વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૫૬

 

નિર્માનીભક્તનાં જ્ઞાનાદિ-ગુણ આકાશ સરખા બળવાનનું

સંવત્ ૧૮૭૬ના મહા વદિ ૧૨ દ્વાદશીને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણનાં મંદિર આગળ આથમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને જરિયાની કસુંબલ રેટો ઓઢયો હતો ને માથે ફરતા છેડાનો કસુંબી રેટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી અને નારાયણધૂન્ય કરીને મુનિ ઝાંઝ મૃદંગ લઈને કિર્તન ગાતા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કિર્તન રાખો અને ઘડીક પ્રશ્ન ઉત્તર કરીએ.” એમ કહીને વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો હું પ્રશ્ન પૂછું છું જે, શ્રીકૃષ્ણભગવાને ગીતામાં ચાર પ્રકારના ભકત કહ્યા છે તેમાં જ્ઞાનીને અધિક કહ્યો છે. અને ચારેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો સરખો છે માટે જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે ?” પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિએ કરવા માંડયો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્ઞાની છે તે તો બ્રહ્મસ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કાંઈ કામના રહેતી નથી. અને બીજા જે ત્રણ પ્રકારના ભકત છે તેને ભગવાનનો નિશ્ચય તો છે તોય પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી; તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી. તે સારૂ ભગવાનના ભકતને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે. અને જેને કોઈ જાતની વાસના ન હોય અને તીવ્ર વૈરાગ્યવાન હોય અને જો તે વૈરાગ્યને યોગે અહંકારે યુક્ત વર્તે તો એ પણ એને વિષે મોટી ખોટ છે, અથવા અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય અથવા ભગવાનને વિષે દ્રઢ ભકિતનું બળ હોય અને તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભકતને નમાય નહિ અથવા તેની આગળ દીનવચન બોલાય નહિ તો એ પણ એને વિષે મોટી ખોટ છે. તે ખોટે કરીને એ હરિભકતનું અંગ વૃદ્ધિને ન પામે. જેમ સલાટ કૂવો ખોદતો હોય અને જો હેઠે પાણો પોલો બોલે તો સલાટ એમ કહે જે,”પાણી ઘણું થશે” અને જો ઉપરથી રણકતો હોય ને માંહી કાપે ત્યારે અગ્નિ ઝરે તો સલાટ એમ કહે જે, “કૂવામાં પાણી થશે તો અર્ધોકોશનું કે પા કોશનું થશે પણ વધુ નહિ થાય,” તેમ જ્ઞાન, વૈરાગ્ય અને ભકિત તેના માનમાં જે અટંટ રહે તો એ મોટો તો કહેવાય, પણ જેવું અર્ધા કોશનું કે પા કોશનું પાણી થયું એવો મોટો થાય પણ જેવા નિર્માની ભકતમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ એમાં ન આવે. માટે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન, વૈરાગ્ય, ભકિત તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અટંટ થવું નહિ. તો એ પુરૂષના હૃદયને વિષે પ્રકટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણનારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે.”

પછી મુકતાનંદસ્વામીએ પૂછયું જે, “હે મહારાજ ! જ્ઞાન, વૈરાગ્ય, ભકિત તથા બીજા જે શુભ ગુણ તેને યોગે કરીને માન આવે તે માનને કયા ઉપાયે કરીને ટાળવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના ભકતનું માહાત્મ્ય જાણીને પોતે દેહે કરીને તેમને નમસ્કાર કરે તથા તેમની સેવાચાકરી કરે અને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે તો માન ટળી જાય અને અતિશય પ્રેમલક્ષણા ભકિત હોય અને તે ભકિતએ કરીને ભગવાન તેને વશ વર્તતા હોય અને જો તે ભકિતનું ભકતના હૃદયમાં માન આવે તોય પણ એને અતિ ખોટ છે. અને આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનું માન હોય પણ તે અભિમાન તો દેહાત્મબુદ્ધિને જ દ્રઢ કરાવે, માટે ભગવાનના ભકત હોય તેને કોઈ પ્રકારે અભિમાન રાખવું નહિ, એ જ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે. અને અંતર્દ્રષ્ટિવાળા જે ભગવાનના ભકત હોય તે જો તપાસીને પોતાના હૃદય સામું જુએ તો જયારે લગારે માન આવતું હશે ત્યારે હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની નજર કરડી દેખાતી હશે અને જયારે નિર્માનીપણે વર્તાતું હશે ત્યારે પોતાના હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની દ્રષ્ટિ અતિ પ્રસન્ન જણાતી હશે; માટે ભગવાનનો ભકત હોય તેને વિચારનું બળ રાખીને કોઈ પ્રકારનું માન ઉદય થવા દેવું નહિ. અને જો માન સહિત જ્ઞાન, વૈરાગ્ય, ભકિત હોય તો જેમ સોનું હોય અને તેમાં ભેગ ભળે ત્યારે તે સોનું પનરવલું કહેવાય અને તેથી વધતો ભેગ ભળે તો બારવલું કહેવાય અને તેથી વધતો ભેગ ભળે તો આઠવલું કહેવાય, તેમ એ ભકતને જ્ઞાન, વૈરાગ્ય, ભકિતમાં જેમ જેમ અહંકારનો ભેગ ભળતો આવે તેમ તેમ એ ત્રણે ઓછાં થતાં જાય છે માટે માનરહિત જે જ્ઞાન, વૈરાગ્ય અને ભકિત તે તો સોળવલા સોના જેવાં છે અને માન સહિત હોય તે ઉપરથી તો એને ઘણો શોભાડે પણ એના અંતરમાં ઝાઝું બળ હોય નહિ. ત્યાં દ્રષ્ટાંત છે જેમ “પચાસ કોટી યોજન પૃથ્વી તે સમુદ્ર પર્વત અને સર્વ ભૂત-પ્રાણીમાત્ર તેનો આધાર છે માટે ઘણી બળવાન જણાય છે. અને તે થકી જળ વળી ઘણું બળવાન જણાય છે, જે જળને વિષે પૃથ્વી છાણાની પેઠે તરે છે અને જળ થકી તેજમાં ઘણું બળ જણાય છે. અને તેજ થકી વાયુમાં ઘણું બળ જણાય છે. અને આકાશનું તો કાંઈ બળ જણાતું નથી પણ આકાશ સર્વથી બળવાન છે કાં જે એ ચારેનો આકાશ આધારરૂપ છે““ તેમ માનરહિત જે એ ભકતનાં જ્ઞાન, વૈરાગ્ય અને ભકિત તે આકાશ સરખાં બળવાન છે માટે ઉપરથી તો જણાય નહિ પણ નિર્માની ભકત તે સર્વથી શ્રેષ્ઠ છે. અને જેમ બાળક હોય તે દિવસ કાંઈ માનનો ઘાટસંકલ્પ હોય નહિ તેમ જ સાધુને તો ગમે તેટલી પૂજાપ્રતિષ્ઠા થતી હોય પણ બાળકની પેઠે માનરહિત વર્તવું.”

