વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૭૨

 

માહાત્મ્યે સહિત નિશ્ચયનું

સંવત્ ૧૮૭૬ના ચૈત્ર વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરને સમીપે ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી.

પછી મુકતાનંદસ્વામીએ પૂછયું જે, “હે મહારાજ ! કાલ્યને દિવસ તમે દાદાખાચર આગળ બહુ રૂડી વાર્તા કરી હતી તે વાર્તા સાંભળવાની અમારે સર્વેને ઘણી ઈચ્છા છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનના ભકતને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યે સહિત હોય ને સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય ઘણું જાણતો હોય ને તે ભકતનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તોપણ તે ભકતને એવી ભકિતનું અતિશય બળ છે તે કાળ ને કર્મ એ બેય મળીને તેનું ભૂંડું કરી શકતા નથી. અને જેને ભગવાન ને ભગવાનના સંતને વિષે જો નિષ્ઠામાં કાંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાને ઈચ્છે તોય રૂડું થતું નથી. અને જે ગરીબને કલપાવે તેનું તો કોઈ રીતે રૂડું જ થાય નહિ. અને મહાભારતમાં ભીષ્મપિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું છે જે, ‘જો ગરીબને કલપાવીશ તો તું તારા વંશે સહિત બળીને ભસ્મ થઈ જઈશ.” માટે ભગવાનનો ભકત હોય અથવા કોઈ બીજો હોય પણ ગરીબમાત્રને લેશમાત્ર દુખવવો નહિ અને જો ગરીબને દુ:ખવે તો તેનું કોઈ પ્રકારે સારું થાય નહિ અને જો ગરીબને દુખવે તો બ્રહ્મહત્યા જેટલું પાપ થાય છે. અને તેમ જ કોઈકને માથે જૂઠું કલંક દેવું તે પણ બ્રહ્મહત્યા જેવું જ છે; અને જો સાચું કલંક હોય તો પણ તેને એકાંતે તેડીને તેનું રૂડું થાય એમ કહેવું પણ તેને ફજેત કરવો નહિ. અને તેમ જ પાંચ પ્રકારની જે સ્ત્રીઓ છે તેનો જો ધર્મભંગ કરાવે તો તેને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. તે પાંચ પ્રકારની સ્ત્રીઓ કઈ, તો એક તો પોતાને શરણે આવી હોય અને બીજી તે પોતાની સ્ત્રી હોય અને વ્રત-ઉપવાસને દિવસ પોતાનો સંગ કરવા ન ઈચ્છતી હોય અને ત્રીજી તે પતિવ્રતા હોય અને ચોથી તે વિધવા સ્ત્રી અને પાંચમી તે વિશ્વાસી સ્ત્રી, એ પાંચ પ્રકારની સ્ત્રીઓને સંઘાથે જો વ્યભિચાર કરે તો તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. તેમાં જે વિધવા સ્ત્રી છે તેનું જો મન કુમાર્ગને વિષે ડોલતું હોય તો તેને સમજાવીને ધર્મમાં રાખવી.”

