વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૧૦

 

કૃતઘ્ની ન થવું ને તેનો ત્યાગ કર્યાનું

સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૩ તેરસને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે વેંકટાદ્રિથી સેતુબંધ રામેશ્વર જતા હતા ત્યાં એક સેવકરામ નામે સાધુ હતો. તે શ્રીમદ્દભાગવતાદિક પુરાણને ભણ્યો હતો. તે માર્ગમાં ચાલતાં માંદો પડયો, તેની પાસે રૂપિયા હજારની સોનામહોર હતી પણ ચાકરીનો કરનારો કોઈ નહિ માટે રોવા લાગ્યો, પછી તેને અમે કહ્યું જે. “કાંઈ ચિંતા રાખશો મા, તમારી ચાકરી અમે કરીશું.” પછી ગામને બહાર એક કેળાની ફુલવાડી હતી તેમા એક વડનો વૃક્ષ હતો તે વડના વૃક્ષને વિષે હજાર ભૂત રહેતા પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહિ અને અતિશય માંદો થયો, તે ઉપર અમને અતિશય દયા આવી પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવીને હાથ એક ઊંચી પથારી કરી આપી. અને તે સાધુને લોહીખંડ પેટબેસણું હતું તેને અમે ધોતા અને ચાકરી કરતા અને તે સાધુ પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપિયા આપીને મંગાવતો તે અમો લાવીને રાંધી ખવરાવતા અને અમો વસ્તીમાં જઈને જમી આવતા. અને કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહિ ત્યારે અમારે ઉપવાસ થતો તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહિ જે, ‘અમ પાસે દ્રવ્ય છે તે આપણે બેને કાજે રસોઈ કરો અને તમે પણ અમ ભેળા જમો.” પછી એમ સેવા કરતે થકે તે સાધુ બે માસે કાંઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા, ત્યારે તેનો ભાર મણ એક હતો તે અમારે પાસે ઉપડાવતો અને પોતે તો એક માળા લઈને ચાલતો અને દેહે પણ સાજો અને એક શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો તો પણ ભાર અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો ચાલે અને અમારી પ્રકૃતિ તો એવી હતી જે ‘ભાર નામે તો રૂમાલ પણ રાખતા નહિ.” માટે તેને સાધુ જાણીને અમે એનો મણ એકનો ભાર ઉપાડી ચાલતા, એવી રીતે તે સાધુની અમે ચાકરી કરીને સાજો કર્યો પણ તે સાધુએ અમને એક પૈસાભાર અન્ન આપ્યું નહિ, પછી અમે તેને કૃતધ્ની જાણીને તેના સંગનો ત્યાગ કર્યો. એવી રીતે જે મનુષ્ય કર્યા કૃત્યને ન જાણે તેને કૃતધ્ની જાણવો. અને કોઈક મનુષ્યે કાંઈક પાપ કર્યુ અને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યુ અને વળી તેને તે પાપે યુક્ત જે કહે તેને પણ તે કૃતધ્ની જેવો પાપી જાણવો.”

ઈતિ વચનામૃતમ || ૧૦ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30