વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૩૭

 

જન્મભૂમિની વાસના ટાળ્યાનું – ખાંપાનું-ભગવત્ નિષ્ઠાનું

સંવત્ ૧૮૭૬ના પોષ વદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડા તળે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા અને માથે ધોળી પાઘ વિરાજમાન હતી અને તે પાઘમાં પીળાં પુષ્પનો તોરો વિરાજમાન હતો અને બે કાન ઉપર ધોળાં પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને કંઠને વિષે પીળાં ને ધોળાં પુષ્પનો હાર વિરાજમાન હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિજનની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે અણસમજુ હોય ને તેણે ભેખ લીધો હોય તોપણ તેને જયાં જયાં પોતાની જન્મભૂમિ હોય તેને વિષે હેત ટળતું નથી,” એમ કહીને પછી પોતાના સાથળને વિષે નાનપણામાં ઝાડનો ખાંપો લાગ્યો હતો તે સર્વને દેખાડયો ને બોલ્યા જે, “આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડ ને તલાવડી સાંભરી આવે છે. માટે જન્મભૂમિ તથા પોતાનાં સગાંસંબંધી તેને અંતરમાંથી વિસારી દેવાં તે ઘણું કઠણ છે, માટે જેને જેને જન્મભૂમિ તથા દેહનાં સંબંધી તે ન સાંભરતાં હોય તે બોલો અને જે લાજે કરીને ન બોલે તેને શ્રીનરનારાયણના સમ છે.” પછી સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્યા, પછી તે સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જયારે પોતાને આત્મારૂપે માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કેઈ ? ને તે આત્માનું સગું કોણ ? ને તે આત્માની જાત પણ કેઈ ? અને જો સગપણ લેવું હોય તો પૂર્વે ચોરાશી લાખ જાતનાં દેહ ધર્યા છે તે સર્વનું સગપણ સરખું જાણવું અને તે સગાંનું કલ્યાણ ઈચ્છવું તો સર્વનું ઈચ્છવું. અને આ મનુષ્યદેહમાં આવ્યા ત્યારે ચોરાશી લાખ જાતનાં જે માબાપ તે અજ્ઞાને કરીને વીસર્યા છે, તેમ આ મનુષ્ય શરીરનાં જે માબાપ છે તેમને જ્ઞાને કરીને વિસારી દેવા. અને અમારે તો કોઈ સગાસંબંધી સાથે હેત નથી તથા અમારી સેવા કરતા હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભકિત ન હોય તો તે ઉપર હેત કરીએ તોય પણ ન થાય અને જો નારદજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભકિત ન હોય તો તે અમને ન ગમે. અને જેના હૃદયમાં ભગવાનની ભકિત હોય ને એમ સમજતો હોય જે ‘જેવા પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર વિરાજે છે અને જેવા તે ભગવાનના ભકત ભગવાનની સમીપે વિરાજે છે તેવા ને તેવા જ જયારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે” અને ‘આ ભગવાન ને ભગવાનના ભકત તે સદા સાકાર જ છે” એમ સમજતો હોય અને ગમે તેવા વેદાંતીના ગ્રંથ સાંભળે પણ ભગવાન ને ભગવાનના ભકતને નિરાકાર સમજે જ નહિ અને એમ જાણે જે ‘એ ભગવાન વિના બીજો કોઈ જગતનો કર્તા છે જ નહીં”. અને એમ જાણે જે ‘ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી.” એવી જેને ભગવાનને વિષે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય ને તે જેવો તેવો હોય તોપણ એ અમને ગમે છે અને એને માથે કાળ, કર્મ ને માયા તેનો હુકમ નથી અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે, પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી. અને એવી નિષ્ઠા ન હોય ને તે જો ત્યાગવૈરાગ્યે યુક્ત હોય તોપણ તેનો અમારા અંતરમાં ભાર આવે નહિ અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય ને તે ગમે તેટલાં શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તોપણ પોતાને જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહિ અને તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહિ, એવી નિષ્ઠાવાળા જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ અને તેને દુ:ખવતા થકા મનમાં બીએ છીએ અને તેનાં દર્શનને પણ ઈચ્છીએ છીએ અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાનાં સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી. એવા જે જડમતિવાળા પુરૂષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાને ઈચ્છે તેવા મૂર્ખ છે. અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઈચ્છે એવા ડાહ્યા છે. અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનના હજૂરમાં રહે છે. અને એવી નિષ્ઠા જેને ન હોય ને તેણે બીજાં સાધન જો કર્યા હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે અને જે એવા યથાર્થ ભગવાનના ભકત છે તેનું દર્શન તો ભગવાનના દર્શનતુલ્ય છે અને એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે,” એવી રીતે વાર્તા કરીને શ્રીજીમહારાજે કહ્યું જે,”કીર્તન બોલો.”

ઈતિ વચનામૃતમ || ૩૭ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30