પછી મુનિ જે તે ભગવાનનાં રસિક કિર્તન ગાવા લાગ્યા. તેને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે દેહ ધરે છે ત્યારે મનુષ્યના જેવી જ સર્વે ક્રિયા હોય તેને દેખીને જે ભગવાનના ભકત હોય તે તો ચરિત્ર કરી જાણે અને વિમુખ જીવ હોય અથવા કાચોપોચો હરિભક્ત હોય તે તો તે ચરિત્રને વિષે દોષ પરઠે, જેમ શુકજીએ રાસપંચાધ્યાયીનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો. પછી એમ પુછયું જે, ‘ભગવાન તો ધર્મની મર્યાદા સ્થાપન કરવાને અર્થે પ્રકટ થયા હતા, તેણે પરસ્ત્રીનો સંગ કરીને ધર્મનો ભંગ કેમ કર્યો ?” એવી રીતે દોષ લીધો. અને શુકજીએ તો સમજી વિચારીને ભગવાનનું ગુણગાન કર્યું જે, કામદેવે બ્રહ્માદિક દેવતાને જીતીને પોતાને વશ કર્યા, તેનો કામદેવને અતિશય ગર્વ થયો તે ગર્વને ઉતારવાને કાજે ભગવાને કામદેવને પડકાર્યો. તે જેમ કોઈ બળવાન રાજા હોય તે શત્રુને પોતાની ગાંઠયની દારૂગોળી અપાવીને પછી તે સાથે લડવા જાય, તેમ ભગવાને કામદેવરૂપી શત્રુને લડયાનો સામાન મોરથી આપ્યો, તે શું તો કામદેવનું બળ જયારે સ્ત્રીનો સંબંધ હોય ત્યારે થાય. તેમાં પણ શરદઋતુને વિષે રાત્રિમાં કામદેવનું વધુ બળ થાય તથા સ્ત્રીના રાગરંગ, વિલાસના શબ્દ સાંભળવા તથા સ્ત્રીનું રૂપ જોવું, સ્ત્રીનો સ્પર્શ કરવો તેણે કરીને કામદેવનું અતિશય બળ વધે છે. એ સર્વે સામાન શ્રીકૃષ્ણભગવાને કામદેવને આપીને તેને જીતી લીધો અને અખંડ બ્રહ્મચારીની પેઠે ઉર્ધ્વરેતા રહ્યા અને એવી રીતે કામનો ગર્વ ઉતાર્યો. એવું અલૌકિક સામર્થ્ય ભગવાન વિના બીજામાં હોય નહિ, એવું અતિ ભગવાનનું સામર્થ્ય જાણીને શુકજીએ ભગવાનનાં ચરિત્રગાન કર્યા અને રાજા પરીક્ષિતને તે વાત સમજાણી નહિ ત્યારે દોષ પરઠયો, માટે કોઈક એમ કહે જે, ‘તમે પરમહંસ થઈને રસિક કિર્તન કેમ ગાઓ છો ?” તો તેને એમ કહેવું જે, ‘જો અમે રસિક કિર્તન ન ગાઈએ અને ભગવાનનાં રસિક ચરિત્રને વિષે દોષ પરઠીએ તો અમે પણ રાજા પરીક્ષિત તથા બીજા જે નાસ્તિક વિમુખ જીવ તેની પંકિતમાં ભળીએ. માટે અમારે તો વિમુખની પંકિતમાં ભળવું નથી, શા માટે જે પરમહંસ માત્રના ગુરૂ જે શુકજી તેણે ભગવાનનાં રસિક ચરિત્ર ગાયાં છે માટે અમારે પણ જરૂર ગાવવાં.”

અને ક્ષર અક્ષરથી પર એવા જે પુરૂષોત્તમ ભગવાન છે, તે જયારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિષે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે ત્યારે સર્વે મનુષ્યનાં જેવાં જ ચરિત્ર કરે છે. અને જેમ મનુષ્યને વિષે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા ઈત્યાદિક માયિક સ્વભાવ હોય તેવા જ સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે, તે સર્વે જીવના કલ્યાણને અર્થે છે. પછી જે ભકત હોય તે તો એ ચરિત્રને ગાઈને પરમપદને પામે છે અને જે વિમુખ હોય તે દોષ પરઠે છે. અને એ ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે તેમ જ પ્રકૃતિ પુરૂષથકી પર જે અક્ષરબ્રહ્મ તેના પણ આત્મા છે અને ક્ષર અક્ષર એ બેયને પોતાની શકિતએ કરીને ધરી રહ્યા છે અને પોતે તો ક્ષર અક્ષરથી ન્યારા છે. અને ભગવાનની મોટાઈ તો એવી છે જે, ‘જેના એક એક રોમના છિદ્રને વિષે અનંત કોટિ બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યાં છે” એવા જે મોટા ભગવાન તે જીવના કલ્યાણને વાસ્તે મનુષ્ય જેવડા જ થાય છે, ત્યારે જીવને સેવા કર્યાનો યોગ આવે છે. અને જો ભગવાન જેવડા છે તેવડા ને તેવડા રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માંડના અધિપતિ દેવ તેને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાનું સામર્થ્ય રહે નહિ, તો મનુષ્યને તો રહે જ કયાંથી ? અને જેમ વડવાનળ અગ્નિ છે તે સમુદ્રના જળને વિષે રહ્યો છે અને સમુદ્રના જળને પીવે છે ને સમુદ્રનો ઓલાવ્યો ઓલાતો નથી એવો મોટો છે. તે અગ્નિ જયારે આપણે ઘરમાં દીવો જોઈતો હોય ત્યારે આવીને આપણા ઘરમાં બેસે તો આપણને દીવા જેવું સુખ થાય નહિ અને બળીને સર્વે ભસ્મ થઈ જઈએ. અને તે જ અગ્નિ દીવારૂપે હોય તો અજવાળું કરે ને આનંદ થાય અને તે દીવો છે તો તેનો તે જ અગ્નિ; પણ ફૂંકીએ તથા હાથે કરીને ઓલવીએ તો ઓલાઈ જાય એવો અસમર્થ છે; તોપણ તે થકી જ આપણને સુખ થાય પણ વડવાનળ અગ્નિથી સુખ ન થાય. તેમ જ ભગવાન મનુષ્ય જેવા અસમર્થ જણાતા હોય પણ અનેક જીવનું કલ્યાણ એ થકી જ થાય પણ જેના એક એક રોમમાં અનંત કોટિ બ્રહ્માંડ રહ્યાં છે એવી મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થાય નહિ. માટે એવે રૂપે કરીને કલ્યાણ ન થાય, તે માટે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારીને જેવાં જેવાં ચરિત્ર કરે છે, તે સર્વે ગાન કરવા યોગ્ય છે, પણ એમ ન સમજવું જે, ‘ભગવાન થઈને એમ શું કરતા હશે ?” અને ભગવાનનાં ચરિત્ર તો સર્વે કલ્યાણકારી જ સમજવાં એ જ ભકતનો ધર્મ છે અને એવું સમજે તે જ ભગવાનનો પૂરો ભકત કહેવાય છે.”

