વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૪૦

 

સવિકલ્પ નિર્વિકલ્પ સમાધિનું

સંવત્ ૧૮૭૬ના મહાસુદિ ૪ ચોથને દિવસે પ્રાત:કાળે શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી ને પાઘને વિષે પીળાં પુષ્પનો તોરો લટકતો હતો ને કંઠને વિષે પીળાં પુષ્પનો હાર પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ સર્વ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજને મુકતાનંદસ્વામીએ પ્રશ્ન પૂછયો જે, “હે મહારાજ ! સવિકલ્પ સમાધિ તે કેને કહીએ ને નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય ને શુભ વાસના રહી હોય જે, “હું નારદ, સનકાદિક ને શુકજી તે જેવો થાઉં અથવા નરનારાયણના આશ્રમમાં જઈને તે આશ્રમના મુનિ ભેળો રહીને તપ કરૂં અથવા શ્વેતદ્વીપમાં જઈને તપ કરીને શ્વેતમુકત જેવો થાઉં.” એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિવાળો કહીએ. એને જેને એવી રીતનો વિકલ્પ ન હોય તે અક્ષરબ્રહ્મના સાધાર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિષે જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ.”

પછી વળી મુકતાનંદસ્વામીએ પ્રશ્ન પૂછયો જે, “હે મહારાજ ! ભકિતમાં ને ઉપાસનામાં તે શો ભેદ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,

‘श्रवणं कीर्तनं विष्णो: स्मरणं पादसेवनम् |
अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम्”

એવી રીતે નવ પ્રકારે કરીને જે ભગવાનને ભજવા તેને ભકિત કહીએ. અને ઉપાસના તો તેને કહીએ જે, ભગવાનના સ્વરૂપને વિષે સદા સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય ને પોતે જે ભજનનો કરનારો તે બ્રહ્મરૂપ થાય તોપણ તે નિષ્ઠા જાય જ નહિ અને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તોપણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે અને શાસ્ત્રને વિષે ગમે તેવી વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દે જ નહિ એવી રીતે જેની દ્રઢ સમજણ હોય તેને ઉપાસનાવાળો કહીએ.”

ઈતિ વચનામૃતમ || ૪૦ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30