વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ ૬૩

 

જીવને તત્કાળ અતિશય બળ પામવાનું

સંવત્ ૧૮૮૧ના માગશર વદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં ને પોતાના મુખારવિંદની આગળ ભજનાનંદસ્વામી શ્રીમદ્દ ભાગવતનો પાઠ કરતા હતા ને પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી મુકતાનંદસ્વામીએ પ્રશ્ર પૂછયો જે,”હે મહારાજ ! દ્રષ્ટા ને દ્રશ્યના મધ્યમાં જે વિચાર રહે છે, તે દ્રષ્ટાને ને દ્રશ્યને જુદાં જુદાં રાખે છે એમાં જીવનું જાણપણું કયું જાણવું ને ઈન્દ્રિયો અંત:કરણનું જાણપણું કયું જાણવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,” અમને તો એમ જણાય છે જે, જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો અંત:કરણની વૃતિઓ તે જીવની જ વૃત્તિ છે અને તેના ચાર ક્રિયાએ કરીને ચાર વિભાગ જણાય છે અને તે અંત:કરણમાં ને ઈન્દ્રિયોમાં જાણપણું છે તે જીવનું જ છે, તે ઈન્દ્રિયો અંત:કરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે ને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે. અને જેનો જીવ અતિશય બળને પામ્યો હોય, તેને તો ભૂંડુ સ્વપ્ન પણ આવે નહિ અને જેનો જીવ નિર્બળ હોય, તેને તો સાંખ્યના મતને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા તે આત્માપણે રહેવું પણ ઈન્દ્રિયો-અંત:કરણ ભેળું ભળવું નહિ. એવી રીતે સત્તારૂપ રહેતાં થકાં એનો જીવ બળને પામે છે. અને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે જે, ભગવાન ને ભગવાનના જે સંત તેને વિષે જેને પ્રીતિ હોય, ને તેની સેવાને વિષે અતિશય શ્રદ્ધા હોય,ને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય, તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી.

અને વળી અમે અમારા અંતરની વાર્તા કહીએ જે, જ્યારે અમે અગનોતરાની સાલમાં માંદા થયા હતા, ત્યારે કૈલાસ ને વૈકુંઠ દેખ્યામાં આવ્યાં ને નંદીશ્વરની અસવારી ને ગરૂડની અસવારી પણ અમે કરી એમ અમારા દીઠામાં આવ્યું, પણ તે સામર્થિમાં અમને કાંઈ સારૂં લાગ્યું નહિ. પછી તો અમે કેવળ સત્તારૂપે રહેવા માંડયું ત્યારે સર્વે ઉપાધિની શાંતિ થઈ; પછી તેમાં પણ અમને એમ વિચાર થયો જે, ‘સત્તારૂપે રહેવું તેથી પણ ભગવાન ને ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે.” માટે અમને એમ બીક લાગી જે,’રખે સત્તારૂપે રહીએ ને પાછો દેહ ન ધરાય” માટે દેહ ધરીને ભગવાન ને ભગવાનના ભક્તની ભેળે રહીએ ને તેને અર્થે જે સેવા બની આવે તેજ અતિશય શ્રેષ્ઠ સાધન છે. અને જ્યારે જીવને અંત સમો આવે છે. ત્યારે અનંત જાતની આધિ ને વ્યાધિ પ્રકટ થાય છે. પછી ભગવાન કે ભગવાનના સંતનું જ્યારે દર્શન થાય છે, ત્યારે સર્વે દુ:ખનો નાશ થઈ જાય છે એવો ભગવાનનો ને ભગવાનના ભક્તનો મહિમા મોટો છે. અને ભગવાનના ભક્ત છે તેતો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે એને વિષે તો મનુષ્યભાવ લાવવો જ નહિ. અને જેમ પોતાના દેહનાં કુટુંબી હોય છે ને તેને તેના હેતને અર્થે આપણે વઢીને કહીએ ને આપણને તે વઢીને કહે પણ અંતરમાં કોઈને આંટી પડતી નથી, તેમ ભગવાનના ભક્ત સંઘાથે વર્ત્યું જોઈએ. અને જેને ભગવાન ને ભગવાનના ભક્ત સંઘાથે આંટી પડી જાય છે તે તો અમને દીઠો પણ ગમતો નથી ને તે ઉપરથી રીસ પણ કોઈ દિવસ ઊતરતી નથી. અને આ સંસારમાં પંચ મહાપાપના કરનારાનો કોઈ દિવસ છૂટકો થાય પણ ભગવાનના ભક્તના દ્રોહના કરનારાનો કોઈ દિવસ છૂટકો થતો નથી. માટે ભગવાનના ભક્તની જે સેવા કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બરોબર કોઈ પાપ પણ નથી. માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન, કર્મ, વચને શુદ્ધભાવે કરીને સેવવા.”

ઈતિ વચનામૃતમ || ૬૩ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30