વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૬૫

 

જ્ઞાનશકિત, ક્રિયાશકિત ને ઈચ્છાશકિતનું

સંવત્ ૧૮૭૬ના ફાગણ વદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને પોઢવાના ઓરડાની આસરીએ ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી.

અને શ્રીજીમહારાજ કથા કરાવતા હતા તે સમે મોટા મોટા પરમહંસને પોતાને સમીપ બોલાવ્યા. પછી કથાનો અધ્યાય પૂરો થયો ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે જેટલા મોટા મોટા સાધુ છો તે પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરો, કેમ જે પ્રશ્ન-ઉત્તર કરો ત્યારે જેને જેવી બુદ્ધિ હોય તે જાણ્યામાં આવે.” પછી સ્વયંપ્રકાશાનંદસ્વામીએ પરમાનંદસ્વામીને પ્રશ્ન પૂછયો જે, “આકાશની ઉત્પત્તિ અને લય તે કયે પ્રકારે છે ?” ત્યારે પરમાનંદસ્વામી એ પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ બાળક હોય ને તે જયારે પ્રથમ માતાના ઉદરમાં હોય ત્યારે તથા જન્મ સમયમાં તેને હૃદયાદિક જે ઈન્દ્રિયોનાં છિદ્ર તે સૂક્ષ્મ હોય ને પછી જેમ જેમ તે બાળક વૃદ્ધિને પામતો જાય તેમ તેમ તે છિદ્રની વૃદ્ધિ થતી જાય ને તેમાં આકાશ પણ ઉત્પન્ન થતો જણાય. અને જયારે એ વૃદ્ધ અવસ્થાને પામે ત્યારે એનાં ઈન્દ્રિયોનાં છિદ્ર તે સંકોચને પામતાં જાય ને તેમાં આકાશ પણ લય થતો જણાય, તેમ જયારે વિરાટ દેહ ઊપજે ત્યારે તેને અવાંતર હૃદયાદિક છિદ્રમાં આકાશ ઉત્પન્ન થતો જણાય અને જયારે એ વિરાટ દેહનો લય થાય ત્યારે આકાશ લય પામ્યો જણાય, એમ આકાશની ઉત્પત્તિ અને લય છે. પણ જે આકાશ સર્વેનો આધાર છે તે તો જેમ પ્રકૃતિપુરૂષ નિત્ય છે તેમ નિત્ય છે, એની ઉત્પત્તિ ને લય તે કહેવાય નહિ. અને વળી સમાધિએ કરીને પણ આકાશની ઉત્પત્તિ ને લય છે તેની રીતને તો જે સમાધિવાળો છે તે જાણે છે”

પછી પરમાનંદસ્વામીએ સ્વયંપ્રકાશાનંદસ્વામીને પ્રશ્ન પૂછયો જે,”સુષુમ્ણા નાડી તે દેહને માંહિલી કોરે કેમ રહી છે અને દેહથી બહાર કેમ રહી છે ?” ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વયંપ્રકાશાનંદસ્વામીએ કરવા માંડયો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે, તેટલું જ આ પિંડમાં પણ છે. તે પિંડમાં અલ્પ છે ને બ્રહ્માંડમાં મહત્ છે અને જેવો આ પિંડનો આકાર છે તેવો જ બ્રહ્માંડનો આકાર છે અને જેમ બ્રહ્માંડમાં નદીઓ છે તેમ પિંડમાં નાડીઓ છે અને જેમ બ્રહ્માંડમાં સમુદ્ર છે તેમ પિંડમાં કુક્ષિને વિષે જળ છે અને જેમ ત્યાં ચંદ્ર-સૂર્ય છે તેમ પિંડમાં ઈડા-પિંગલા નાડીને વિષે ચંદ્ર-સૂર્ય છે ઈત્યાદિક સામગ્રી જેમ બ્રહ્માંડમાં છે તેમ પિંડમાં છે. અને આ પિંડમાં જે ઈન્દ્રિયોની નાડીઓ છે તેની બ્રહ્માંડ સાથે એકતા છે. તે જિહ્વાના અંતને પામે ત્યારે વરૂણદેવને પમાય છે અને વાક્ ઈન્દ્રિયના અંતને પામે ત્યારે અગ્નિદેવને પામે છે અને ત્વચાના અંતને પામે ત્યારે વાયુદેવને પામે છે અને શિશ્નના અંતને પામે ત્યારે પ્રજાપતિને પામે છે અને હાથના અંતને પામે ત્યારે ઈન્દ્રને પામે છે. અને તેમ જ હૃદયને વિષે રહી જે સુષુમ્ણા નાડી તેનું અંત જે બ્રહ્મરંધ્ર તેને જયારે પામે ત્યારે શિશુમાર ચક્રને વિષે રહી જે વૈશ્વાનર નામે અગ્નિ-અભિમાની દેવતા તેને પામે છે. ત્યારે બ્રહ્મરંધ્રથી લઈને પ્રકૃતિપુરૂષ સુધી એક તેજનો માર્ગ સળંગ રહ્યો છે તેને દેખે છે. તે તેજના માર્ગને સુષુમ્ણા કહીએ. એવી રીતે સુષુમ્ણા નાડી પિંડમાં ને બ્રહ્માંડમાં રહી છે.”

