વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૪૭

 

ચાર પ્રકારની નિષ્ઠાવાળાનાં લક્ષણ

સંવત્ ૧૮૭૬ના મહા સુદિ ૧૨ દ્વાદશીને દિવસ સવારના પહોરમાં સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણનાં મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા જે, “સર્વે સાવધાન થઈને સાંભળો એક વાત કરીએ છીએ. અને તે વાત તો સ્થૂળ છે પણ સુધી સુરત દઈને સાંભળશો તો સમજાશે, નહીં તો નહીં સમજાય.” પછી સર્વે હરિભકતે કહ્યું જે, “હે મહારાજ ! કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પરમેશ્વરના ભકત હોય તેમાં કોઈકને ધર્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને આત્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને વૈરાગ્યનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને ભકિતનિષ્ઠા પ્રધાન હોય અને ગૌણપણે તો એ સર્વે અંગ સર્વ હરિભકતમાં હોય છે. હવે જેની ભાગવતધર્મનિષ્ઠા પ્રધાન હોય તે તો અહિંસા, બ્રહ્મચર્યાદિકરૂપ જે પોતાના વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેણે યુક્તથકો નિર્દંભપણે કરીને ભગવાન અને ભગવાનનાં ભકતની સેવા-ચાકરી કરવી તેને વિષે પ્રીતિએ યુક્ત વર્તે અને તે ભકતને ભગવાનનાં મંદિર કરવાં તથા ભગવાનને અર્થે બાગબગીચા કરવા તેને વિષે રૂચિ વર્તે તથા ભગવાનને નાના પ્રકારનાં નૈવેદ્ય ધરવાં તેમાં રૂચિ વર્તે અને ભગવાનનાં મંદિરમાં તથા સંતની જાયગામાં લીંપવું તથા વાળવું તેને વિષે રૂચિ વર્તે અને ભગવાનની શ્રવણકીર્તનાદિક જે ભકિત તેને નિર્દંભપણે કરે અને તે ધર્મનિષ્ઠાવાળા ભકતને ભાગવતધર્મે યુક્ત એવું જે શાસ્ત્ર તેના શ્રવણકીર્તનાદિકને વિષે અતિશય રૂચિ વર્તે. અને જેને આત્મનિષ્ઠા પ્રધાન હોય તે તો ત્રણ દેહ અને ત્રણ અવસ્થા તેથી પર અને સત્તારૂપ એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે અને પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણપરમાત્મા તેને સર્વથી પર અને અતિશુદ્ધસ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને તે પોતાનો આત્મા તથા તે પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની કરનારી જે વાર્તા તેને પોતે કરે અને બીજાથી સાંભળે તથા તેવી રીતના શાસ્ત્રમાં પ્રીતિએ યુક્ત વર્તે અને પોતાને આત્મસત્તાપણે વર્તવું તેમાં વિક્ષેપ આવે તો તેને સહન કરી ન શકે એવી પ્રકૃતિવાળો હોય. અને જેને વૈરાગ્યનિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વે માયિક પદાર્થમાત્ર તેને વિષે નિરંતર અરૂચિ વર્તે અને અસત્યરૂપ જાણીને પોતે મળની પેઠે ત્યાગ કર્યા જે ગૃહ, કુટુંબી આદિક પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ વર્તે અને તે ભકત જે તે ત્યાગી એવા જે ભગવાનના ભકત તેના સમાગમને જ કરે અને ભગવાનની ભકિત કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે. અને ત્યાગ છે પ્રધાનપણે જેમાં એવી વાર્તાને પોતે કરે અને ત્યાગને પ્રતિપાદન કરનારું જે શાસ્ત્ર તેને વિષે રૂચિવાળો હોય અને પોતાના ત્યાગને વિષે વિરોધ કરનારાં જે સ્વાદુ ભોજન અને સદ્વસ્ત્રાદિક પંચવિષય સંબંધી માયિક પદાર્થમાત્ર, તેને પામવાને વિષે અતિશય અરૂચિ વર્તે. અને જેને ભકિતનિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનના સ્વરૂપને વિષે જ અતિશય દ્રઢ પ્રીતિ વર્તે અને તે ભગવાનના સ્વરૂપથી અન્ય એવા જે માયિક પદાર્થ તેને વિષે પોતાના મનની વૃત્તિને ધારી શકે નહિ અને પ્રેમે કરીને ભગવાનને વસ્ત્ર-અલંકારનું ધારણ કરે અને તે ભકતને ભગવાનના જે જે મનુષ્યચરિત્ર તેના શ્રવણને વિષે અતિશય રૂચિ વર્તે તથા ભગવાનની મૂર્તિના નિરૂપણને કરનારું જે શાસ્ત્ર તેને વિશે અતિશય રૂચિ વર્તે અને જે ભકતને ભગવાનને વિષે પ્રેમને દેખે તે ભકતને વિષે જ તેને પ્રીતિ થાય અને તે વિના પોતાના પુત્રાદિકને વિષે પણ કયારેય પ્રીતિ ન થાય અને તે ભકતને ભગવાન સંબંધી ક્રિયાને વિષે જ નિરંતર પ્રવૃતિ હોય, એવી રીતે આ ચાર નિષ્ઠાવાળા ભકતના લક્ષણની વાર્તાને વિચારીને જેનું જેવું અંગ હોય તેવું તે કહો. અને આ વાર્તા છે તે તો દર્પણ તુલ્ય છે તે જેનું જેવું અંગ હોય તેવું તેને દેખાડી આપે છે. અને ભગવાનના ભકત હોય તે તો અંગ વિનાના હોય નહિ પણ પોતાના અંગને ઓળખે નહિ એટલે પોતાના અંગની દ્રઢતા થાય નહિ અને જયાં સુધી પોતાના અંગની દ્રઢતા ન થઈ હોય ત્યાં સુધી જેવી વાત થાય તેવું તેનું અંગ વ્યાભિચારી જાય, માટે આ વાર્તાને વિચારીને પોતપોતાના અંગની દ્રઢતા કરો અને જેનું જેવું અંગ હોય તે તેમ બોલો.” પછી હરિભકત સર્વે જેવું જેનું અંગ હતું તે તેવી રીતે બોલ્યા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેનું એકસરખું અંગ હોય તે ઊઠી ઊભા થાઓ.” પછી જેનું જેનું એકસરખું અંગ હતું તે સર્વે ઊભા થયા. પછી શ્રીજીમહારાજે એ સર્વેને પાછા બેસાર્યા.

