પુરો જ્ઞાની કહેવાય. અને એ ત્રણ પ્રકારમાંથી જો એકે ઓછો હોય તો તેને આત્યંતિક જ્ઞાન ન કહેવાય ને તેણે કરીને જન્મ-મૃત્યુને પણ ન તરે, અને કોઈક સાધને કરીને બ્રહ્મસ્વરૂપને પામ્યો હોય તે પણ જો પ્રત્યક્ષ ભગવાનને એવી રીતે ન જાણે તો તે પણ પૂરો જ્ઞાની ન કહેવાય. માટે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે

“नैष्कर्म्यप्मच्युतभाववर्जितं न शोभते ज्ञान मलं निरंजनम् |’

તથા ગીતામાં કહ્યું છે જે-

“कर्मणो ह्यपि बोद्धव्यं वोद्धव्यं च विकर्मण: |
अकर्मणश्व बोद्धव्यं गहना कर्मणो गति: ||”

અકર્મ જે જ્ઞાન તેને વિષે પણ જાણવું રહ્યું છે, તે શું તો જે બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરૂષોત્તમ તે જાણવા રહ્યા છે. અને જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરૂષોત્તમની ભક્તિનો અધિકાર છે. તે ભક્તિ તે શું ? તો જેમ શ્વેતદ્વીપવાસી જે નિરન્ન મુક્ત છે તે બ્રહ્મરૂપથકા ચંદનપુષ્પાદિ નાના પ્રકારની પૂજાસામગ્રીએ કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે, તેમ એ પણ બ્રહ્મરૂપ થકો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન-પુષ્પ, શ્રવણમનનાદિકે કરીને કરે. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે,

“ब्रह्ममूत: प्रसन्नात्म न शोगति न कांक्षति |
सम: सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ||’

માટે બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે પણ આત્યંતિક કલ્યાણને ન પામ્યો કહેવાય. અને

“भूमिरापोऽनलो वायु: खं मनो बुद्धिरेव च |
अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ||’
એ વ્યાપ્ય એવી જડ પ્રકૃતિ છે અને                                                                                                                
“अपरेयमितस्त्वन्यां प्रकृति विद्धि मे पराम् |
जीवभूतां महाभाहो! ययेदं धार्यते जगत् ||’

એ વ્યાપક એવી ચૈતન્ય પ્રકૃતિ છે. અને જે પ્રત્યક્ષ ભગવાન છે તે કેવા છે તો એ અષ્ટ પ્રકારની જે વ્યાપ્ય પ્રકૃતિ અને તેને વિષે વ્યાપક એવી જે ચૈતન્ય પ્રકૃતિ તે બેયના આધાર છે. જેમ આકાશ છે તે પૃથિવ્યાદિક ચાર તત્વોનો આધાર છે. અને પૃથ્વીની જ્યારે સંકોચ અવસ્થા થાય છે તે ભેળો આકાશ પણ સંકોચને પામે છે ને પૃથ્વીની વિકાસ અવસ્થા થાય છે તે ભેળી આકાશની પણ વિકાસ અવસ્થા છે તથા જળ, તેજ અને વાયુની સંકોચવિકાસ અવસ્થા ભેળી આકાશની પણ સંકોચ-વિકાસ અવસ્થા છે અને પૃથિવ્યાદિ તત્વની સંકોચ-વિકાસ અવસ્થા તે બેય આકાશને વિષે થાય છે, તેમ એ બે પ્રકૃતિની સંકોચ-વિકાસ અવસ્થા ભેળી ભગવાનની પણ સંકોચવિકાસ અવસ્થા છે ને એ બે પ્રકૃતિની સંકોચવિકાસ અવસ્થા તે ભગવાનને વિષે છે, એવા જે ભગવાન તે સર્વના આત્મા છે, ત્યાં શ્રુતિઓ છે-

‘अन्त:प्रविष्ट: शास्ता जनानां सर्वात्मा ?’
‘यस्याक्षरं शरीरं ….. एष सर्वभुतान्तरात्माऽपहतपाप्मा दिव्यो देव एको नारायण: |’
‘यस्यात्मा शरीरं य आत्मानमन्तरो यमयति स त आत्मान्तर्याम्यमृत: |’
‘यस्यपृथिवी शरीरं य: पृथिवीमन्तरो यमयति स त आत्मान्तर्याम्यमृत: |’

