વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૩૧

 

ટેલ ચાકરી કરે તે ભક્તિવાળાનું – નિશ્ચય અને આજ્ઞા પાલનથી મોટ્યપનું

સંવત્ ૧૮૭૬ના પોષ વદિ ૨ બીજને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી-તકિયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં.

તે સમે યોગાનંદમુનિએ પ્રશ્ન પૂછયો જે, “હે મહારાજ ! ભગવાનના ભકત બે હોય, તેમાં એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે ને કોઈને વચને કરી દુ:ખવે નહિ અને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભકત તેની અન્ન વસ્ત્ર પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે, પણ વચને કરીને કોઈને દુખવાય ખરું, એવી રીતના બે ભકત તેમાં કયો શ્રેષ્ઠ છે ?” પછી શ્રીજીમહારાજે એનો ઉત્તર કર્યો નહિ અને મુકતાનંદસ્વામી તથા બ્રહ્માનંદસ્વામીને તેડાવીને એ પ્રશ્ન સંભળાવ્યો ને પછી કહ્યું જે “એનો ઉત્તર તમે કરો,” ત્યારે એ બે જણે ઉત્તર કર્યો જે, “વચને કરીને કોઈને દુખવે છે પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે. અને નિવૃત્તિને વિષે રહે છે ને કોઈને દુ:ખવતો નથી ને તેથી ભગવાનની તથા સંતની કાંઈ સેવા થતી નથી તેને અસમર્થ સરખો જાણવો. અને જે ટેલ ચાકરી કરે તેને તો ભકિતવાળો કહીએ, તે ભકિતવાળો શ્રેષ્ઠ છે. “ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ઉત્તર ઠીક કર્યો. અને એવી ભકિતવાળો હોય ને ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય ને તેને વિષે કાંઈક અલ્પ સરખો દોષ દેખાય તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટય છે, અને એવી રીતે દોષ જુએ ત્યારે તો પરમેશ્વરે જીવના કલ્યાણને અર્થે દેહ ધર્યો હોય તેમાં પણ દોષના જોનારાને ખોટય દેખાય ખરી અને અતિ મોટા ભગવાનના ભકત હોય તેમાં પણ ખોટય દેખાય ખરી. અને તે દોષને જોનારે ખોટય કાઢી તેણે કરીને પરમેશ્વરના અવતાર અથવા સંત તે શું કલ્યાણકારી નહિ ? તે તો કલ્યાણકારી જ છે, પણ જેને અવળી બુદ્ધિ હોય તેને અવળું જ સૂઝે, જેમ શિશુપાળ એમ જ કહેતો જે, “પાંડવ તો વર્ણસંકર છે ને પાંચ જણે એક સ્ત્રી રાખી માટે અધર્મી પણ છે અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે કેમ જે જન્મ થયો ત્યાંથી પ્રથમ તો એણે એક સ્ત્રી મારી, ત્યાર પછી બગલો માર્યો, વાછડો માર્યો અને મધના પૂડા ઉખેડયા તેણે કરીને એને મધુસૂદન કહે છે પણ એણે કાંઈ મધુ નામે દૈત્ય માર્યો નથી ને વર્ણસંકર એવા જે પાંડવ તેણે પૂજયો તેણે કરીને શું એ ભગવાન થયો ?” એવી રીતે ભગવાન ને ભગવાનના ભકતનો અવગુણ આસુરી બુદ્ધિવાળો શિશુપાળ તેણે લીધો, પણ ભગવાનના ભકત હતા તેણે એવો અવગુણ કાંઈ ન લીધો. માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો જાણવો.” ત્યારે ફરીને તે મુનિએ પૂછયું જે, “હે મહારાજ, મોટા જે પ્રભુના ભકત હોય તેનો તો અવગુણ આવે નહિ પણ જેવો – તેવો હરિભકત હોય તેનો અવગુણ તો આવે ખરો ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ તમે સમજો છો તેમ નાનપ્ય-મોટયપ નથી, મોટયપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયે કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિષે વર્તવે કરીને છે અને એ બે વાનાં જેને ન હોય ને તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તો પણ એ નાનો જ છે. અને પ્રથમ કહી એવી મોટયપ તો આજ આપણા સત્સંગમાં સર્વ હરિભકતને વિષે છે; કેમજે આજ જે સર્વ હરિભકત છે તે એમ સમજે છે જે ‘અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે કૃતાર્થ થયા છીએ” એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા તે ભગવાનની ભકિત કરે છે માટે એવા જે હરિભકત તેનો કાંઈક દેહસ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહિ અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે.”

ઈતિ વચનામૃતમ || ૩૧ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30