પછી વળી પરમાનંદસ્વામીએ સ્વયંપ્રકાશાનંદસ્વામીને પ્રશ્ન પૂછયો જે, “પ્રથમ જાગ્રત અવસ્થાનો લય છે કે સ્વપ્નનો લય છે કે સુષુપ્તિનો લય છે ?” ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વયંપ્રકાશાનંદસ્વામીને ન આવડયો, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જાગ્રત અવસ્થાને વિષે સ્નેહે કરીને ભગવાનની મૂર્તિને વિષે લય થાય ત્યારે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય થાય છે અને પછી સ્વપ્નનો ને સુષુપ્તિનો લય થાય છે. અને જયારે મને કરીને ચિંતવન કરતે કરતે સ્વપ્નને વિષે ભગવાનની મૂર્તિમાં લય થાય ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય અને પછી જાગ્રતનો ને સુષુપ્તિનો લય થાય છે. અને જ્યારે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરતે કરતે ઉપશમપણે કરીને લય થાય છે ત્યારે પ્રથમ સુષુપ્તિનો લય થાય છે અને પછી જાગ્રતનો ને સ્વપ્નનો લય થાય છે,” એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર કર્યો.

પછી વળી સ્વયંપ્રકાશાનંદસ્વામીએ પરમાનંદસ્વામીને પ્રશ્ન પૂછયો જે, “ભગવાનને વિષે જ્ઞાનશકિત, ક્રિયાશકિત અને ઈચ્છાશકિત છે તે કેમ સમજવી ?” ત્યારે શ્રીજીમહારાજ હસીને બોલ્યા જે, “એનો ઉત્તર તો તમને પણ નહિ આવડતો હોય,” એમ કહીને પોતે ઉત્તર કરવા લાગ્યા જે, “આ જીવ જયારે સત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય અને ત્યારે જે કર્મ કરે તે કર્મનું ફળ તે જાગ્રત અવસ્થા છે. અને આ જીવ જ્યારે રજોગુણ પ્રધાનપણે વર્તે અને તે સમયમાં જે કર્મ કરે તે કર્મનું ફળ સ્વપ્ન અવસ્થા છે, અને જયારે આ જીવ તમોગુણ પ્રધાનપણે વર્તતો હોય અને તે સમયમાં જે કર્મ કરે તેનું ફળ તે સુષુપ્તિ અવસ્થા છે. અને તે સુષુપ્તિ અવસ્થાને આ જીવ પામે છે ત્યારે જેવી પાણાની શિલા હોય તે જેવો જડ થઈ જાય છે અને એને કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી જે, ‘હું પંડિત છું કે મૂર્ખ છું કે આ કામ કર્યું છે કે આ કામ કરવું છે, કે આ મારી જાતિ છે કે આવો મારો વર્ણ છે. કે આવો મારો આશ્રમ છે, કે આ મારૂં નામ છે કે આ મારું રૂપ છે, કે હું દેવ છું કે મનુષ્ય છું, કે બાળક છું કે વૃદ્ધ છું, કે ધર્મિષ્ઠ છું, કે પાપિષ્ઠ છું, ઈત્યાદિક કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી. અને એવી રીતનો જયારે આ જીવ થઈ જાય છે ત્યારે જે ભગવાન છે તે એને જ્ઞાનશકિતએ કરીને સુષુપ્તિમાંથી જગાડીને એને એની સર્વે ક્રિયાનું જ્ઞાન આપે છે તેને જ્ઞાનશકિત કહીએ. અને એ જીવ જે જે ક્રિયાને વિષે પ્રવર્તે છે તે ભગવાનની જે ક્રિયાશકિત તેનું અવલંબન કરીને પ્રવર્તે છે તેને ક્રિયાશકિત કહીએ. અને એ જીવ જે જે કોઈ પદાર્થની ઈચ્છાને પ્રાપ્ત થાય છે, તે પરમેશ્વરની ઈચ્છાશકિતને અવલંબને કરીને પ્રાપ્ત થાય છે તેને ઈચ્છાશકિત કહીએ. અને એ જીવને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા ભોગવાય છે તે કેવળ કર્મે કરીને જ નથી ભોગવાતી. એ તો એને કર્મના ફળપ્રદાતા જે પરમેશ્વર તે એ જીવને જયારે કર્મફળને ભોગવાવે છે ત્યારે ભોગવે છે, કેમ જે આ જીવ જયારે જાગ્રત અવસ્થાના ફળને ભોગવતો હોય ને ત્યારે એ ઈચ્છે જે મારે સ્વપ્નમાં જવું છે તો એની વતે સ્વપ્નમાં જવાય નહિ, શા માટે જે ફળપ્રદાતા જે પરમેશ્વર તે એની વૃત્તિઓને રૂંધી રાખે છે. અને સ્વપ્નમાંથી જાગ્રતમાં આવવાને ઈચ્છે તો જાગ્રતમાં અવાય નહિ. અને સુષુપ્તિમાં પણ જવાય નહિ અને સુષુપ્તિમાંથી સ્વપ્નમાં તથા જાગ્રતમાં અવાય નહિ. એ તો જયારે જે કર્મના ફળના ભોગવાવનારા પરમેશ્વર છે તે એને જે અવસ્થાના કર્મફળને ભોગવાવે તેને જ ભોગવી શકે છે પણ એ જીવ પોતાની ઈચ્છાએ કરીને અથવા કર્મે કરીને કર્મના ફળને ભોગવી શકતો નથી. એવી રીતે ભગવાનને વિષે જ્ઞાનશકિત, ક્રિયાશકિત અને ઈચ્છાશકિત તે રહી છે” એમ શ્રીજીમહારાજે કૃપા કરીને ઉત્તર કર્યો.

ઈતિ વચનામૃતમ || ૬૫ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30