વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૫૪

 

ભાગવત ધર્મના પોષણનું-મોક્ષના દ્વારનું

સંવત્ ૧૮૭૬ના મહા વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલીયા ઉપર ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને જરિયાની છેડાવાળો કસુંબલ રેટો ઓઢયો હતો અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી.

પછી મુકતાનંદસ્વામીએ પ્રશ્ન પૂછયો જે, “હે મહારાજ ! શ્રીમદ્દ ભાગવતના એકાદશસ્કંધમાં જનકરાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ભાગવતધર્મ તેનું જે પોષણ તે કેમ થાય ? અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યજ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભકિત તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવતધર્મનું પોષણ થાય છે. અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે. તે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે,

प्रसंगमजरं पाशमात्मन: कवयो विदु: |
स एव साधुषु कृतो मोक्षद्वारनोावृतम् ||

“જેવો એ જીવને પોતાના સંબંધીને વિષે દ્રઢ પ્રસંગ છે તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિષે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે.” પછી શુકમુનિએ પૂછયું જે, “ગમે તેવો આપત્કાળ પડે ને પોતાના ધર્મમાંથી ન ખસે તે કયે લક્ષણે કરીને ઓળખાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનુંમોટું વચન લોપી શકે નહિ એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપત્કાળ આવે તોય પણ એ ધર્મથકી પડે જ નહિ; માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે.”

ઈતિ વચનામૃતમ || ૫૪ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30