વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૬૪

 

શરીરશરીરીનું – સ્વામીસેવકભાવનું

સંવત્ ૧૮૭૬ના ફાગણ વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને કાળા છેડાનો ખેસ ઓઢયો હતો ને મસ્તકે હીરકોરનું ધોતિયું બાંધ્યું હતું ને તુલસીની નવી કંઠી કંઠને વિષે પહેરી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછયો જે, “પુરૂષોત્તમ એવા જે ભગવાન તેનું શરીર આત્મા તથા અક્ષર છે, એમ શ્રુતિએ કહ્યું છે. તે આત્મા અને અક્ષર તે તો વિકારે રહિત છે ને તે આત્મા ને અક્ષર ને વિષે કાંઈ હેય ઉપાધિ નથી. અને જેમ ભગવાન માયા થકી પર છે તેમ આત્મા ને અક્ષર પણ માયા થકી પરછે. એવા જે આત્મા ને અક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય છે ? અને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે ને વિકારવાન છે અને દેહી જે જીવ તે તો નિર્વિકારી છે. માટે દેહ અને દેહીને તો અત્યંત વિલક્ષણપણું છે તેમ પુરૂષોત્તમને અને પુરૂષોત્તમના શરીર જે આત્મા ને અક્ષર તેને વિષે અત્યંત વિલક્ષણપણું જોઈએ, તે કહો કેમ વિલક્ષણપણું છે ?” પછી સર્વે મુનિએ જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો પણ યથાર્થ ઉત્તર કોઈથી થયો નહિ.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો અમે ઉત્તર કરીએ, જે આત્મા અને અક્ષર એ બેને જે પુરૂષોત્તમ ભગવાનનું શરીરપણું તે તો વ્યાપ્યપણું, આધીનપણું અને અસમર્થપણું તેણે કરીને છે. કેવી રીતે તો ભગવાન જે તે પોતાની અંતર્યામી શકિતએ કરીને આત્મા ને અક્ષર તેને વિષે વ્યાપક છે ને એ બેય તો વ્યાપ્ય છે. અને ભગવાન જે તે સ્વતંત્ર છે ને આત્મા ને અક્ષર તે તો ભગવાનને આધીન છે – પરતંત્ર છે. અને ભગવાન જે તે અતિસમર્થ છે ને આત્મા ને અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે. એવી રીતે ભગવાન જે તે એ બેયના શરીરી છે અને એ બેય જે તે ભગવાનનું શરીર છે અને શરીરી એવા જે પુરૂષોત્તમ ભગવાન તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે. અને એવા જે એ ભગવાન તે જે વ્યાપક ને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા અને તે આત્માને વ્યાપ્ય ને આત્માને દ્રશ્ય એવા જે દેહ એ સર્વેમાં પોતાની અંતર્યામી શકિતએ કરીને આત્માપણે રહ્યા છે. અને એવી રીતે સર્વેના આત્મા જે પુરૂષોત્તમ ભગવાન તે જયારે રૂપવાન એવું જે દ્રશ્ય તેના આત્માપણે કરીને શાસ્ત્રને વિષે કહ્યાં હોય ત્યારે તે પુરૂષોત્તમને દ્રશ્યરૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય; અને જયારે એ દ્રષ્ટાના આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે એ પુરૂષોત્તમને અરૂપપણે કરીને શાસ્ત્રમાં કહ્યાં હોય છે. અને વસ્તુતાએ તો રૂપવાન જે દ્રશ્ય અને અરૂપ જે આત્મા એ બેય થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે ને સદા મૂર્તિમાન છે ને પ્રાકૃત આકારે રહિત છે. અને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા ને દ્રશ્ય એ બેયના દ્રષ્ટા છે અને એ આત્મા ને અક્ષર એ સર્વેના પ્રેરક છે ને સ્વતંત્ર છે ને નિયંતા છે ને સકળ ઐશ્વર્યે સંપન્ન છે ને પર થકી પર એવું જે અક્ષર તે થકી પણ પર છે. એવા જે પુરૂષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિષે મનુષ્ય જેવા જણાય છે. તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના-ભકિત કરે છે, તે તો એ ભગવાનના સાધાર્મ્યપણાને પામે છે. અને અનંત ઐશ્વર્યને પામે છે. અને બ્રહ્મભાવને પામ્યો જે પોતાનો આત્મા તેણે કરીને પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરૂષોત્તમ ભગવાનની સેવાને વિષે વર્તે છે. અને જે એ ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન-ઉપાસના કરે છે તે તો બ્રહ્મ સુષુપ્તિને વિષે લીન થાય છે. તે પાછો કોઈ દિવસ નીસરતો નથી અને ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી. ને આ જે વાર્તા તે અમે પ્રત્યક્ષ દેખીને કહી છે. માટે એમાં કાંઈ સંશય નથી. અને આ વાર્તા તો જેને એ ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણે ઉપાસનાની દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે પણ બીજા થકી તો પમાતી જ નથી; માટે આ વાર્તાને અતિ દ્રઢ કરીને રાખજો.”

ઈતિ વચનામૃતમ || ૬૪ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30