વચનામૃત લોયા પ્રકરણ ૧

 

સત્પુરૂષ અને અસત્પુરૂષની સમજણનું

સંવત્ ૧૮૭૭ના માગશર વદિ ૮ આઠમને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ ગામ શ્રીલોયા મધ્યે સુખાખાચરના દરબારમાં પ્રાત:કાળને સમે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછયો જે, “શ્રીમદ્ ભાગવત તથા ભગવદગીતા એ આદિક જે સતશાસ્ત્ર તે થકી અસત્પુરૂષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર કરીએ છીએ જે, અસત્પુરૂષની એમ સમજણ છે જે-આ વિશ્વને વિષે સ્થાવર-જંગમરૂપ એવી જે સ્ત્રીપુરૂષની સર્વે આકૃતિઓ તે જે તે વિરાટરૂપ એવા જે આદિપુરૂષ નારાયણ તે થકી માયાએ કરીને ઊપજી છે, માટે એ સર્વે આકૃતિઓ તે નારાયણની જ છે, તે સારૂ જે મુમુક્ષુ કલ્યાણને ઈચ્છતો હોય તેણે પ્રથમ પોતાનું મન વશ કરવું તે મન જે તે સ્ત્રીઓ તથા પુરૂષરૂપ એવી ઉત્તમ, નીચ જે જે આકૃતિઓ તેને વિષે આસક્ત થાય, ત્યારે તેને તે જ આકૃતિનું મનને વિષે ધ્યાન કરવું, તો એને સદ્ય સમાધિ થાય. અને તે આકૃતિને વિષે જો મન દોષને કલ્પે, તો તેમાં બ્રહ્મની ભાવના લાવવી જે, ‘સમગ્ર જગત તે બ્રહ્મ છે” એમ વિચાર કરીને તે સંકલ્પને ખોટો કરવો. એવી રીતે જે સતશાસ્ત્રમાંથી અનુભવનું ગ્રહણ કરવું તે અસત્પુરૂષની સમજણ છે અને એમ સમજવું એ એના મનનો અતિ દુષ્ટ ભાવ છે અને તેનું ફળ અંતકાળે ઘોરતમ નરક છે ને સંસૃતિ છે.”

ત્યારે વળી શ્રીજીમહારાજને શુક મુનિએ પ્રશ્ન કર્યો જે, “એ સતશાસ્ત્ર થકી સત્પુરૂષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે તે કહો ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ સતશાસ્ત્રને વિષે જ એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે જે, એક પુરૂષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ-બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઈચ્છતો હોય તેને કરવું નહિ અને મનુષ્યને વિષે તથા દેવતાને વિષે જે પુરૂષોત્તમ નારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું. અને તેને વિષે પણ જે ડાહ્યા છે તે જે તે જે સ્થાનકમાં એ રામકૃષ્ણાદિક ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિઓ રહી છે, તે સ્થાનકને વિષે વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ લોકની ભાવના કરે છે અને તે લોકોને વિષે રહ્યા જે પાર્ષદ તેની ભાવના રામકૃષ્ણાદિકના પાર્ષદ જે હનુમાન ઉદ્ધવાદિક તેને વિષે કરે છે. અને કોટિ કોટિ સૂર્ય, ચંદ્રમા, અગ્નિ તેના પ્રકાશ જેવી પ્રકાશમાન એવી જે તે લોકોને વિષે રહી પુરૂષોત્તમનારાયણની દિવ્યમૂર્તિઓ તેની ભાવના તે રામકૃષ્ણાદિકને વિષે કરે છે; એવી રીતે જે સતશાસ્ત્ર થકી સમજણનું ગ્રહણ કરીને દિવ્યભાવે સહિત મનુષ્યરૂપ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે, તેને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તથા તે વિનાના જે અન્ય આકાર તે બેયને વિષે સમપણું થાય જ નહિ. અને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તે છે તો દ્વિભુજ અને તેને વિષે ચાર ભુજની ભાવના, અષ્ટ ભુજની ભાવના કહી છે; તે પણ ભગવાનની મૂર્તિને તે વિનાના અન્ય આકાર તે બેમાં જે અવિવેકી પુરૂષને સમભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું. અને પોતાને ભગવાનની મૂર્તિ મળી હોય તેને વિષે જ પતિવ્રતાની પેઠે ટેક રાખવી, જેમ પાર્વતીએ કહ્યું છે જે, ‘કોટિ જન્મલગ રગડ હમારી, વરૂં શંભુ કે રહું કુમારી.” એવી રીતે પતિવ્રતાપણાની ટેક તે પણ ભગવાનનું રૂપ ને અન્ય જીવનું રૂપ તે બેયને વિષે અવિવેકી પુરૂષને સમભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે, કેમ જે પોતાને મળી જે મૂર્તિ તેને મૂકીને તેના જ પૂર્વે પરોક્ષ અવતાર થયા છે તેનું જો ધ્યાન કરે, તો તે ભગવાન વિના બીજા જે દેવ મનુષ્યાદિક આકાર છે તેનું પણ ધ્યાન કરે, માટે પતિવ્રતાના જેવી ટેક કહી છે, પણ ભગવાનની મૂર્તિઓને વિષે ભેદ નથી. આવી રીતે સત્પુરૂષની સમજણ છે. માટે જે સતશાસ્ત્રનું શ્રવણ કરવું, તે સત્પુરૂષ થકી જ કરવું, પણ અસત્પુરૂષ થકી સતશાસ્ત્રનું કોઈ દિવસ શ્રવણ કરવું નહિ.”

ઈતિ વચનામૃતમ || ૧૧ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30