વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૩૬

 

કંગાલનું અને સાચા ત્યાગીનું

સંવત્ ૧૮૭૬ના પોષ વદિ ૧૩ તેરસને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને કંઠને વિષે ધોળાં ને પીળાં પુષ્પના હાર ધારણ કર્યા હતા અને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પાઘને વિષે પીળાં પુષ્પનો તોરો લટકતો હતો તથા કર્ણિકારના રાતા પુષ્પનું છોગલું મૂકયું હતું અને જમણા હાથને વિષે ધોળાં પુષ્પનો દડો ફેરવતા હતા, એવી રીતની શોભાને ધારણ કરતા ને પોતાના ભકતજનને આનંદ ઉપજાવતા થકા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેણે સંસાર મૂકયો ને ત્યાગીનો ભેખ લીધો અને તેને પરમેશ્વરનાં સ્વરૂપ વિના અસત્ પદાર્થમાં પ્રીતિ રહે છે તેને કેવો જાણવો તો ‘જેવો મોટા શાહુકાર માણસની આગળ કંગાલ માણસ હોય” તેવો જાણવો, જેમ કંગાલ માણસ હોય ને પહેરવા વસ્ત્ર ન મળતું હોય ને ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય તે પોતે પોતાને પાપી સમજે અને બીજા શાહુકાર લોક પણ તેને પાપી સમજે જે, “આણે પાપ કર્યા હશે માટે એને અન્નવસ્ત્ર મળતું નથી.” તેમ જે ત્યાગી થઈને સારાં સારાં જે વસ્ત્રાદિ પદાર્થ તેને ભેળાં કરી રાખે અને તેની તૃષ્ણા પણ ઘણી રાખે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભકિત તેને વિષે પ્રીતિએ રહિત હોય, એવો જે ત્યાગી તેને તો જે મોટા એકાંતિક સાધુ છે તે કંગાલ માણસની પેઠે પાપી જાણે છે. કેમ જે, જો એ પાપી છે તો એને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભકિત તેને વિષે પ્રીતિ થતી નથી. અને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે. અને જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચન એ બેય બરોબર હોય અને ‘આ પદાર્થ સારું ને આ પદાર્થ ભૂંડું” એવી તો સમજણ જ હોય નહિ અને એક ભગવાનને વિષે પ્રીતિ હોય તે જ સાચો ત્યાગી છે.”

ઈતિ વચનામૃતમ || ૩૬ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30