વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૭૧

 

ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે

સંવત્ ૧૮૭૬ના ચૈત્ર વદિ ૪ ચતુર્થીને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે દ્વાર મેડીની આગળ ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી ને મુકતાનંદસ્વામી આદિક સાધુ વાજિંત્ર વગાડીને કિર્તન ગાતા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે કિર્તનભકિતની સમાપ્તિ કરીને માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો.” પછી સોમલે ખાચરે પ્રશ્ન પૂછયો જે, “ભગવાન પોતાના ભકતના સર્વે અપરાધ માફ કરે છે, પણ એવો કયો અપરાધ છે જે ભગવાન માફ ન કરે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,”બીજા સર્વે અપરાધ માફ કરે છે પણ ભગવાનના ભકતનો દ્રોહ કરે એ અપરાધને ભગવાન માફ નથી કરતા. માટે ભગવાનના ભકતનો કોઈ પ્રકારે દ્રોહ કરવો નહિ. અને વળી ભગવાનના સર્વે અપરાધ થકી જે ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે તે માટે એ અપરાધ તો કયારેય પણ કરવો નહિ અને એ અપરાધ કરે તો એને પંચ મહાપાપ કરતાં પણ અધિક પાપ લાગે છે. અને ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે તેને જે નિરાકાર સમજવા એ જ ભગવાનના આકારનું ખંડન કર્યું કહેવાય છે. અને પુરુષોત્તમ એવા જે ભગવાન તે જે તે કોટિ સૂર્ય, ચંદ્ર સરખું તેજોમય એવું પોતાનું અક્ષરધામ તેને વિષે સદા દિવ્યાકારથકા વિરાજમાન છે અને બ્રહ્મરૂપ એવા જે અનંતકોટિ મુકત તેમણે સેવ્યાં છે ચરણકમળ જેનાં એવા છે અને પરબ્રહ્મ પુરૂષોત્તમ એવા જે એ ભગવાન તે જ પોતે કૃપાએ કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે પ્રકટ થાય છે ત્યારે જે જે તત્વનો અંગીકાર કરે છે તે સર્વે તત્વ બ્રહ્મરૂપ છે, કાં જે રામકૃષ્ણાદિક અવતારને વિષે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તે જણાય છે તથા દશ ઈંદ્રિયો, પંચ પ્રાણ ઈત્યાદિક સર્વે તત્વ મનુષ્યની પેઠે જણાય છે પણ એ સર્વે બ્રહ્મ છે પણ માયિક નથી, તે માટે એ ભગવાનના આકારનું ખંડન કયારેય પણ ન કરવું.

પછી માતરેધાધલે પ્રશ્ન પૂછયો જે, “ઈર્ષાનું શું રૂપ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેની ઉપર જેને ઈર્ષા હોય તેનું રૂડું થાય ત્યારે તેથી ખમાય નહિ અને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય, એ ઈર્ષાનું લક્ષણ છે.”

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછયો જે, “ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય અને ભજન કરતો હોય ને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય અને તેનું કલ્યાણ થાય એ તો સત્સંગની રીતિ છે; પણ શાસ્ત્રમાં કલ્યાણની કેમ રીતિ છે ? અને વેદનો અર્થ તો અતિકઠણ છે માટે તેની કથા થતી નથી. અને શ્રીમદ્દ ભાગવત પુરાણ અને ભારત એમાં વેદનો જ અર્થ છે ને સુગમ છે માટે તેની જગતમાં કથા થાય છે. માટે શાસ્ત્રની રીતે કરીને કલ્યાણ થતું હોય તેમ કહો. અને શંકરાચાર્યે તો નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે અને રામાનુજાદિક જે આચાર્ય તેમણે તો સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે; માટે એવી રીતે શાસ્ત્રનો મત લઈને ઉત્તર કરો.” પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનને ભજને કરીને કલ્યાણ છે એવી રીતે પ્રતિપાદન કર્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ, પણ તેમાં તમને એક પ્રશ્ન પૂછીએ છીએ જે, ‘નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ તેથી પર ને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી ઉપર પ્રકટ મળ્યા તે કેડે બ્રહ્મપુર તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, એ આદિક જે ભગવાનનાં ધામ તે ધામને દેખવાની જેને લાલચ રહે ત્યારે એને નિશ્ચય છે કે નથી ?” પછી મુનિ બોલ્યા જે, “ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય જે, ‘જ્યારે અક્ષરાદિક ધામ દેખીશું અથવા કોટિ કોટિ સૂર્યનો પ્રકાશ દેખીશું ત્યારે આપણું કલ્યાણ થયું” એવી સમજણવાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એણે બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મસ્વરૂપને દેખ્યાની લાલચ રાખી એ તે શું એણે પાપ કર્યું જે નિશ્ચયની ના પાડો છો ?” પછી મુનિ બોલ્યા જે, “જેણે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શન કરીને કલ્યાણ માન્યું હોય તે બ્રહ્મપુર ગોલોક આદિક જે ધામ છે તે પણ ભગવાનનાં જ છે માટે તેની પણ અરૂચિ શા સારુ રાખે ? પણ ભગવાન વિના એને ઈચ્છે નહિ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તે ધામ ને તે ધામને વિષે રહ્યા જે પાર્ષદ તે તો ચૈતન્યમૂર્તિ છે ને માયા પર છે માટે એમાં શું દૂષણ છે, જે એને ઈચ્છે નહિ? અને ભગવાન પૃથ્વી ઉપર પ્રકટ વિરાજતા હોય ને ત્યાં જે સેવક હોય તે પણ મરી જાય એવા હોય અને ઘર હોય તે પણ પડી જાય એવાં હોય તે કેમ સમજો છો ?” પછી મુનિ બોલ્યા જે, “એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ ને એ સેવકને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “બ્રહ્મપુર ને બ્રહ્મપુરને વિષે રહ્યા જે ભગવાનના પાર્ષદ તે તો અખંડ છે ને અવિનાશી છે તેને મૃત્યુલોકનાં નાશવંત એવાં જે ઘર ને પાર્ષદ તે બે બરોબર કેમ કહો છો ?” પછી નિત્યાનંદસ્વામી બોલ્યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર તો તમે કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનાં જે સર્વે ઐશ્ચર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહિ. અને જયારે કોઈક ભકતને સમાધિને વિષે અલૌકિક દ્રષ્ટિ થાય છે ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિષે કોટિકોટિ સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે અને અનંત કોટિ જે મુકત તે પણ મૂર્તિ ભેળા ભાસે છે અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે. માટે એ સર્વે ભગવાન ભેળું છે તોય પણ ભગવાન તે મનુષ્ય જે પોતાના ભકત હોય તેની જ સેવાને અંગીકાર કરે છે અને તે પોતના ભકતનાં ગાર્ય, માટી ને પાણાનાં જે ઘર તેને વિષે વિરાજમાન રહે છે અને તે ભકત ધૂપ-દીપ, અન્નવસ્ત્રાદિક જે જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે, તે એ મનુષ્ય સેવક છે તેને દિવ્યરૂપ પાર્ષદ ભેળા ભેળવવા વાસ્તે કરે છે. અને જે ભકતજન જે જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે તે વસ્તુ ભગવાનના ધામને વિષે દિવ્યરૂપ થાય છે અને એ ભકત દિવ્યરૂપ થઈને તેને પામે છે માટે એવું અચળ અખંડ સુખ ભકતજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભકતજન તેની સર્વે સેવાને અંગીકાર કરે છે. માટે ભગવાનના ભકતને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી,”

ઈતિ વચનામૃતમ || ૭૧ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30