વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૨૯

 

ધર્માદિ સહિત ભક્તિનું બળ વધ્યાનું – અંતરશુદ્ધિનાં કારણનું

સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૧૫ પુનમને દિવસે સાંજને સમે શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળાં પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિષે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન પૂછો.” ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછયું જે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્યે સહિત જે ભકિત તેનું બળ વૃદ્ધિને કેમ પામે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એના ઉપાય ચાર છે. એક તો પવિત્ર દેશ, બીજો રૂડો કાળ, ત્રીજી શુભ ક્રિયા અને ચોથો સત્પુરૂષનો સંગ. તેમાં ક્રિયાનું સમર્થપણું તો થોડું છે ને દેશ, કાળ ને સંગનું કારણ વિશેષ છે, કેમ જે, જો પવિત્ર દેશ હોય, પવિત્ર કાળ હોય અને તમ જેવા સંતનો સંગ હોય તો ત્યાં ક્રિયા રૂડી જ થાય અને જો સિંધ જેવો ભૂંડો દેશ હોય તથા ભૂંડો કાળ હોય તથા પાતર્યો ને ભડવા અથવા દારૂ-માંસના ભક્ષણ કરનારા તેનો સંગ થાય તો ક્રિયા ભૂંડી જ થાય; માટે પવિત્ર દેશમાં રહેવું અને ભૂંડો કાળ વર્તતો હોય ત્યાંથી આઘુંપાછું ખસી નીસરવું અને સંગ પણ પ્રભુના ભક્ત અને પંચ વર્તમાને યુક્ત એવા જે બ્રહ્મવેતા સાધુ તેનો કરવો, તો હરિભકતને પરમેશ્વરની જે ભકિત તેનું બળ અતિશય વૃદ્ધિ પામે, એ પ્રશ્નનો એ ઉત્તર છે.”

પછી મુકતાનંદસ્વામીએ પૂછયું જે, “હે મહારાજ ! કોઈક હરિભકત હોય તેને પ્રથમ તો અંતર ગોબરું સરખું હોય અને પછી તો અતિશય શુદ્ધ થઈ જાય છે, તે એને પૂર્વનો સંસ્કાર છે તેણે કરીને એમ થયું ? કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું ? કે એ હરિભકતને પુરુષપ્રયત્ને કરીને થયું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પૂર્વને સંસ્કારે કરીને જે સારું અથવા નરસું થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે. જેમ ભરતજીને મૃગલામાં આસકિત થઈ એવે ઠેકાણે પ્રારબ્ધ લેવાય અથવા કોઈ કંગાલ હોય ને તેને મોટું રાજય મળે એવી રીતે થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે, ત્યારે તેને તો પ્રારબ્ધ જાણવું.” પછી શ્રીજીમહારાજે પોતાની વાત કરી જે, “અમે જેજે સાધન કર્યા હતાં તેને વિષે કોઈ રીતે દેહ રહે જ નહિ ને તેમાં પણ દેહ રહ્યો તેને પ્રારબ્ધ કહીએ, તે શું તો અમે શ્રીપુરૂષોત્તમપુરીમાં રહેતા ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ કરીને રહ્યા તથા ત્રણચાર ગાઉના પહોળા પાટવાળી એક નદી હતી તેને વિષે એક વાર શરીર તણાતું મેલ્યું તથા શિયાળો, ઉનાળો ને ચોમાસું તેને વિષે છાયા વિના એક કૌપીનભર રહેતા હતા તથા ઝાડીને વિષે વાઘ, હાથી તથા અરણાપાડા તેની ભેળે ફરતા. એવાં એવાં અનંત વિકટ ઠેકાણાં તેને વિષે ફર્યા તોય પણ કોઈ રીતે દેહ પડયો નહિ, ત્યારે એવે ઠેકાણે તો પ્રારબ્ધ લેવું. અને જેમ સાંદીપનિ નામે બ્રાહ્મણ તેનો પુત્ર તે નરકથી મુકાયો અને વળી જેમ પાંચ વર્ષના ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાદિકના અર્થની સહજે સ્ફૂર્તિ થઈ, એવી રીતે અતિ શુદ્ધભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન તેની ઈચ્છાએ કરીને તથા તે ભગવાનને વરદાને કરીને અથવા અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાનના એકાંતિક સાધુ તેના વરદાને કરીને જે રૂડી બુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જાણવી. અને રૂડા સાધુનો સંગ કરે ને પોતે પોતાને વિચારે કરીને જે સારો થાય તેને તો પુરૂષપ્રયત્ન કહીએ,” એમ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજીમહારાજ હસતાં હસતાં પોતાને આસને પધાર્યા.

ઈતિ વચનામૃતમ || ૨૯ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30