વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૬૨

 

સત્ય-શૌચાદિક ગુણ આવ્યાનું

સંવત્ ૧૮૭૬ના ફાગણ વદિ ૪ ચોથને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ચોક વચ્ચે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે શ્વેત પાઘ વિરાજમાન હતી અને તે પાઘને વિષે શ્વેત પુષ્પના હાર તથા પુષ્પના તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી.

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પૂછયું જે, “શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે-

सत्यं शौचं दया क्षान्तिस्त्याग: श्रूतम् ||

ज्ञानं विरक्तिरैश्वर्यं शौर्यं तेजो बलं स्मूति: |
स्वातंत्र्यं कौशलं कान्तिधैंर्यं मार्दवमेव च ||

प्रागल्भ्यं प्रश्रय: शीलं सह ओजो बलं भग: |
गाम्भीर्यं स्धैर्यमास्तिकयं कीर्तिर्मानोऽनहंकृति: ||”

એ જે ઓગણચાળીસ કલ્યાણકારી ગુણ તે ભગવાનના સ્વરૂપને વિષે નિરંતર રહે છે. તે એ ગુણ સંતને વિષે કેવી રીતે આવે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ગુણ સંતમાં આવ્યાનું કારણ તો એ છે જે, એને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે. તે નિશ્ચય કેવો હોય તો જે ‘ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરૂષ જેવા ન જાણે, અને સર્વથકી ભગવાનને જુદા જાણે અને એ સર્વના નિયંતા જાણે ને સર્વના કર્તા જાણે અને એ સર્વના કર્તાથકા પણ એ નિર્લેપ છે એમ ભગવાનને જાણે.” અને એવી રીતે જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઈ રીતે કરીને ડગે નહિ, તે ગમે તેવાં તરેતરેનાં શાસ્ત્ર સાંભળે અને ગમે તેવા મતવાદીની વાત સાંભળે અને ગમે તેવા પોતાનું અંત:કરણ કુતર્ક કરે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહિ. એવી જાતનો જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય. માટે જેને જે સંગાથે સંબંધ હોય તેના ગુણ તેમાં સહજે આવે. જેમ આપણાં નેત્ર છે તેને જયારે દીવા સંગાથે સંબંધ થાય છે ત્યારે તે દીવાનો પ્રકાશ નેત્રમાં આવે છે તેણે કરીને નેત્ર આગળ અંધારૂં હોય તેનો નાશ થઈ જાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચયે કરીને સંબંધ થાય છે તેને વિષે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. પછી જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે અને જે ચહાય તે કરવાને સમર્થ છે તેમ એ ભકત પણ અતિશય સમર્થ થાય છે અને નિર્બંધ થાય છે.”

પછી નિર્વિકારાનંદસ્વામીએ પૂછયું જે, “નિશ્ચય હોય તોય પણ રૂડા ગુણ તો આવતા નથી અને માન ને ઈર્ષા તો દિવસે દિવસે વધતાં જાય છે તેનું શું કારણ હશે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન પાસે એક અમૃત લાવીએ અને સિંગડિયો વછનાગ લાવીએ અને દૂધપાક ને સાકર લાવીએ અને અફીણ લાવીએ અને તે સર્વેને ભગવાનના થાળમાં ધરીએ તો પણ જેનો જેવો ગુણ હોય તેનો તેવો ને તેવો જ રહે પણ પલટાઈ જાય નહિ. તેમ જે જીવ આસુરી અને અતિ કુપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તોય પણ પોતાના સ્વભાવને મૂકે નહિ. પછી એ કોઈક ગરીબ હરિભકતનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય, શા માટે જે ભગવાન સર્વમાં અંતર્યામીરૂપે કરીને રહ્યા છે તે પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી સામર્થિ જણવે છે. માટે તે ભકતને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે. ત્યારે તે અપમાનના કરનારાનું અતિશય ભૂંડું થઈ જાય છે. જેમ હિરણ્યકશિપુ હતો તેણે ત્રિલોકી પોતાને વશ કરી રાખી હતી એવો બળવાન હતો પણ તેણે જો પ્રહલાદજીનો દ્રોહ કર્યો તો ભગવાન સ્તંભમાંથી નૃસિંહરૂપે પ્રકટ થઈને તે હિરણ્યકશિપુનો નાશ કરી નાખ્યો. એમ વિચારીને ભગવાનના ભકત હોય તેને અતિશય ગરીબપણું પકડવું પણ કોઈનું અપમાન કરવું નહિ. કાં જે ભગવાન તો ગરીબના અંતરને વિષે પણ વિરાજમાન રહ્યા છે તે એ ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે. એવું જાણીને કોઈ અલ્પ જીવને પણ દુ:ખવવો નહિ અને જો અહંકારને વશ થઈને જેને તેને દુ:ખવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામીરૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહિ. પછી ગમે તે દ્વારે પ્રકટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે. તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશમાત્ર અભિમાન રાખવું નહિ અને એક કીડી જેવા જીવને પણ દુ:ખવવો નહિ એ જ નિર્માની સાધુનો ધર્મ છે.”

ઈતિ વચનામૃતમ || ૬૨ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30