પછી વળી મુકતાનંદસ્વામીએ પ્રશ્ન પૂછયો જે, “ઈન્દ્રિયો, અંત:કરણ અને પ્રાણ તથા જાગ્રત. સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારૂ છે. એવું સત્સંગમાંથી સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે તોય પણ ઈન્દ્રિયો અંત:કરણાદિક ભેગો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજનસ્મરણ કરતો થકો સંકલ્પને યોગે કરીને દુ:ખિયો કેમ થઈ જાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે ઈત્યાદિક અનંત પ્રકારની મોટયપ પામે છે તથા પરમપદને પામે છે; એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. માટે શાસ્ત્રમાંથી આત્મા-અનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે જે “હું આત્મા-અનાત્માની વિગતિ કરી લઉં” એમ વિગતિ થતી નથી, એ તો એ જીવને જેટલી પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર તેને વિષે નિષ્ઠા હોય તેટલો જ આત્મા-અનાત્માનો વિવેક થાય છે પણ ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધન સિદ્ધ થતાં નથી. અને જેને ગોપીઓના જેવી પ્રેમલક્ષણા ભકિત છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયાં છે અને જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો જે ‘ભગવાન તો ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મમહોલ તેના પતિ છે અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભકતના સુખને અર્થે જણાય છે પણ એની મૂર્તિ છે તે ગોલોકાદિક જે પોતાનાં ધામ તેને વિષે એક એક નખમાં કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે અને મૃત્યુલોકને વિષે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે ને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય છે પણ એ તો સૂર્ય, ચંદ્રાદિક સર્વને પ્રકાશના દાતા છે. અને ગોલોકાદિક જે ધામ છે તેને વિષે તો રાધિકા, લક્ષ્મી આદિક જે પોતાના ભકત છે તેમણે નિરંતર સેવ્યા એવા એ ભગવાન છે. અને જયારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે જ એક રહે છે. અને પછી સૃષ્ટિ રચવાને સમે પણ પ્રકૃતિ-પુરૂષ દ્વારે કરીને અનંતકોટિ બ્રહ્માંડોને એ જ ભગવાન ઉપજાવે છે.” એવી રીતે ભગવાનનો મહિમા વિચારવો એ જ આત્મા-અનાત્માના વિવેકનું કારણ છે. અને જેટલી એ ભકતને ભગવાનના માહાત્મ્યે સહિત ભગવાનને વિષે નિષ્ઠા છે તેટલો જ એ ભકતના હૃદયમાં વૈરાગ્ય આવે છે; માટે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. અને જે એવો ભકત હોય તે તો એમ સમજે જે ‘ગમે તેવો પાપી હોય ને અંતસમે જો તેને “સ્વામિનારાયણ” એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપથકી છૂટીને બ્રહ્મમોહોલને વિષે નિવાસ કરે, તો જે એ ભગવાનનો આશ્રિત હોય તે એ ભગવાનના ધામને પામે એમાં શો સંશય છે ?” એમ માહાત્મ્ય સમજે, તે સારૂ જે ભગવાનનો ભકત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું.”

ઈતિ વચનામૃતમ || ૫૬ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30