પછી નિત્યાનંદસ્વામીએ પૂછયું જે, “એ ચારે અંગવાળાને પોતપોતાના અંગમાં કોઈ ગુણદોષ છે કે નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ગુણદોષ છે તે કહીએ તે સાંભળો જે, એ ચારે અંગવાળા જે ભકત તેમનાં જે અમે પ્રથમ લક્ષણ કહ્યાં તે પ્રમાણે જે વર્તે તે તો એમને વિષે ગુણ છે અને એ પ્રમાણે જે ન વર્તાય તેટલો એમને વિષે દોષ છે.”

પછી મુકતાનંદસ્વામીએ પૂછયું જે, “એ ચાર નિષ્ઠાવાળાને વિષે કોઈ અધિક-ન્યૂન છે કે એ ચારે તુલ્ય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જયાં સુધી એક એક નિષ્ઠાને વિષે વર્તતા હોય ત્યાં સુધી તો એ ચારે સરખા છે અને જયારે એ ચાર નિષ્ઠા એકને વિષે વર્તે ત્યારે તે સર્વથકી અધિક છે અને જયારે એ ચારે નિષ્ઠા એકને વિષે વર્તે ત્યારે તેને પરમભાગવત કહીએ અને એને જ એકાંતિક ભકત કહીએ.”

ઈતિ વચનામૃતમ || ૪૭ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30