વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૪૧

 

તારતમ્યતાથી અંતર્યામીનાં અનુપ્રવેશનું

સંવત્ ૧૮૭૬ના મહા સુદિ ૫ પંચમીને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર સમીપે લીંબડા તળે ચોતરા ઉપર ઢોલિયે વિરાજમાન હતા ને સર્વે ધોળાં વસ્ત્ર ધારણ કર્યા હતાં ને પીળાં પુષ્પનાં હાર પહેર્યા હતા ને પીળાં પુષ્પનાં ગુચ્છ કાન ઉપર ધાર્યા હતા ને પાઘને વિષે પીળાં પુષ્પના તોરા લટકતા મૂકયા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન-ઉત્તર કરો.” પછી નૃસિંહાનંદસ્વામીએ પૂછયું જે, “હે મહારાજ ! ‘एकोडहं बहु स्यां प्रजायेय” એ જે શ્રુતિ તેનો અર્થ તેને જગતમાં જે કેટલાક પંડિત છે તથા વેદાંતી છે તે એમ સમજે છે જે, “પ્રલયકાળને વિષે જે એક ભગવાન હતા તે જ પોતાની ઈચ્છાએ કરીને સૃષ્ટિકાળે સર્વ જીવ ઈશ્વરરૂપે થયા છે.” તે એ વાર્તા તો મૂર્ખ હોય તેના માન્યામાં આવે ને અમારે તો તમારો આશરો છે એટલે એ વાતની ઘેડ બેસતી નથી. અને અમે તો એમ સમજીએ છીએ જે, ભગવાન તો અચ્યુત છે તે ચ્યવીને જીવ-ઈશ્વરરૂપે થાય નહિ, માટે એ શ્રુતિનો જે અર્થ તે તો તમે કહો તો યથાર્થ સમજાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ શ્રુતિનો અર્થ તો એ સર્વે કરે છે એમ નથી એનો અર્થ તો બીજી રીતે છે, તે વેદસ્તુતિના ગદ્યમાં કહ્યો છે જે, “स्वकृतविचित्रयोनिषु विशन्निवि हेतुतया तरतमतश्चकास्त्यनलवत् स्वकृतानुकृति:” એનો અર્થ એમ છે જે, ‘પુરુષોત્તમભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ તેમને વિષે કારણપણે અંતર્યામીરૂપે કરીને પ્રવેશ કરીને ન્યૂનાધિકભાવે પ્રકાશ કરે છે,” તેની વિગતિ જે અક્ષરાતીત એવા જે પુરૂષોત્તમભગવાન તે સૃષ્ટિસમયને વિષે અક્ષર સામી દ્રષ્ટિ કરે છે ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. પછી તે પુરૂષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરૂષને વિષે પ્રવેશ કરે છે ને પુરૂષરૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છે, એવી રીતે જેમ જેમ પુરૂષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ. અને પછી તે પ્રકૃતિ-પુરૂષથકી પ્રધાનપુરૂષ થયા અને તે પ્રધાનપુરૂષથકી મહત્તત્વ થયું ને મહત્તત્વથકી ત્રણ પ્રકારનો અહંકાર થયો ને અહંકારથી ભૂત, વિષય, ઈંદ્રિયો, અંત:કરણ અને દેવતા તે થયા ને તે થકી વિરાટપુરષ થયા ને તેની નાભિકમળમાંથી બ્રહ્મા થયા ને તે બ્રહ્માથકી મરીચ્યાદિક પ્રજાપતિ થયા ને તે થકી કશ્યપપ્રજાપતિ થયા ને તે થકી ઈન્દ્રાદિક દેવતા થયા ને દૈત્ય થયા અને સ્થાવર જંગમ સર્વ સૃષ્ટિ થઈ. અને પુરૂષોત્તમભગવાન જે તે એ સર્વેમાં કારણપણે અંતર્યામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે, પણ જેવા અક્ષરમાં છે તેવી રીતે પુરુષ-પ્રકૃતિમાં નથી ને જેવા પુરુષ-પ્રકૃતિમાં છે તેવા પ્રધાનપુરૂષમાં નથી ને જેવા પ્રધાનપુરૂષમાં છે તેવા મહત્તત્વાદિક ચોવીશ તત્વમાં નથી. ને જેવા ચોવીશ તત્વમાં છે તેવા વિરાટપુરૂષમાં નથી ને જેવા વિરાટપુરુષમાં છે તેવા બ્રહ્મામાં નથી ને જેવા બ્રહ્મામાં છે તેવા મરીચ્યાદિકમાં નથી ને જેવા મરીચ્યાદિકમાં છે તેવા કશ્યપમાં નથી ને જેવા કશ્યપમાં છે તેવા ઈન્દ્રાદિક દેવતામાં નથી ને જેવા ઈન્દ્રાદિક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી ને જેવા મનુષ્યમાં છે તેવા પશુપક્ષીમાં નથી, એવી રીતે પુરૂષોત્તમભગવાન જે તે તારતમ્યતાએ સર્વમાં કારણપણે અંતર્યામીરૂપે કરીને રહ્યા છે, જેમ કાષ્ઠને વિષે અગ્નિ રહ્યો છે તે મોટા કાષ્ઠમાં મોટો અગ્નિ રહ્યો છે ને લાંબા કાષ્ઠમાં લાંબો અગ્નિ રહ્યો છે ને વાંકા કાષ્ટમાં વાંકો અગ્નિ રહ્યો છે, તેમ એ પુરૂષોત્તમ ભગવાન છે તે જે દ્વારે જેટલું કાર્ય કરાવવું હોય તેને વિષે તેટલી સામર્થીએ યુક્ત થકા રહે છે અને અક્ષર ને પુરૂષ પ્રકૃતિ આદ્યે સર્વને વિષે પુરૂષોત્તમભગવાન અંતર્યામીરૂપે રહ્યા છે, પણ પાત્રની તારતમ્યતાએ કરીને સામર્થીમાં તારતમ્યપણું છે. એવી રીતે એક પુરૂષોત્તમભગવાન છે તે અંતર્યામીરૂપે કરીને એ સર્વને વિષે પ્રવેશ કરીને રહ્યા છે, પણ જીવ-ઈશ્વરપણાને પોતે પામીને બહુરૂપે નથી થયા એવી રીતે એ શ્રુતિનો અર્થ સમજવો.”

ઈતિ વચનામૃતમ || ૪૧ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30