વચનામૃત લોયા પ્રકરણ ૩

 

માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચયવાળાનું

સંવત્ ૧૮૭૭ના કાર્તિક વદિ ૧૩ તેરશને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મધ્યે સુરાખાચરના દરબારમાં રાત્રિને સમે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને પોતાનાં મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી.

તે સમયને વિષે શ્રીજીમહારાજને ભગવદાનંદસ્વામી તથા શિવાનંદસ્વામીએ પ્રશ્ન પૂછયો જે, “ભગવાન તથા સંત તેનો જેને માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેનાં શાં લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય ? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરૂષનો ત્યાગ કરે.” એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી. ગામ ડડુસરવાળા રજપુત ગલુજી તથા ધર્મપુરવાળાં કુશળકુંવરબાઈ તથા પર્વતભાઈ તથા રાજબાઈ તથા જીવુબાઈ તથા લાડુબાઈ તથા મોટાં રામબાઈ તથા દાદોખાચર તથા માંચો ભક્ત તથા મૂળજી બ્રહ્મચારી તથા ભુજવાળાં લાધીબાઈ ને માતાજી તથા મુક્તાનંદસ્વામી તથા વાળાક દેશનો આહીર પટેલ સામત તથા ગામ માનકુવાના મૂળજી તથા કૃષ્ણજી તથા વાળાક દેશમાં ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત ઈત્યાદિક જે સત્સંગી તેમણે ભગવાનને અર્થે ને સંતને અર્થે જે જે કર્યું તેને વિસ્તારીને કહેતા હવા. અને વળી એમ કહ્યું જે, “જેને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યજ્ઞાને સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહિ ને જેમ કહે તેમ કરે.” તે ઉપર પોતાની વાત કરી જે, “અમારો સ્વભાવ કેવો હતો તો ‘ગોદોહનમાત્ર એક સ્થાનકમાં રહેવાય પણ વધુ રહેવાય નહિ” એવા ત્યાગી હતા અને વૈરાગ્ય અતિશય હતો ને શ્રીરામાનંદસ્વામી ઉપર હેત પણ અસાધારણ હતું. તોપણ સ્વામીએ ભુજનગરથી કહી મોકલ્યું જે, ‘જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે.” એમ મયારામભટ્ટે આવીને કહ્યું ત્યારે અમે થાંભલાને બાથ લીધી. ત્યાર પછી તેમણે કહ્યું જે, ‘મુકતાનંદસ્વામીની આજ્ઞામાં રહો.” પછી અમે સ્વામીનાં દર્શન થયાં મોર નવ મહિના સુધી મુકતાનંદસ્વામીની આજ્ઞામાં રહ્યા. એવે લક્ષણે કરીને જેને સંતનો ને ભગવાનનો એવો નિશ્ચય હોય તેને જાણીએ.” અને પછી સુંદરજી સુતાર ને ડોસા વાણિયાની વાત કરી. અને વળી જેને ભગવાનનો ને સંતનો એવો નિશ્ચય હોય તેને તેની કોરનો કેફ વર્તે એમ કહીને રાણા રાજગરની વાર્તા કરી. અને પ્રહલાદની વાર્તા કરી જે, “પ્રહલાદ જે તે નૃસિંહજી પ્રત્યે બોલ્યા જે, ‘હે મહારાજ ! હું આ તમારા વિકરાળ રૂપથી નથી બીતો ને તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો; ને તમે જ્યારે મારા ઈન્દ્રિયોરૂપ શત્રુના ગણથકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ.” માટે જે ભગવાનનો ભક્ત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેણે કરીને હર્ષ ન પામે ને રક્ષા ન કરે તેણે કરીને શોક ન કરે અને અલમસ્ત થકો ભગવાનને ભજે. અને ભગવાન ને સંત તેનું માહાત્મ્ય બહુ જાણે, તે ઉપર ગામ કઠલાલની ડોસીની વાત કરી. અને આવી રીતનો જે હરિભક્ત હોય તેનો દેહ પગ ઘસીને પડે, વાઘ ખાઈ જાય, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણીમાં બૂડી જાય ઈત્યાદિક ગમે તેવી રીતે અપમૃત્યુએ કરીને દેહ પડે તો પણ એમ સમજે જે, ‘ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહિ એ તો ભગવાનના ધામને જ પામે અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સુધી સારી પેઠે પડે ને ચંદનનાં લાકડાંમાં સંસ્કારે યુક્ત બળે તો પણ તે તો નિશ્ચય યમપુરીમાં જાય.” એ બેની વિક્તિ સારી પેઠે સમજે. એ સર્વે પ્રકારની જેના હૃદયમાં દ્રઢ ગાંઠ પડી જાય તેને ભગવાન ને સંતનો માહાત્મ્યે સહિત નિશ્ચય છે એમ જાણવું. અને એવો નિશ્ચયવાળો જે હોય તે જરૂર બ્રહ્મમહોલમાં જ પૂગે પણ બીજે કયાંઈ કોઈ ધામમાં ઓરો રહે નહિ.”

ઈતિ વચનામૃતમ || ૩ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30