ઈત્યાદિક શ્રુતિઓ છે. તથા અન્નમય બ્રહ્મ કહ્યો છે, મનોમય બ્રહ્મ કહ્યો છે, વિજ્ઞાનમય બ્રહ્મ કહ્યો છે, આનંદમય બ્રહ્મ કહ્યો છે ઈત્યાદિક ઘણીક પ્રકારની બ્રહ્મવિદ્યા કહી છે. તેનું શું તાત્પર્ય છે ? જે, ભગવાન સર્વના કારણ છે ને સર્વના આધાર છે. માટે એ સર્વેને બ્રહ્મ કહ્યાં છે પણ એ સર્વે શરીર છે અને એ સર્વેના શરીરી તે ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યક્ષ પુરૂષોત્તમ છે. તે ભગવાનને વિષે એ જડ-ચૈતન્યરૂપ જે બે પ્રકૃતિ તે સંકોચવિકાસ અવસ્થાએ કરીને પોતાના કાર્ય સહિત સુખે કરીને રહી છે અને એ સર્વેને વિષે ભગવાન જે તે અંતર્યામીરૂપે કારણપણે કરીને રહ્યા છે અને તે જ ભગવાન આ પ્રત્યક્ષ પ્રમાણ છે. એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનને જાણે ને દેખે તેને પરિપૂર્ણ જ્ઞાન કહીએ.”

ત્યારે મુકતાનંદસ્વામીએ પૂછયું જે, “એવી રીતે દેખાતું તો ન હોય ને અંત:કરણમાં તો એવી રીતની દ્રઢ આંટી હોય તેને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય કે નહિ ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ અંધારૂં ઘર હોય ને તેમાં કોઠી તથા થાંભલા રહ્યા હોય તેને દેખે છે, તોપણ યથાર્થ દેખ્યા ન કહેવાય, તેમ પુરૂષોત્તમ ભગવાનને વિષે જડ ચિત્ પ્રકૃતિ રહી છે ને એ પ્રકૃતિને વિષે પોતે રહ્યા છે તેને અનુમાને કરીને જાણે છે પણ જો દેખ્યામાં નથી આવતું તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય. અને જો એને એવી આંટી ઠાવકી છે તો કાંઈક એને અલૌકિકપણું જણાયું જોઈએ, નહિ તો જણાશે. અને નિ:સંદેહ એવી આંટી છે ને જણાતું નથી તો એમ એ સમજે જે, ‘એ ભગવાનને વિષે તો સર્વે છે પણ મને દેખાડતા નથી એવી જ એની ઈચ્છા છે. એમ સમજીને તે ભગવાનની ભક્તિ કરતો થકો પોતાને કૃતાર્થ માને છે તો એ પરિપૂર્ણ જ્ઞાની છે; માટે ઈન્દ્રિયો, અંત:કરણ અને અનુભવ એ ત્રણે પ્રકારે કરીને જે ભગવાનને યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ. અને તેવા જ્ઞાનીને ભગવાને ગીતામાં શ્રેષ્ઠપણે કહ્યો છે-

“आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ ||
तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते ||“

એવો જે જ્ઞાની તે તો સદા સાકારમૂર્તિ એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને પ્રકૃત્તિપુરૂષ, અક્ષર તે થકી પર ને સર્વના કારણ, સર્વના આધાર જાણીને અનન્યપણે સેવે છે. એવી રીતે જે સમજવું તેને જ્ઞાન કહીએ અને એ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. અને જે એમ નથી સમજતા ને કેવળ શાસ્ત્રે કરીને ‘अहं ब्रह्मास्मि’ થઈ બેસે છે ને કહે છે, જે ‘રામકૃષ્ણાદિક તો બ્રહ્મરૂપ એવો જે હું તે મારી લહરી છે” એવા જે બ્રહ્મકુદાળ આધુનિક વેદાંતી તે તો અતિ દુષ્ટ છે ને મહાપાપી છે અને મરીને નરકમાં પડે છે તે કોઈ દિવસ એનો છૂટકો થતો નથી.”

ઈતિ વચનામૃતમ || ૭ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30