પછી રોજકાના હરિભકત કાકાભાઈએ પૂછયું જે, “ જેને માહાત્મ્ય વિનાનો એકલો ભગવાનનો નિશ્ચય હોય તેનાં શાં લક્ષણ છે ? અને જેને માહાત્મ્યે સહિત નિશ્ચય હોય તેનાં શાં લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને એકલો નિશ્ચય હોય તેને એમ ઘાટ થાય જે, ‘ભગવાન તો મળ્યા છે પણ શું જાણીએ કલ્યાણ તો થશે કે નહિ થાય ?” અને જેને માહાત્મ્યે સહિત નિશ્ચય હોય તેને તો એમ સમજાય જે, ‘જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે અને જે જીવ ભાવે કરીને મારૂં દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય તો મારે કલ્યાણનો શ્યો સંશય છે ? હું તો કૃતાર્થ છું અને જે કાંઈ સાધન કરૂં છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરૂં છું” એમ સમજે તેને ભગવાનનો માહાત્મ્યે સહિત નિશ્ચય જાણવો.”

પછી વળી કાકાભાઈએ પૂછયું જે, “ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના જે ભગવાનના ભકત તેનાં શાં લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભકત પોતાના દેહથકીજુદો જે આત્મા તે રૂપ માને અને દેહના ગુણ જે જડ, દુ:ખ, મિથ્યા, અપવિત્રપણું ઈત્યાદિક છે તે આત્માને વિષે માને નહિ અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી ઈત્યાદિક જે આત્માના ગુણ તે દેહને વિષે માને નહિ અને પોતાના શરીરને વિષે રહ્યો જે જીવાત્મા તેને દેખે અને તે આત્માને વિષે રહ્યા જે પરમાત્મા તેને પણ દેખે અને બીજાના દેહમાં જે આત્મા રહ્યો છે તેને પણ દેખે. અને એવો સમર્થ થયો છે તોપણ એ આત્મદર્શનથકી ભગવાન અને ભગવાનના સંત તેને અધિક જાણે છે પણ પોતાને આત્મદર્શન થયું છે તેનું અભિમાન લેશમાત્ર ન હોય, એવાં જેનાં લક્ષણ છે તે ઉત્તમ ભકત કહેવાય. હવે જેને ભગવાનનો નિશ્ચય હોય અને આત્મનિષ્ઠા પણ હોય તોપણ ભગવાનના ભકત ઉપર ઈર્ષા આવે અને જો ભગવાન એનું અપમાન કરે તો ભગવાન ઉપર પણ ઈર્ષા આવે જે, ‘મોટા થઈને વગર વાંકે આમ શીદ કરતા હશે” એવાં લક્ષણ હોય તે મધ્યમ ભકત જાણવો. અને ભગવાનનો નિશ્ચય તો હોય પણ આત્મનિષ્ઠા ન હોય અને ભગવાનને વિષે પ્રીતિ હોય અને જગતના વ્યવહારને વિષે પણ પ્રીતિ હોય અને સાંસારિક વ્યવહારને વિષે હર્ષશોકને પામતો હોય તેને કનિષ્ઠ ભકત જાણવો.”

ઈતિ વચનામૃતમ || ૭૨ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30